સુન્નત : પયગંબરસાહેબનાં અને સહાબીઓનાં વાણી અને વર્તનની પરંપરાને વર્ણવતા ગ્રંથો. અરબી ભાષામાં ‘સુન્નત’ એટલે માર્ગ, પદ્ધતિ, રીત વગેરે. પવિત્ર કુરાનમાં ‘સુન્નત’નો અર્થ અલ્લાહનો અર્થ અલ્લાહનો કાનૂન અને કાયદો થાય છે. ‘સુન્નત’નું બહુવચન ‘સુનન’ થાય છે. ઇસ્લામમાં પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) તથા તેમની પહેલાંના પયગંબરોનાં વચનો તથા વ્યવહારને સુન્નત કહેવામાં આવે છે; દા.ત., હજરત ઇબ્રાહીમ (અ. સ.) જે મધ્યપૂર્વના બધા ધર્મો – યહૂદી, ખ્રિસ્તી તથા મુસ્લિમોના પયગંબરોના પિતામહ છે – તેમના વ્યવહાર તથા રીતરિવાજને ‘સુન્નતે ઇબ્રાહીમી’ કહેવામાં આવે છે. હદીસોમાં પયગંબરસાહેબ અને તેમના સહાબીઓના મોઢે પણ ‘સુન્નત’ શબ્દનો ઉપયોગ, માર્ગ અથવા પદ્ધતિના અર્થમાં જ થયો છે. પયગંબરસાહેબના સમકાલીન સમયથી જ સુન્નત શબ્દનો ઉપયોગ પયગંબરસાહેબની જીવનશૈલી (સીરત) માટે પણ થતો આવ્યો છે. પયગંબરસાહેબ જે રીતે રોજિંદું જીવન ગુજારતા હતા તેમની દરેક સૂક્ષ્મ વિગતને ‘સુન્નતે રસૂલ’ કહેવાય છે. તેમણે દરેક ધાર્મિક કે સાંસારિક કાર્ય માટે જે પદ્ધતિ અપનાવી અથવા જેનો અનુરોધ કર્યો હતો તે બધાં કાર્યો અને પદ્ધતિઓ ‘સુન્નત’ કહેવાય છે. ઇસ્લામ ધર્મમાં અલ્લાહની આજ્ઞાઓ છે તેમની ઉપર અમલ કેવી રીતે થાય તે પયગંબરસાહેબે કરીને અથવા કહીને બતાવ્યું છે તે બધું પણ સુન્નત કહેવાય છે. દા.ત., દિવસમાં પાંચ વખત નમાજ પઢવાનું ફરજિયાત છે કેમ કે તે માટે અલ્લાહની આજ્ઞા છે; પરંતુ નમાજ કેવી રીતે પઢવી તે પયગંબરસાહેબે બતાવ્યું છે માટે નમાજની રીત અથવા પદ્ધતિ સુન્નત કહેવાય. એવી જ રીતે સ્ત્રી-પુરુષે લગ્નસંબંધ બાંધવો તે અલ્લાહની આજ્ઞા અને તે કેવી રીતે બાંધવો, તેમનો તરીકો શું છે એ પયગંબરસાહેબે નક્કી કરીને બતાવ્યું તેથી તે સુન્નત કહેવાય છે.

ધાર્મિક બાબતોમાં પયગંબરસાહેબે જે કાંઈ માર્ગદર્શન આપ્યું તથા તેમના પછી થઈ ગયેલા ચાર ખલીફાઓ(ખુલ્ફાએ રાશિદીન : હ. અબૂબક્ર; હ. ઉમર; હ. ઉસ્માન અને હ. અલી)એ જેનું અનુકરણ કર્યું અને તેમના પછી બહુમતી મુસ્લિમો જેનું અનુકરણ કરતા રહ્યા છે તે સુન્નત કહેવાય છે. હદીસોનો સંગ્રહ કરનારા વિદ્વાનોએ પયગંબરસાહેબની સુન્નતોના અલગ ગ્રંથો તૈયાર કરીને તેમને ‘કિતાબ-ઉસ-સુન્ન’ નામ આપ્યું છે તે સુન્નતના મહત્વનું ઉદાહરણ છે.

ઇસ્લામી કાયદાશાસ્ત્ર (ફિકહ) અનુસાર જે બાબતોની પયગંબરસાહેબે આજ્ઞા આપી હોય અથવા જેની મનાઈ ફરમાવી હોય, પોતાના શબ્દથી કે કાર્યથી અને પવિત્ર કુરાનમાં જેનો ઉલ્લેખ થયો ન હોય તે સુન્નત કહેવાય છે. એક એવો મત છે કે જે બાબતો ઉપર સહાબીઓ અમલ કરતા હોય તે પણ સુન્નત છે ભલે તેમનો ઉલ્લેખ કુરાન કે હદીસમાં પણ ન હોય.

સમગ્રપણે જોતાં સુન્નતમાં ચાર વસ્તુઓનો સમાવેશ થાય છે : (1) પયગંબરસાહેબ(સ.અ.વ.)ના બોલ, (2) પયગંબરસાહેબ-(સ.અ.વ.)નાં કાર્યો, (3) પયગંબરસાહેબ(સ.અ.વ.)ની પરવાનગી, (4) ખુલફાએ રાશિદીન અને સહાબીઓ વડે નકલ કરવામાં આવેલા અહકામ (આજ્ઞાઓ).

ઇસ્લામી શરીઅતનો પાયો કુરાનની સાથે સુન્નત ઉપર પણ રાખવામાં આવ્યો છે. ઇસ્લામી કાયદાઓ ઘડવા માટે કુરાન અને સુન્નત બે મૂળ સ્રોત છે. આનું કારણ એ છે કે કુરાનમાં કહેવામાં આવ્યું છે : અલ્લાહની અને રસૂલ(સ.અ.વ.)ની પેરવી કરો. કુરાન કહે છે કે રસૂલ (સ.અ.વ.) પોતાની મનની ઇચ્છાથી કોઈ વાત કરતા નથી બલ્કે એ તો અલ્લાહ તરફથી વહી (પ્રેરણા) મોકલવામાં આવે છે તે અનુસાર હોય છે. આમ પયગંબરસાહેબની વાણી અને વર્તન એટલે કે સુન્નત, મુસલમાનો માટે કુરાન જેટલું જ મહત્વ ધરાવે છે.

પયગંબરસાહેબ(સ.અ.વ.)ની હદીસ અને સહાબીઓ તથા તેમના અનુયાયીઓનાં વર્ણનોમાં પણ કુરાન જેટલું જ મહત્વ સુન્નતને પણ આપવામાં આવ્યું છે. ઇસ્લામી વિચારસરણીના વિકાસમાં કુરાન જેટલો જ મહત્વનો ફાળો સુન્નતનો પણ છે. મુસલમાનોની સામૂહિક કે વ્યક્તિગત પ્રવૃત્તિઓ, વ્યવહારો, સામાજિક પરંપરાઓ, મુલકી અને ફોજદારી ધારાઓ જેવી દરેક બાબતમાં ‘સુન્નત’નું માર્ગદર્શન સ્વીકારવું ફરજિયાત છે. એમ કહેવું ભૂલભરેલું મનાય છે કે માત્ર કુરાનના એહકામ પૂરતા છે અને સુન્નતની જરૂરત નથી; કેમ કે કુરાનમાં દરેક વાત સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે અને તેમની વિગત સુન્નતમાં મળે છે; દા.ત., કુરાનમાં નમાજનો હુકમ છે; પરંતુ સુન્નતમાં જુદા જુદા સમયની નમાજોની અલગ પદ્ધતિ નક્કી થઈ છે તેમની અવગણના કરીને અલ્લાહની બંદગી થઈ શકે જ નહિ. કુરાનની તફસીર સુન્નતમાં છે. કુરાનને આધારે અમલ સુન્નત કરાવે છે. સુન્નતમાં કુરાનનું વ્યવહારુ રૂપ જોવા મળે છે.

સુન્નત અને હદીસમાં તફાવત છે. કોઈ એક પ્રસંગના વર્ણનને હદીસ કહેવામાં આવે છે. જ્યારે કોઈ બાબતમાં એક કે એકથી વધુ હદીસોની મદદથી જે પરિણામ તારવવામાં આવે તે સુન્નત કહેવાય. જે મુસલમાનો કુરાનની સાથે સુન્નતનો પણ અમલ કરે તે સુન્ની કહેવાય છે. જગતમાં વસતા મુસ્લિમોમાં બહુમતી સુન્નીઓની રહી છે. મુસ્લિમોના ચાર મોટા ફિરકાઓ – હનફી, શાફઈ, હંબલી અને માલિકી – સુન્ની ફિરકાઓ છે. ઉપરાંત બધા સૂફી સિલસિલાઓ જેવાં કે ચિશ્તી, કાદરી, સુહરવર્દી, નક્શબંદી, મગરિબી વગેરે પણ સુન્ની છે.

સુન્નતના બે પ્રકાર છે : (1) સુન્નતે મોઅક્કિદા, (2) સુન્નતે ગેર મોઅક્કિદા. પહેલા પ્રકારની સુન્નત ઉપર અમલ કરવાની શરીઅતમાં તાકીદ કરવામાં આવી છે તેથી તેનું પુણ્ય વિશેષ છે. બીજા પ્રકારની સુન્નતની તાકીદ કરવામાં આવી નથી; પરંતુ તેની ઉપર અમલ કરવાથી પુણ્ય જરૂર મળે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી