સુન્દાસ લક્ખી દેવી

January, 2008

સુન્દાસ, લક્ખી દેવી (. 1934, કોલકાતા) : નેપાળી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘આહત અનુભૂતિ’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં એમ.એ. તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી. ત્રિભુવન વિશ્વવિદ્યાલય, કાઠમંડુમાંથી નેપાળીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. વળી ‘સાહિત્યરત્ન(હિંદી)’ની ઉપાધિ મેળવી. 1962માં લોરેટો કૉલેજ, દાર્જિલિંગમાં અધ્યાપિકા તરીકે તેઓ જોડાયાં. 1972થી 1977 સુધી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સચિવ (પહાડી બાબતો) તરીકે કાર્યરત રહ્યાં. 1977માં દાર્જિલિંગ સરકારી કૉલેજમાં તેઓ જોડાયાં અને 1994માં ત્યાંથી નેપાળી વિભાગનાં રીડર તેમજ અધ્યક્ષા તરીકે સેવાનિવૃત્ત થયાં.

લક્ખી દેવી સુન્દાસ

નેપાળીમાં તેમણે 2 પુસ્તકો આપ્યાં છે. એક છે તેમનો વાર્તાસંગ્રહ ‘આહત અનુભૂતિ’ અને બીજો છે કાવ્યસંગ્રહ ‘સંભાવિત અર્થ, સમર્પિત એકાંત’. તેમણે નેપાળીમાં એક કૃતિનો અનુવાદ કર્યો છે અને 4 સંકલનોનું સંપાદન પણ કર્યું છે. 1968થી 1995 સુધી તેઓ નેપાળી સાહિત્ય સંમેલન, દાર્જિલિંગના મુખપત્ર ‘દિયાલો’નાં સંપાદિકા રહ્યાં. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રકાશિત નેપાળી સાપ્તાહિક ‘પશ્ચિમ બંગાળ’નાં મુખ્ય સંપાદિકા તરીકે પણ તેમણે કામગીરી કરી.

તેમને ‘રત્નશ્રી’ સુવર્ણપદક, ‘ભાનુ પુરસ્કાર’, સિક્કિમ સાહિત્ય પરિષદ પુરસ્કાર અને ‘માઇકલ મધુસૂદન દત્ત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘આહત અનુભૂતિ’ આધુનિક સમાજનાં વિવિધ પાસાંને ઉજાગર કરતો 16 વાર્તાઓનો સંગ્રહ છે. તેમાં વાસ્તવિક જીવનનાં જુદાં જુદાં પાસાંને અને માનસિક આઘાત-પ્રત્યાઘાતોને સહજ શૈલીમાં ગૂંથી લેવામાં આવ્યાં છે. તેમની આ વિશેષતાને કારણે નેપાળીમાં લખાયેલ આ કૃતિ ભારતીય કથા-સાહિત્યનું એક આગવું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા