હિંદનું વિભાજન : સ્વાતંત્ર્યપ્રાપ્તિ વખતે 1947માં કરવામાં આવેલ દેશનું ભારત તથા પાકિસ્તાન રૂપે વિભાજન.

ઈ. સ. 1935ના હિંદ સરકારના કાયદાથી હિંદના પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી. 1937માં ચૂંટણીઓ થઈ તેમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાને બહુમતી મળી અને આઠ પ્રાંતોમાં એનાં પ્રધાનમંડળો રચાયાં, જ્યારે મુસ્લિમ લીગના બહુ થોડા સભ્યો ચૂંટાયા અને એક પણ પ્રાંતમાં એને બહુમતી મળી નહિ. તેથી મહંમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગના અન્ય નેતાઓ ઉશ્કેરાયા. એમણે 1940માં મુસ્લિમોના અલગ રાજ્ય પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ પસાર કર્યો. એ પછી હિંદી રાષ્ટ્રીય મહાસભા અને મુસ્લિમ લીગ વચ્ચેનું અંતર સતત વધતું ગયું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન હિંદને મનાવવા એક પછી એક યોજના જાહેર કરતું રહ્યું. 1946ના ફેબ્રુઆરીમાં હિંદના નૌકાદળમાં બળવો થયો. આમ, વિવિધ પરિબળોના દબાણથી બ્રિટને હિંદને જલદી આઝાદી આપવાનું નક્કી કર્યું. બ્રિટિશ વડાપ્રધાન ક્લેમન્ટ એટલીનું હિંદ તરફનું વલણ સહાનુભૂતિભર્યું હતું.

હિંદને આઝાદી આપવાની યોજના તૈયાર કરવા માટે બ્રિટિશ પ્રધાનમંડળના ત્રણ સભ્યો પેથિક લૉરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને ઍલેક્ઝાન્ડરના બનેલા પ્રતિનિધિમંડળને 1946માં હિંદ મોકલવામાં આવ્યું. આ કૅબિનેટ મિશનની ભલામણ પ્રમાણે હિંદમાં બંધારણ સભાની ચૂંટણી થઈ. તેમાં કૉંગ્રેસના 211 અને મુસ્લિમ લીગના માત્ર 37 સભ્યો ચૂંટાયા. તેથી મુસ્લિમ લીગે ઝનૂને ચડીને પાકિસ્તાનની માગણી વધારે ઉગ્ર બનાવી. એણે 16મી ઑગસ્ટ, 1946ના દિવસને હિંદમાં ‘સીધાં પગલાં દિન’ તરીકે ઊજવ્યો. પરિણામે સમગ્ર દેશમાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો ફાટી નીકળ્યાં અને સેંકડો માણસોનાં મૃત્યુ થયાં. તેથી હિંદનું વિભાજન અનિવાર્ય બન્યું. કૉંગ્રેસના નેતાઓએ પણ અનિચ્છાએ એનો સ્વીકાર કર્યો.

હિંદમાં નવા આવેલા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટને 3જી જૂન, 1947ના રોજ જાહેરાત કર્યા પછી બ્રિટનની પાર્લમેન્ટે જુલાઈ, 1947માં હિંદને આઝાદી આપતો અને એનું વિભાજન કરતો ‘હિંદ સ્વાતંત્ર્ય ધારો’ પસાર કર્યો. આ કાયદાની મુખ્ય જોગવાઈઓ નીચે પ્રમાણે હતી :

(1) 15મી ઑગસ્ટ, 1947થી હિંદના પ્રદેશોનું ભારત અને પાકિસ્તાન એવા બે સ્વતંત્ર દેશોમાં વિભાજન કરવામાં આવશે.

(2) નવા રચાનાર દેશ પાકિસ્તાનમાં સિંધ, બલૂચિસ્તાન, વાયવ્ય સરહદ પ્રાંત, પશ્ચિમ પંજાબ અને પૂર્વ બંગાળનો સમાવેશ થશે. પશ્ચિમ પંજાબ અને પૂર્વ બંગાળની સરહદ સીમા પંચ દ્વારા નક્કી થશે.

(3) ભારત અને પાકિસ્તાનના નવા ગવર્નર જનરલોની નિમણૂક બ્રિટનના રાજવી દ્વારા કરવામાં આવશે.

(4) ઇંગ્લૅન્ડમાંના હિંદી વજીર અને હિંદી કચેરીની કામગીરીનો અંત આવશે.

(5) નવું બંધારણ ઘડાય ત્યાં સુધી બંને દેશોની બંધારણ સભા ધારાસભા તરીકે પણ કામ કરશે. એમણે ઘડેલા કાયદામાં બ્રિટિશ પાર્લમેન્ટ દખલગીરી કરી શકશે નહિ.

(6) હિંદનાં દેશી રાજ્યોના રાજાઓ પરના બ્રિટિશ સાર્વભૌમત્વનો અંત આવશે. આ રાજાઓએ બેમાંથી કયા દેશ સાથે જોડાવું અથવા સ્વતંત્ર રહેવું એ નક્કી કરવાની એમને સ્વતંત્રતા રહેશે.

(7) હિંદની સરકારના ઉચ્ચ અધિકારીઓનાં હિતોની રક્ષા માટે જોગવાઈ કરવામાં આવશે.

(8) હિંદના લશ્કરનું નવા બે દેશોના લશ્કરમાં વિભાજન કરવા માટે જોગવાઈ કરવામાં આવશે.

(9) એડન બંદરનો વહીવટ અત્યાર સુધી હિંદની સરકાર કરતી હતી; પરંતુ હવે એનો વહીવટ બ્રિટિશ સરકાર કરશે એમ નક્કી થયું.

આ કાયદા પ્રમાણે હિંદનું વિભાજન કરીને ભારત અને પાકિસ્તાનને 15મી ઑગસ્ટ, 1947ના રોજ સંપૂર્ણ આઝાદી આપવામાં આવી. કૉંગ્રેસની ઇચ્છા અને વિનંતીથી લૉર્ડ માઉન્ટબેટન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા, જ્યારે મહમ્મદઅલી ઝીણા પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.

હિંદના ભાગલા પછી પાકિસ્તાનમાં કોમી દાવાનળ ચાલુ રહ્યો. કોમી હુલ્લડોમાં લાખો માણસો મૃત્યુ પામ્યા અને પાકિસ્તાનના પંજાબ, બંગાળ અને સિંધમાંથી લાખો હિંદુઓ ઘરબાર તથા માલમિલકત છોડી હિજરત કરીને નિરાશ્રિત તરીકે ભારતમાં આવ્યા. હિજરતીઓએ ભયંકર યાતનાઓ સહન કરી. ભારતની સરકાર માટે લાખો હિજરતીઓને થાળે પાડવાનો વિકટ પ્રશ્ન ઊભો થયો. લૉર્ડ માઉન્ટબેટને હોદ્દો છોડ્યા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી સ્વતંત્ર થયેલા ભારતના ગવર્નર જનરલ બન્યા. એ પહેલા અને છેલ્લા હિંદી ગવર્નર જનરલ હતા. બ્રિટનની સરકારે 28 ફેબ્રુઆરી, 1948 સુધીમાં બ્રિટિશ સૈનિકોની ટુકડીઓને હિંદમાંથી બ્રિટન પાછી બોલાવી લીધી.

હિંદના વિભાજન પછી ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને ગૃહસચિવ વી. પી. મેનને ભારતના 562 જેટલાં દેશી રાજ્યોના રાજાઓને એમનાં રાજ્યોને ભારત સંઘમાં જોડવા માટે સમજાવ્યા. આ રાજાઓએ સ્વેચ્છાએ એમનાં રાજ્યો ભારત સંઘને સોંપી દીધાં. એમને વાર્ષિક સાલિયાણા બાંધી આપવામાં આવ્યાં. સરદાર વલ્લભભાઈની મુત્સદ્દીગીરી અને દૃઢ મનોબળનો એ વિજય હતો. છતાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. જૂનાગઢનો નવાબ મુસ્લિમ હોવાથી એણે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી; પરંતુ એની પ્રજાએ બળવો કરી ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી અને ભારત સાથે જોડાવાની લડત શરૂ કરી. એ લડત નવેમ્બર 1947માં સફળ થતાં જૂનાગઢ રાજ્ય ભારત સંઘ સાથે જોડાયું.

એવી જ રીતે હૈદરાબાદના નિઝામે ભારત સંઘ સાથે જોડાવામાં ઢીલ કરી. હૈદરાબાદમાં રઝાકારો દ્વારા હિંસા અને તોફાનો ફેલાતાં ભારત સરકારે મેજર જનરલ ચૌધરીની સરદારી નીચે ત્યાં લશ્કર મોકલ્યું. ઘણી અશાંતિ અને સંઘર્ષ પછી છેવટે 1લી નવેમ્બર, 1948ના રોજ હૈદરાબાદ ભારત સંઘમાં જોડાયું.

એવો જ પ્રશ્ન કાશ્મીરમાં ઊભો થયો. કાશ્મીરના રાજા હરિસિંહજી હિંદુ હતા; પરંતુ ત્યાંની વસ્તીનો 65 ટકા ભાગ મુસ્લિમ હતો. પાકિસ્તાને ઉતાવળ કરી કાશ્મીર જીતી લેવા ત્યાં લશ્કર મોકલ્યું. તેથી રાજા હરિસિંહજીએ કાશ્મીરને ભારત સાથે જોડવાના કરાર કર્યા. ભારત સરકારે ત્યાં લશ્કર મોકલી પાકિસ્તાનના લશ્કરને પીછેહઠ કરવાની ફરજ પાડી. એ પછી આ પ્રશ્નને પંડિત જવાહરલાલ નહેરુની સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવામાં આવ્યો. કાશ્મીરનો થોડો ભાગ પાકિસ્તાને પચાવી પાડ્યો છે અને બાકીનો પ્રદેશ ભારત સાથે જોડાયેલો છે. અનેક વાર મંત્રણાઓ અને પ્રયાસો થવા છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ હજી આ પ્રશ્નને ઉકેલી શક્યો નથી. ભારત અને પાકિસ્તાન માટે એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

આમ, હિંદના વિભાજને હિંદના ઇતિહાસ, ભૂગોળ, અર્થકારણ, રાજકારણ અને સંરક્ષણ ઉપર પ્રગાઢ અસર કરી છે. પાકિસ્તાનની સરહદ કચ્છની નજીક હોવાથી ગુજરાત રાજ્ય ઉપર પણ એની કેટલીક કાયમી અસરો થઈ છે. મુસ્લિમોને અલગ રાજ્ય આપવા છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સુમેળ સ્થપાયાં નથી.

મુગટલાલ પોપટલાલ બાવીસી