‘હિંદ છોડો’ આંદોલન (1942)
February, 2009
‘હિંદ છોડો’ આંદોલન (1942) : સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા વાસ્તે, ગાંધીજીના નેતૃત્વ હેઠળ, ઑગસ્ટ 1942માં કૉંગ્રેસે શરૂ કરેલું આઝાદી માટેનું આખરી આંદોલન. ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ ગાંધીજીના વિચારોમાં પરિવર્તન થયું. ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ સાપ્તાહિકોમાં તેમણે લખ્યું કે ‘હિંદુસ્તાન પર ગમે તે વીતક ભલે વીતો, પણ તેની સાચી સલામતી હિંદમાંથી અંગ્રેજો….. વેળાસર ચાલ્યા જાય એમાં રહેલી છે.’ ગાંધીજીના ‘હરિજન’ના લેખો અને ‘હિંદ છોડો’ના સૂત્રે દેશભરમાં હલચલ પેદા કરી. સરદાર પટેલ, રાજેન્દ્રપ્રસાદ, આચાર્ય કૃપાલાની વગેરે ગાંધીજી આપે તે કાર્યક્રમ અપનાવવા તૈયાર હતા; પરંતુ જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ માનતા હતા કે વિશ્વયુદ્ધ ચાલતું હોવાથી લડત ઉપાડવી યોગ્ય નથી.
જુલાઈ 1942માં કૉંગ્રેસની કારોબારી સમિતિએ સ્વતંત્રતા મેળવવા માટે પ્રચંડ અને દેશવ્યાપી લડત આપવાનો ઠરાવ કર્યો. ગાંધીજી માનતા હતા કે મ્યાનમાર (બર્મા) અને સિંગાપુરની જેમ અંગ્રેજો હિંદનું રક્ષણ નહિ કરી શકે. અંગ્રેજોએ બતાવેલ રંગભેદ સામે ગાંધીજીનું મન બળવો પોકારતું હતું. બંગાળમાં સૈનિકો વાસ્તે જરૂરી એવાં ખેડૂતોનાં મકાનો ખાલી કરાવાયાં, ભાવો બેસુમાર વધ્યા. ચલણી નોટોમાં લોકોને વિશ્વાસ રહ્યો ન હતો. મધ્યમ વર્ગ સખત આર્થિક ભીંસ ભોગવતો હતો. તેથી એક સર્વોચ્ચ મુત્સદ્દીની જેમ ગાંધીજીએ ક્રાંતિ કરવાનો શ્રેષ્ઠ સમય પારખી લીધો.
મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકે 8મી ઑગસ્ટની મોડી રાત્રે પસાર કરેલા ઠરાવમાં જણાવ્યું કે, ‘……દેશમાંથી બ્રિટિશ હકૂમતનો અંત આવે એ એક અત્યંત અગત્યનો અને તેટલો જ તાકીદનો મુદ્દો છે…… મુક્તિ અને સ્વતંત્રતાના પોતાના હકની સિદ્ધિ માટે અહિંસાથી ચાલતી લડતને મંજૂરી આપવાનું સમિતિ ઠરાવે છે…… લડતની આગેવાની લઈને તેને અંગે જે પગલાં લેવાનાં હોય તેમાં પ્રજાને દોરવા સમિતિ ગાંધીજીને વિનંતી કરે છે…….’ ઠરાવના સમર્થનમાં બોલતાં ગાંધીજીએ જણાવ્યું, ‘‘…….સૌ માને કે આ ઘડીથી આપણે સૌ આઝાદ બન્યાં છીએ. આઝાદીથી અધૂરું એવું કશું જ હવે નહિ ખપે……. દરેક ભાઈ અને દરેક બહેન આઠે પહોરે એક જ સ્તવન કરે કે સવાર-સાંજ ખાઉં છું તે આઝાદીને માટે, જીવું છું તે આઝાદીને માટે અને મરીશ પણ હિંદની આઝાદીને માટે……. આજે છુપાઈને કશું કરવું નથી. આ ‘ખુલ્લો બળવો’ છે. આ લડતમાં ખુલ્લી છાતીએ ગોળીઓ ઝીલવાની છે…… મેં મહાસભાને હોડમાં મૂકી છે અને મહાસભા માટે તો એટલું જ રહે છે, ‘કરેંગે યા મરેંગે’………’’
8મી ઑગસ્ટની મોડી રાત્રે મહાસમિતિની બેઠક પૂરી થઈ અને 9મી ઑગસ્ટની વહેલી સવારે ગાંધીજી, કૉંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી. કૉંગ્રેસની મહાસમિતિ તથા બધી પ્રાંતિક કૉંગ્રેસ સમિતિઓને ગેરકાયદે ઠરાવવામાં આવી. સરકારે વર્તમાનપત્રો પર નિયંત્રણો લાદ્યાં. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના બધા નેતાઓની ધરપકડ થવાથી ચળવળને દોરનાર કોઈ જવાબદાર નેતા રહ્યો નહિ; પરંતુ કૉંગ્રેસના નેતાઓની ધરપકડ થવાથી લોકો ઉશ્કેરાયા, તેમણે દેખાવો કર્યા, જે હિંસક પણ બન્યા.
ચળવળનું સ્વરૂપ : ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓને સરકારે જેલમાં પૂર્યા ત્યારે બાવીસ વરસ સુધી ભણાવેલા અહિંસાના પાઠ લોકો ભૂલી ગયા. સમગ્ર દેશમાં લોકોએ હડતાળો પાડી તથા સરઘસો કાઢીને શાંત અને અહિંસક દેખાવો યોજ્યા. સરઘસો વિખેરવા સરકારે લાઠીમાર અને ગોળીબારો કર્યા. તેનાથી લોકો ઉશ્કેરાયા અને હિંસક બન્યા.
9મી ઑગસ્ટની સવારે મુંબઈ, અમદાવાદ અને પુણેમાં તોફાનો થયાં. 10મીના રોજ દિલ્હી અને ઉત્તર પ્રદેશના થોડા કસબાઓમાં તોફાનો થયાં. 11મીથી પરિસ્થિતિ ઝડપથી બગડી. હડતાળો, વિરોધસભાઓ અને દેખાવો ઉપરાંત આગ અને ભાંગફોડના બનાવો બન્યા. પોલીસો ઉપર હિંસક હુમલા થયા. આ રીતની ભાંગફોડના 31 ડિસેમ્બર, 1943 સુધીના સમગ્ર દેશના બનાવો નીચે મુજબ હતા :
1. | નાશ પામેલાં અથવા નુકસાન પામેલાં રેલવે સ્ટેશનોની સંખ્યા | 332 |
2. | રેલવેના પાટાને કરેલ ગંભીર નુકસાનના બનાવો | 411 |
3. | રેલવેના ડબાને ગંભીર નુકસાનના બનાવો | 268 |
4. | ડિરેલમેન્ટ (રેલવેના પાટા ઉખાડવા) કે રેલવેના અકસ્માતો | 66 |
5. | રેલવેની મિલકતને થયેલ અંદાજિત નુકસાન | રૂ. 52 લાખ |
6. | પોસ્ટ ઑફિસોનો નાશ કે ગંભીર નુકસાનના બનાવો | 945 |
7. | તાર-ટેલિફોનનાં દોરડાં કાપવાના બનાવો | 12,286 |
8. | લશ્કર દ્વારા કરેલા ગોળીબારના બનાવો | 68 |
9. | લશ્કરના ગોળીબારથી મૃત્યુ પામેલાની સંખ્યા | 297 |
10. | લશ્કરના ગોળીબારથી ગંભીર ઈજા પામેલાની સંખ્યા | 238 |
11. | વિમાનોમાંથી કરેલા ગોળીબારના બનાવો | 05 |
નિ:શસ્ત્ર ટોળાંએ ગ્રામવિસ્તારોમાં સરકારી કચેરીઓનો કબજો લીધો; પરંતુ શહેરોમાં તેમણે લશ્કર અને પોલીસનો સામનો કરવો પડ્યો, તેથી ઘણા લોકો માર્યા ગયા. આ સ્વયંભૂ ક્રાંતિના હેવાલો લોકોની વીરતા, હિંમત, દેશભક્તિ અને બલિદાનના બનાવોથી ભરપૂર છે; પરંતુ કેટલાક સ્થળે લોકોનાં ટોળાંએ અત્યાચારો કર્યા અને પોલીસ અધિકારીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી.
વિવિધ પ્રદેશોના બનાવો : મુંબઈએ દેખાવો યોજવામાં આગેવાની લીધી. 9મી ઑગસ્ટની સવારે ગોવાળિયા ટૅન્કના મેદાનમાં અરુણા અસફઅલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ત્યાં પોલીસે કરેલા ગોળીબારમાં 8 જણા માર્યા ગયા અને 169 ઘવાયા. શાળા-કૉલેજો તથા બજારોમાં હડતાળો પડી. 10મીથી ચળવળ હિંસક બની. સરકારી મકાનો અને વાહનો ઉપર હુમલા થયા. તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. સપ્ટેમ્બરમાં મુંબઈમાં બૉંબધડાકાના અનેક બનાવો બન્યા. કાર્યકરોએ ખાનગીમાં રેડિયોસ્ટેશન શરૂ કર્યું. ત્યાંથી ઉષાબહેન મહેતાએ ચળવળના સમાચાર બ્રૉડકાસ્ટ કર્યા. મહારાષ્ટ્રમાં પુણે, શોલાપુર, નાસિક, અહમદનગર અને સાતારામાં ચળવળ તીવ્ર બની. પુણે પાસેની લશ્કરી સરંજામની વખાર સળગાવી દીધી. સાતારામાં લોકોએ ‘પત્રી સરકાર’ સ્થાપી. બિહારમાં રાજેન્દ્રપ્રસાદ, જયપ્રકાશ નારાયણ વગેરે નેતાઓની ધરપકડ બાદ શાળા-કૉલેજો, બજારો અને કારખાનાંઓમાં હડતાળો પડી. પટણામાં હજારો વિદ્યાર્થીઓના સરઘસ ઉપર પોલીસે ગોળીબાર કરવાથી સાત વિદ્યાર્થીઓ શહીદ થયા તથા અનેક ઘવાયા. તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં તથા રેલવેમાં અનેક ઠેકાણે ભંગાણ કરવાથી અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો. બિહારમાં રેલવેમાં સૌથી વધારે નુકસાન થયું. સીતામઢીમાં લોકોએ પોલીસો પર હુમલો કરી, તેમની બંદૂકો છીનવી લઈ, પોલીસોને મારી નાખ્યા. ઑક્ટોબર, 1942માં જયપ્રકાશ નારાયણ સાથીઓ સહિત હઝારીબાગ સેન્ટ્રલ જેલમાંથી નાસી ગયા અને ગુપ્ત રહીને ચળવળને માર્ગદર્શન આપ્યું.
ઉત્તર ભાગલપુર, સીતામઢી તથા મહનાર થાણામાં લોકોએ રાષ્ટ્રીય સરકાર સ્થાપી. સુલતાનપુરમાં સિયારામ સિંહના નેતૃત્વ હેઠળ સમાંતર સરકાર સ્થાપી. હજારો લોકોનાં ટોળાં ઉપર પોલીસોએ આડેધડ ગોળીબારો કરી અનેક લોકોને મારી નાખ્યા. રોષે ભરાયેલા લોકોનાં ટોળાંએ ચાર પોલીસોને જીવતા બાળી નાખ્યા. નેપાળના તરાઈમાં યુવાનોને તાલીમ આપવા કેન્દ્ર સ્થપાયું. સિયારામ દળ અને પરશુરામ દળના ક્રાંતિકારોએ ગેરીલા પ્રવૃત્તિ દ્વારા હુમલા કરી, સરકારી તંત્રને અટકાવી દીધું. ઉત્તર પ્રદેશમાં પૂર્વના બલિયા, આઝમગઢ, ગાઝીપુર વગેરે જિલ્લાઓમાં ચળવળ ગંભીર બની. હજારો લોકોએ સરકારી મિલકતોનો નાશ કર્યો, રેલવેમાં ભંગાણ કરવાથી બહારનો સંપર્ક કપાઈ ગયો. બલિયા જિલ્લાના બૈરિયામાં હજારો લોકોનાં ટોળાં પર ગોળીબારો કરી, પોલીસોએ 19 માણસો મારી નાખ્યા. રોષે ભરાયેલા લોકોએ આ જિલ્લાનાં આઠ પોલીસ થાણાં બાળી નાખ્યાં. ચિતુ પાંડેના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય સરકાર રચવામાં આવી. લશ્કરે ત્યાં જઈને લોકો પર જુલમ ગુજાર્યો. ગાઝીપુર જિલ્લાના આઝમગઢમાં 50,000ના ટોળાએ મધુબન થાણું કબજે કરવા હુમલો કરતાં પોલીસે કરેલા ગોળીબારમાં 30 માણસો માર્યા ગયા. વારાણસીમાં વિદ્યાર્થીઓએ સેંકડો સ્થળે તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં, રેલવે સ્ટેશનો લૂંટીને બાળ્યાં, ગામોમાં જઈને લોકોને બળવો કરવા ઉશ્કેર્યા, ગ્રામવિસ્તારોમાં ભાંગફોડ કરી અને વાહનવ્યવહાર અટકાવી દીધો. હરદ્વારમાં ગુરુકુળ તથા હૃષીકુળના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઑફિસો, રેલવે સ્ટેશનો, પોલીસ થાણાં તથા ગ્રામવિસ્તારોમાં ભાંગફોડ કરી. મોરાદાબાદમાં 35,000 લોકોના સરઘસ પર લશ્કરે ગોળીબારો કરી 15 માણસો મારી નાખ્યા તથા સેંકડો ઘવાયા. ફરુખાબાદ, આગ્રા, લખનૌ, કાનપુર વગેરે સ્થળે બૉમ્બના ધડાકા થયા.
મધ્ય પ્રદેશમાં અમરાવતી, નાગપુર, વર્ધા, ભંડારા, ગ્વાલિયર, ઉજ્જૈન વગેરે ચળવળનાં કેન્દ્રો હતાં. નાગપુરમાં લોકોનાં ટોળાંએ પોલીસ થાણાં કબજે કર્યાં, સરકારી મકાનોને આગ લગાડી, સરકારી તિજોરી લૂંટી અને પોલીસે પકડેલા લોકોને છોડાવ્યા. ચીમૂરમાં લોકોએ સરકારી મકાનો બાળ્યાં, પોલીસે બેફામ ગોળીબારો કર્યા. ઉશ્કેરાયેલા લોકોએ સરકારી અધિકારીઓની હત્યા કરી. આષ્ટીમાં પોલીસે ગોળીબાર કરી પાંચ જણને મારી નાખવાથી લોકોએ ત્રણ કૉન્સ્ટેબલોને કેરોસીન છાંટીને સળગાવી દીધા, બીજા બેને મારી નાખ્યા. તે પછી લશ્કરે ચીમૂરમાં ભયંકર અત્યાચારો ગુજાર્યા.
બંગાળમાં કોલકાતાના વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજોમાં હડતાળો પાડી, સભાઓ ભરી, સરઘસો કાઢ્યાં, રસ્તામાં આડશો મૂકી અને ટ્રામોને આગ લગાડી. પોલીસે કરેલા ગોળીબારોમાં 100 કરતાં વધારે માણસો માર્યા ગયા. ત્યાં ગુપ્ત રેડિયો-સ્ટેશન દ્વારા લડતના સમાચારો પ્રસારિત કર્યા. બંગાળમાં ‘યુગાન્તર’ જૂથ, ‘અનુશીલમ્’ જૂથ, ફૉર્વર્ડ બ્લૉક વગેરે દ્વારા હિંસક હુમલા કરવામાં આવ્યા. અતુલ્ય ઘોષ, પ્રફુલ્લ સેન, અજય મુકરજી વગેરે ચળવળના નેતાઓ હતા. તામલુકમાં વીસ હજાર લોકોના સરઘસ પર ગોળીબારો થતાં અનેક માણસો શહીદ થયા. 73 વર્ષની માતંગિની હઝરાએ વીરતા દાખવી. તે વીરાંગના માતૃભૂમિની મુક્તિ કાજે શહીદ થઈ. સુતાહતામાં વિદ્યુતબાહિની તથા ભગિની સેનાના નેતૃત્વ હેઠળ ચાળીસ હજાર લોકોના ટોળાએ થાણું કબજે કરીને આગ ચાંપી. ભગવાનપુરમાં પોલીસ થાણા પર હુમલો કરતા 5,000 લોકોના ટોળા પર થયેલા ગોળીબારમાં 13 માણસો માર્યા ગયા. નંદીગ્રામ, સુતાહતા, મહિષા દલ, તામ્રલિપ્ત તથા તામલુકમાં રાષ્ટ્રીય સરકારો રચવામાં આવી.
ગુજરાતમાં 9મી ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં હડતાળો પડી. અમદાવાદના હજારો વિદ્યાર્થીઓએ 250 દિવસની લાંબી હડતાળ પાડી. મોટાં બજારો તથા અમદાવાદની 75 કાપડની મિલોના આશરે 1,40,000 મજૂરોએ સાડાત્રણ મહિનાની શાંત, ઐતિહાસિક હડતાળ પાડી, જે સમગ્ર દેશમાં અદ્વિતીય હતી. સૂરત, નડિયાદ, આણંદ સહિત ગુજરાતનાં અનેક નગરોમાં બજારો, મિલો અને શાળા-કૉલેજોમાં હડતાળો પડી.
ગુજરાત કૉલેજમાં ધ્વજધારી વિદ્યાર્થી વિનોદ કિનારીવાલા ગોળીબારથી શહીદ થયો. વિદ્યાર્થીઓ સભા-સરઘસોમાં જોડાતા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપતા, પત્રિકાઓ વહેંચતા, રસ્તામાં અંતરાયો મૂકતા તથા પોલીસો અને પોલીસચોકીઓ પર પથ્થરમારો કરતા. અનેક સ્થળેથી ચળવળના સમાચાર અને કાર્યક્રમ આપતી ગુપ્ત પત્રિકાઓ પ્રગટ થતી. ભરૂચના છોટુભાઈ પુરાણીએ ભૂગર્ભમાં રહી વ્યાયામ પ્રચારક મંડળના કાર્યકરોની મદદથી ગુજરાતમાં ભાંગફોડની પ્રવૃત્તિ ચલાવી. અમદાવાદમાં સમાન્તર આઝાદ સરકાર સ્થાપી જયંતી ઠાકોર ‘જયાનંદ’ નામથી શહેરસૂબા બન્યા. તેમણે કૉંગ્રેસ પત્રિકા પ્રગટ કરવાનું સરસ આયોજન કર્યું. વાસુદેવ ભટ્ટ તથા રામભાઈ પટેલ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી નાસી જઈને ગુપ્ત પ્રવૃત્તિમાં જોડાયા.
અમદાવાદ સુધરાઈના મકાન પર 1929માં ગાંધીજીએ ચઢાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાથી કર્મચારીઓએ હડતાળ પાડી. આખરે કલેક્ટરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી આપી. તેમાં કર્મચારીઓનો જ્વલંત વિજય હતો.
ગુજરાતમાં અનેક સ્થળે તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. ખેડા અને સૂરત જિલ્લામાં અનેક ગામોની શાળાઓ તથા ચૉરાને આગ લગાડી દફતર બાળવામાં આવ્યું.
અમદાવાદમાં વિવિધ જૂથો દ્વારા બૉમ્બ બનાવીને પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો, સરકારી કચેરીઓ વગેરે ઠેકાણે ફેંકવામાં આવ્યા. બૉમ્બ બનાવતાં તથા ફેંકવા જતાં નંદલાલ જોશી, નરહરિ રાવલ, નારણભાઈ પટેલ વગેરે યુવકો મરણ પામ્યા. મિલો ખૂલે નહિ તે માટે અમદાવાદમાં પાંચ ઇલક્ટ્રિક સ્વિચ હાઉસમાં 16 બૉમ્બ મૂકવામાં આવ્યા, જે ફૂટવાથી શહેરમાં અંધકાર ફેલાયો; પરંતુ એક કલાકમાં વીજળીનો પુરવઠો ચાલુ થતાં યોજના નિષ્ફળ ગઈ. અનેક નગરોમાં બૉમ્બ ફૂટવાના બનાવો બન્યા હતા.
ઉત્તર ગુજરાતમાં કલોલ તથા સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે ફિશપ્લેટો કાઢી નાખવાથી માલગાડીના ડબા ઊથલી પડ્યા. છોટુભાઈ પુરાણી અને ચંદ્રશંકર ભટ્ટે સાથીઓ સહિત ભરૂચ જિલ્લાના સરભોણ અને વેડચ તથા હાલોલ તાલુકાના અંબાલી પોલીસસ્ટેશનો પર હુમલા કરી બંદૂકો અને કારતૂસોની લૂંટ કરી. સૌરાષ્ટ્રમાં લીલાપુર અને લખતર વચ્ચે ટ્રેનમાં જતી સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા લૂંટી, તે નાણાંનો ઉપયોગ ચળવળ માટે કર્યો. ઉત્તર ગુજરાતમાં સઈજ ગામે પોલીસના ગોળીબારથી ઉશ્કેરાયેલા લોકોએ ચૉરાને આગ લગાડી અને ચૉરામાંથી નાસતા ચાર પોલીસો અને નાયબ ફોજદારને મારી નાખ્યા.
આસામનાં કેટલાંક ગામોમાં પોલીસ સાથેની અથડામણમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘવાયા. બહુજાની, બાઝાલી, હાંતીસુંગ વગેરે ગામોમાં લોકોએ સમાંતર સરકાર ચલાવી. ગૌહતી પાસે લશ્કરની બે ટ્રેનો પાટા પરથી ઊતરી પડવાથી 150 સૈનિકો મરણ પામ્યા.
ઓરિસામાં બાલાસોર જિલ્લાનાં ગામોમાં સ્વરાજ પંચાયતો રચવામાં આવી. ઈરમમાં પોલીસના ગોળીબારોમાં અનેક માણસો માર્યા ગયા અને ઘવાયા. બાલાસોર જિલ્લાના કાતાશાહીમાં ચાર હજાર લોકોના ટોળાએ પોલીસો પર હુમલો કરી કેટલાકને ઈજા કરી. પોલીસના ગોળીબારથી છ માણસો મરણ પામ્યા.
દક્ષિણ ભારતમાં ચળવળનું પ્રમાણ ઓછું હતું. છતાં આંધ્રમાં પશ્ચિમ ગોદાવરી અને ગંતુર જિલ્લા, કેરલમાં કોટ્ટાયમ, કાલીકટ અને તેલ્લીચેરી, તામિલનાડુમાં તાંજોર, ત્રિચિનાપલ્લી, કુમ્બકરમ તથા મદુરામાં ચળવળ તીવ્ર બની હતી. તેનાલી-ગંતુર વિભાગમાં રેલના પાટા લોકોએ ઉખાડી નાખ્યા. ચિરક્કલ, કોટ્ટાયમ, કાલીકટ વગેરેમાં સરકારી કચેરીઓ બાળવામાં આવી. ઉત્તર મલબારમાં બૉમ્બ ફૂટવાના, આગના તથા તાર કાપવાના અનેક બનાવો બન્યા. કોઇમ્બતૂરનું લશ્કરી ઍરોડ્રોમ બાળી નાખવામાં આવ્યું. ત્યાંની લશ્કરી છાવણીમાં આગ લગાડી 200 (બસો) ટૅન્કોનો નાશ કરવામાં આવ્યો.
ચેન્નાઈમાં મિલો અને શાળા-કૉલેજોમાં હડતાળ પડી. તિરુવદાનીમાં લોકોએ થાણું કબજે કરી, જેલ તોડીને કેદીઓને મુક્ત કર્યા. મૈસૂરમાં મિલોના 32,000 મજૂરોએ પખવાડિયાની હડતાળ પાડી. રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, જોધપુર, કોટા વગેરે શહેરોમાં હડતાળો પડી. કોટામાં પ્રજામંડળના નેતૃત્વ હેઠળ લોકોએ પોલીસોને બૅરેકોમાં પૂરી, શહેર કબજે કરી, દરવાજા પર ચૉકી ગોઠવીને લશ્કરને પ્રવેશવા દીધું નહિ.
પંજાબમાં અમૃતસર, રોહતક અને હોશિયારપુરમાં તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. દિલ્લીમાં મિલો, બજારો, શાળા-કૉલેજોમાં હડતાળો પડી.
સરકારની દમનનીતિ : આ ચળવળ દરમિયાન પોલીસ કે લશ્કર દ્વારા લાઠીમાર, ગોળીબાર, ધરપકડ, લૂંટ, સ્ત્રીઓ પર બળાત્કાર, સામૂહિક દંડ, શારીરિક વેદના વગેરે પ્રકારે લોકો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ ચળવળમાં સરકારના હેવાલ મુજબ 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. 1,028 મૃત્યુ થયાં તથા 3,200 ઘવાયા હતા. જવાહરલાલ નહેરુના અંદાજ પ્રમાણે આ લડતમાં, આખા દેશમાં દસ હજાર લોકો મરણ પામ્યા હતા. સરકારી આંકડા અનુસાર 60,229ની ધરપકડ; 26,000ને સજા તથા 18,000ની અટકાયત કરવામાં આવી હતી. અસહ્ય વેદના આપવાથી મુંબઈ ઇલાકાના એક પોલીસથાણામાં એક સત્યાગ્રહીએ ઝેર પીધું; ઉત્તરપ્રદેશની જેલનો એક કેદી કૂવામાં પડ્યો અને બેસુમાર મારવાથી અનેક જણા મરણ પામ્યા.
બળવો કચડી નાખવા સરકારે લશ્કરની 112 ટુકડીઓ ઉપયોગમાં લીધી. પુણેમાં નિર્દોષ મહિલાઓને તેમનાં મકાનોમાં ગોળીબાર કરી પોલીસે મારી નાખી. સાતારામાં બેહજાર માણસોની ધરપકડ થઈ. ગોળીબારથી તેર જણનાં મૃત્યુ થયાં તથા જેલમાં છ જણા મરણ પામ્યા. બિહારમાં અનેક સ્થળે મશીનગન ચલાવી. પટણા, મોંઘીર, શાહાબાદ અને ગયા જિલ્લાને સરકારે લશ્કર હેઠળ મૂક્યા. મોંઘીર જિલ્લાનાં ગામોમાં વિમાનમાંથી મશીનગન વડે ગોળીબારો કરવાથી પચાસ માણસો માર્યા ગયા તથા અનેક ઘવાયા. ભાગલપુર જિલ્લાના સોનબરસામાં એક સ્વાતંત્ર્યસૈનિકને અનેક ઠેકાણે છરા ભોંકીને હત્યા કરવામાં આવી. ભાગલપુર જેલના બળવાખોર કેદીઓ પર ગોળીબારો કરી પોલીસોએ 29ને મારી નાખ્યા અને 87ને ઈજાઓ થઈ. પેઈન ગામના સુખદેવ ગોપને ખેંચી જઈને ખટારા નીચે ચગદી નાખવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશના બલિયા, આઝમગઢ, જોનપુર તથા ગાઝીપુર જિલ્લાનાં ગામોમાં પોલીસોએ ધાડ પાડી, લૂંટ કરી અને આગ લગાડી. ગોરખપુર જિલ્લાના માલવાડી ગામમાં પોલીસોએ સો માણસોને બાંધીને બેસુમાર માર્યા.
મધ્ય પ્રદેશના ચીમૂરમાં લશ્કરે પુરુષોની ધરપકડ કરી, મકાનોમાં લૂંટ કરી અને મહિલાઓ પર બળાત્કાર કર્યો. ચીમૂર અને આષ્ટીના લોકો પર સરકારે સામૂહિક દંડ નાખ્યો. પ્રોફે. જે. પી. ભણસાળીએ ચીમૂરના અત્યાચારોની ન્યાયાધીશો દ્વારા તપાસ કરાવવા 64 દિવસના ઉપવાસ કર્યા.
બંગાળમાં મોરડંગા ગામ પર લશ્કરે છાપો મારી, બધાં મકાનો જમીનદોસ્ત કરવાથી, લોકોએ જંગલમાં આશ્રય લેવો પડ્યો. તામલુક પરગણામાં રેલવે લાઇન ઉપરના મજૂરો ઉપર વિમાનમાંથી ગોળીબારો કરી અનેકની હત્યા કરવામાં આવી. અનેક સ્ત્રીઓ ઉપર સૈનિકોએ બળાત્કાર કર્યો અને પુરુષોને અસહ્ય ત્રાસ આપ્યો. આસામમાં નૌગોંગ જિલ્લામાં 1600 માણસોની ધરપકડ કરી, આડેધડ ગોળીબારો કરી, નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી. ઓરિસામાં લોકો ઉપર ગોળીબારો, મકાનો, ખેતરો અને ઢોરની જપ્તી, મહિલાઓની પજવણી તથા અમાનવીય વર્તાવના બનાવો બન્યા. બાલાસોરમાં સ્ત્રીઓને વસ્ત્રહીન કરી, વૃક્ષો ઉપર ઊંધે માથે લટકાવી, ચાબખા મારી અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો. નીલગિરિ અને તલચાર રાજ્યોમાં લોકોનાં ટોળાં ઉપર બ્રિટિશ સૈનિકોએ વિમાનમાંથી મશીનગન વડે ગોળીબારો કરી, અસંખ્ય લોકોને મારી નાખ્યા.
ખેડા જિલ્લાનાં અડાસ, ડાકોર, નડિયાદ, ચકલાસી વગેરે નગરોમાં ગોળીબારોથી 12 સ્વાતંત્ર્યસૈનિકો મરણ પામ્યા.
ચળવળ હિંસક બનવાનાં કારણો : 9મી ઑગસ્ટના રોજ નેતાઓની ધરપકડ થઈ તે અગાઉ ગાંધીજીએ ચળવળનો કાર્યક્રમ ઘડ્યો ન હતો. લોકોએ શાંત અને અહિંસક પ્રવૃત્તિઓ કરવી, તે સિવાય ગાંધીજી કે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કોઈ સૂચનાઓ આપી ન હતી. આંધ્રમાં પ્રચાર કરાયેલા એક પરિપત્રમાં જણાવેલો કાર્યક્રમ, ચળવળના હિંસક બનાવોને મળતો આવે છે. ગાંધીજીએ પોતે ‘કરેંગે યા મરેંગે’ અને ‘ખુલ્લો બળવો’ની જાહેરાત કરી હતી. ગાંધીજીના અહિંસાના અર્થઘટન મુજબ ચડિયાતી તાકાત સામે કરેલી હિંસા એની મેળે જ અહિંસા બને છે. નિ:શસ્ત્ર બળવાખોરો માટે આ સિદ્ધાંત અનુકૂળ હતો.
વલ્લભભાઈ પટેલે જુલાઈ, 1942માં અમદાવાદમાં લડતની તૈયારી અંગે એક સભાને સંબોધતાં કહ્યું હતું, ‘…….મૃત્યુને ભેટજો પરંતુ પાછા હઠશો નહિ……ચૌરીચૌરા જેવા હિંસાના બનાવો પણ આ ચળવળને અટકાવી શકશે નહિ……..’ ગાંધીજીના અનુયાયી કિશોરલાલ મશરૂવાલાએ ‘હરિજન’ના અંકમાં ભાંગફોડની પ્રવૃત્તિ માન્ય રાખી હતી. તેની લાખો નકલો દેશમાં વહેંચવામાં આવી હતી. ગાંધીજીની ધરપકડ બાદ, જયપ્રકાશ નારાયણે અને તેમના કૉંગ્રેસ-સમાજવાદી જૂથે અહિંસાને બદલે ક્રાંતિકારોનો કાર્યક્રમ અપનાવી, બધાં રાજ્યોમાં ગુપ્ત સભાઓમાં તેનો પ્રચાર કર્યો હતો. જયપ્રકાશ નારાયણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સર્વ સ્વાતંત્ર્યસૈનિકોને સંબોધીને ગુપ્ત પત્રો દ્વારા લડતમાં જોડાવા અપીલ કરી. જયપ્રકાશ, રામમનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી વગેરે સમાજવાદી નેતાઓએ દિલ્હીની ગુપ્ત સભામાં ઘડેલા કાર્યક્રમનો સમગ્ર દેશમાં અમલ થયો. છતાં ફેબ્રુઆરી 1943 સુધીમાં વાસ્તવમાં સરકારે ચળવળ ક્રૂરતાપૂર્વક કચડી નાખી.
સમીક્ષા : 1942ની ‘હિંદ છોડો’ ચળવળ દેશવ્યાપી હતી. તેનો ઉદ્દેશ બ્રિટિશ સરકારને ચાલ્યા જવાની ફરજ પાડી, વહીવટી તંત્ર ખોરવી નાખી, સ્વતંત્રતા મેળવવાનો હતો; પરંતુ સરકારે ચળવળને કચડી નાખીને દેશમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવામાં સફળતા મેળવી. તેથી ચળવળ નિષ્ફળ થઈ. ‘હિંદ છોડો’ ચળવળ સ્વતંત્રતા માગનાર દરેક દેશવાસીની ચળવળ હતી. તેમાં મુસ્લિમો, સામ્યવાદીઓ, રૉયવાદીઓ, ધનિકો તથા સરકારી કર્મચારીઓ જોડાયા નહોતા; પરંતુ મધ્યમ વર્ગના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. ચળવળે આમજનતાના ‘ખુલ્લા બળવા’નું સ્વરૂપ પકડ્યું. દેશમાં, ચળવળ દરમિયાન બ્રિટિશવિરોધી લાગણી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ. 1947માં સ્વતંત્રતા મળી, તે માટેની ભૂમિકા તૈયાર થઈ.
આ ચળવળ નિષ્ફળ જવાનાં ત્રણ મુખ્ય કારણો હતાં : (1) સરકારની ચડિયાતી તાકાત, (2) લડતમાં સંગઠન તથા આયોજનની ખામીઓ અને (3) સરકારી નોકરોની વફાદારી. કૉંગ્રેસના બધા નેતાઓની ધરપકડ કરવાથી, નેતાઓ વિનાનો અને કાર્યક્રમ વિનાનો બળવો થયો. વહીવટને થંભાવી દેવાના અલગ અલગ પ્રયાસોની હારમાળા જેવો આ બળવો હતો. તેમાં સંગઠન, સંચાલન, સંકલન, વ્યૂહરચના તથા નેતૃત્વનો અભાવ હતો. તેમ છતાં આ ચળવળ લોકક્રાંતિ બની હતી. તેમાં ભારતમાતાની મુક્તિ કાજે હજારો નવલોહિયાઓએ આત્મસમર્પણ કરી, દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અન્ય પક્ષોનું વલણ : કૉંગ્રેસ સિવાય મોટા ભાગના પક્ષોનું આ લડત પ્રત્યેનું વલણ પ્રતિકૂળ હતું. ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ મહંમદ અલી ઝીણાએ સૌથી વધારે ભયાનક લોકચળવળ તરીકે વર્ણવી મુસલમાનોને તેનાથી દૂર રહેવાની સલાહ આપી હતી. હિંદુ મહાસભાના પ્રમુખ સાવરકરે ચળવળને ટેકો ન આપવા હિંદુઓને જણાવ્યું હતું. દલિત વર્ગોના નેતા ડૉ. આંબેડકર ચળવળના વિરોધી હતા. ભારતીય સામ્યવાદી પક્ષે કૉંગ્રેસના ઑગસ્ટ 1942ના ઠરાવનો વિરોધ કર્યો હતો. તેમ છતાં, રાષ્ટ્રવાદી મુસલમાનો, દલિતો અને ઘણી મોટી સંખ્યામાં હિંદુઓ ચળવળમાં જોડાયા હતા.
વિદેશોમાં ચળવળના પ્રત્યાઘાતો : ઇંગ્લૅન્ડના બુદ્ધિશાળીઓ તથા ડાબેરીઓનું જૂથ ‘હિંદ છોડો’ ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતું હતું. બર્નાર્ડ શૉએ જણાવ્યું હતું કે ગાંધીજીની અટકાયત ‘સૌથી વધુ મૂર્ખામી ભરેલી ભૂલ’ છે.
વિદેશોના બુદ્ધિશાળીઓએ ભારતની સ્વતંત્રતામાં રસ લીધો હતો.
જયકુમાર ર. શુક્લ