સુન્નત વલ જમાઅત

January, 2008

સુન્નત વલ જમાઅત : પયગંબરસાહેબના અને સહાબીઓનાં વાણી-વર્તનને સહી અનુસરી જન્નતમાં જનારા મુસલમાનો. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદ(સ.અ.વ.)ની વાણી અને વર્તનને સુન્નત કહેવામાં આવે છે અને તેમના સહાબીઓ, વિશેષ કરીને પ્રથમ ચાર ખલીફાઓ હજરત અબૂબક્ર, હ. ઉમર, હ. ઉસ્માન અને હ. અલીએ જે બાબતોમાં સંમતિ દર્શાવી હોય તથા મોટાભાગના મુસ્લિમો જેને સ્વીકારતા હોય તે સુન્નત વલ જમાઅત કહેવાય છે. કુરાનની સાથે પયગંબરસાહેબ તથા તેમના સહાબીઓની જે લોકો પેરવી (અનુકરણ) કરતા હોય તે જ લોકો સુન્નત વલ જમાઅત ગણાય છે. જે લોકો સુન્નતની અવગણના કરીને પોતાની મરજી મુજબ ધર્મનું અનુકરણ કરે તે બિદઅતી કહેવાય. ‘બિદઅત’નો અર્થ નવીનતા થાય છે. માટે સુન્નત ઉપરના અમલને રૂઢિચુસ્તતા અને સુન્ની મુસ્લિમને રૂઢિચુસ્ત કહેવામાં આવે છે.

‘સુન્નત વલ જમાઅત’ શબ્દનો પ્રયોગ ક્યારથી શરૂ થયો હતો તે ચોક્કસપણે કહી શકાતું નથી. પયગંબરસાહેબ(સ.અ.વ.)ના સહાબીઓ સાથેના એક વાર્તાલાપનો ભાવાર્થ છે કે : પયગંબરસાહેબે ફરમાવ્યું, ‘મારી ઉમ્મત (કોમ) તોંતેર ફિરકાઓમાં વહેંચાઈ જશે અને એક ફિરકા સિવાય બીજા બધા નરકમાં જશે.’ સહાબીઓએ પૂછ્યું કે : ‘યા રસૂલલ્લાહ ! એક ફિરકો કયો ?’ તો તેઓશ્રીએ જવાબ આપ્યો : ‘જે માર્ગે હું અને મારા સહાબીઓ છીએ.’ આનો એવો ભાવાર્થ કરવામાં આવ્યો છે કે કુરાન અને સુન્નતની પેરવી કરનાર (અનુસરનાર) ફિરકો નરકથી છુટકારો મેળવનાર છે અને એ સુન્નત વલ જમાઅતના લોકો છે. મુસલમાનોના પ્રથમ પંક્તિના ઘણા વિદ્વાનોએ મુસ્લિમ ઉમ્મત અથવા સામાન્ય મુસ્લિમ કોમનો અર્થ સુન્નત વલ જમાઅત લખ્યો છે. પયગંબરસાહેબે કહેલું છે કે મારી ઉમ્મત એ છે જે મારી પેરવી કરે. હજરત અબ્દુલ કાદર જીલાની(રહ.)નું પણ કથન ટાંકવામાં આવે છે કે મુસલમાન માટે આવશ્યક છે કે તે સુન્નત વલ જમાઅતની પેરવી કરે. પ્રથમ ચાર ખલીફાઓએ જે બાબતોની સંમતિ દર્શાવી તે જમાઅત કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે જે કાર્યો ધર્મનાં કાર્યો સમજીને કરવામાં આવે છે; પરંતુ જેનું ઉદાહરણ પયગંબરસાહેબ અથવા સહાબીઓના વાણી કે વર્તનમાં મળતું નથી તે કાર્યો સુન્નત વલ જમાઅતની વિરુદ્ધનાં ગણાય છે; દા.ત., મોહરમના તાજિયાની પ્રથા, ઓલિયાઓના ઉર્સના પ્રસંગો, કબરો આગળ માથું ઝુકાવવું, મકબરાઓનો તવાફ કરવો અથવા અલ્લાહ સિવાય કોઈની પણ માનતા રાખવી વગેરે સુન્નત વલ જમાઅતનાં કાર્યો નથી તેથી તે ઇસ્લામી શરીઅત વિરુદ્ધનાં ગણાય છે.

સુન્નત વલ જમાઅતની દસ નિશાનીઓ હદીસમાં વર્ણવવામાં આવી છે તે આ પ્રમાણે છે : (1) પાંચ વખતની નમાજ જમાઅત સાથે પઢનાર, (2) કોઈ પણ સહાબી વિશે ભૂંડું બોલે નહિ અને તેમના દોષ કાઢે નહિ, (3) મુસ્લિમ રાજવી વિરુદ્ધ બંડ ના કરે, (4) પોતાને સાચો મુસલમાન ગણે; શંકામાં ન રહે, (5) જે કંઈ થાય છે તે અલ્લાહ તરફથી થાય છે તેથી ભલી કે બૂરી તકદીર ઉપર શ્રદ્ધા રાખતો હોય, (6) અલ્લાહના દીનની બાબતમાં ખોટો વાદવિવાદ ન કરે, (7) કોઈ પણ એકેશ્વરવાદી ને કોઈ ગુના બદલ કાફિર ના કહે. આનું એવું અર્થઘટન કરવામાં આવ્યું છે કે કોઈ પણ મુસલમાન, ગમે તેવો હોય, તેને કાફિર કહેવામાં ના આવે, (8) કોઈ પણ મુસલમાન મૃત્યુ પામે તો તેના જનાઝા(અંતિમ ક્રિયા)ને છોડે નહિ, (9) પોતાના રહેઠાણનાં સ્થળે કે મુસાફરીમાં (પગમાં પહેરેલા ચામડાનાં) મોજાં ઉપર મસહ કરવાને માન્યતા આપતો હોય અને (10) કોઈ પણ ભલા કે બૂરા મુસલમાનની પાછળ નમાજને જાઈઝ (યોગ્ય) સમજતો હોય.

મેહબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી