હિંગ્વાષ્ટક ચૂર્ણ (ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. તે પાચનની ખામીથી થતાં ખાસ કરી વાયુ અને કફદોષથી થનારાં દર્દોની સર્વાધિક લોકોપયોગી અને પ્રચલિત ઔષધિ છે.

ઔષધિના સંઘટકો : આ ચૂર્ણમાં સૂંઠ, મરી, લીંડી પીપર, અજમો, સિંધાલૂણ, સફેદ જીરુ, શાહજીરુ અને સંચળ હોય છે. આ બધા 11 ભાગ અને 8મો ભાગ ઘીમાં સાંતળેલી હિંગ ઉમેરી ચૂર્ણ બનાવવામાં આવે છે.

માત્રા : 2થી 4 ગ્રામ. અનુપાન : સાદા અથવા ગરમ પાણી, છાશ અથવા ઘી સાથે – રોગની અવસ્થા મુજબ યોગ્ય અનુપાન લેવાય છે.

ઉપયોગ : વાયુ અથવા કફદોષ અથવા આ બંનેના એકત્ર દોષથી થયેલ અરુચિ, મંદાગ્નિ, અપચો, ઉદરવાત (ગૅસ), ઉદરશૂળ, આફરો, પેટનો ગોળો, આમદોષ તથા કૉલેરા(ઝાડા-ઊલટી)ના દર્દમાં ખૂબ અકસીર ઔષધિ છે. તેના સેવનથી ભૂખ સારી લાગે છે અને ખોરાક સારી રીતે પચે છે. ઝાડાની કબજિયાતના દોષને લીધે અપાનવાયુ અવળો થઈ જ્યારે છાતી, પડખાં કે મસ્તકમાં શૂળપીડા કરે છે, ત્યારે આ દવા ગરમ પાણી સાથે કે ઘી સાથે ચાટવાથી વાયુની ગતિ સવળી (નીચે) થતાં દર્દ શાંત થઈ જાય છે. અપચાથી થતી કબજિયાત આ ચૂર્ણના સેવનથી મટે છે અને ઝાડો પચીને સાફ આવે છે. બેઠાડુ–આરામપ્રધાન જીવન જીવતા લોકોને અપચો, ગૅસ-વાયુ અને ઝાડાની કબજિયાત ખાસ થાય છે. આવા લોકો રોજ જમ્યા પછી પાણી કે છાશ સાથે આ ચૂર્ણ નિયમિત લે, તો તેનાથી ઉપર્યુક્ત દર્દોથી મુક્ત રહે છે. શરદી-સળેખમમાં કફ હોજરીમાં ફેલાઈ જવાથી અરુચિ, ભૂખ ન લાગવી કે પેટ ભારે રહ્યા કરે જેવાં લક્ષણો જોવા મળે છે ત્યારે આ ચૂર્ણ થોડા ગરમ પાણી અથવા લીંબુના શરબત સાથે કે એકલું જ લેવામાં આવે, તો સારો લાભ થાય છે. પેટના વાયુદોષથી હેડકી, ઊબકા, ઊલટી, ગોળો, આફરો, ગુદા કે યોનિમાં શૂળ, હરસ-મસા (બાદી) કે અજીર્ણના ઝાડા થયા હોય ત્યારે પણ આ ચૂર્ણનું સેવન ખાસ લાભ કરે છે.

આ ચૂર્ણના આવા ઉમદા ગુણોને કારણે ગુજરાતના પ્રાય: તમામ આયુર્વેદચાહક લોકોના ઘરમાં આ ચૂર્ણ અવશ્ય હાજર હોય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા