વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર (જ. 26 સપ્ટેમ્બર 1820, વીરસિંહ ગામ, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 1891) : કેળવણીકાર, સમાજસુધારક, દાનવીર અને લેખક. ઈશ્વરચંદ્રનો જન્મ ઠાકુરદાસ બંદ્યોપાધ્યાય નામના ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ભગવતીદેવી હતું. તેમણે શરૂમાં પાઠશાળામાં અભ્યાસ કર્યા બાદ, 1829માં કોલકાતાની સંસ્કૃત કૉલેજમાં દાખલ થયા. તેમાં સારાં પરિણામો લાવવાથી 1831માં તેમને માસિક રૂપિયા પાંચની શિષ્યવૃત્તિ મળી. ત્યાં 1829થી 1842 સુધી તેમણે સાહિત્ય, વેદાંત, સ્મૃતિ, વ્યાકરણ, ન્યાય (તર્કશાસ્ત્ર), અલંકાર અને જ્યોતિષનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં તેઓ તેજસ્વી હતા. શિક્ષણમાં તેમણે મેળવેલી સિદ્ધિઓની કદર કરીને તેમને ‘વિદ્યાસાગર’ની માનાર્હ પદવી સંસ્કૃત કૉલેજના સંચાલકો તરફથી મળી હતી. ધીરજ, પ્રામાણિકતા, નિખાલસતા, દયા, ધર્મનિષ્ઠા, સત્ય અને ન્યાયમાં વિશ્વાસ જેવા ગુણો તેમને માતાપિતા પાસેથી મળ્યા હતા. સંસ્કૃત કૉલેજમાં સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ સહિત અંગ્રેજી ભાષાના વર્ગો ભરીને તેમણે તે ભાષાનું સારું જ્ઞાન મેળવ્યું. તે રીતે તેમણે હિંદીનો પણ અભ્યાસ કર્યો.

ઈશ્વરચંદ્રે 1841માં અભ્યાસ પૂરો કર્યો અને ફૉર્ટ વિલિયમ કૉલેજ(કોલકાતા)માં મુખ્ય પંડિત તરીકે સરકારી નોકરીમાં નિમાયા. આ દરમિયાન પણ ખાનગી ટ્યૂશન રાખીને તે અંગ્રેજીનો વધુ અભ્યાસ કરતા હતા. સંસ્કૃત કૉલેજના મદદનીશ સેક્રેટરી તરીકે તેમણે સુધારા માટે કેટલીક દરખાસ્તો કરી, પરંતુ શિક્ષણ સમિતિ દ્વારા તેનો સ્વીકાર ન થવાથી, તેમણે સ્વમાન ખાતર તે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. ઈ. સ. 1849માં તેમને ફૉર્ટ વિલિયમ કૉલેજના હેડ આસિસ્ટન્ટ, બીજે વર્ષે તેમને સંસ્કૃત કૉલેજમાં પ્રોફેસર તથા તે પછીના વર્ષે પ્રિન્સિપાલ નીમવામાં આવ્યા. ત્યાં તેમણે વિવિધ સુધારા કર્યા.

ઈશ્વરચંદ્ર  વિદ્યાસાગર

ઈ. સ. 1855માં ઈશ્વરચંદ્રને પ્રિન્સિપાલ તરીકેની ફરજો સહિત તેમને હુગલી, મિદનાપુર, બર્દવાન તથા નાદિયા જિલ્લાઓ માટે સ્પેશિયલ ઇન્સ્પેક્ટર ફૉર સ્કૂલ્સ તરીકે માસિક રૂ. 500/-ના પગારથી નીમવામાં આવ્યા. આ તકનો લાભ લઈને તેમણે આ જિલ્લાઓમાં આદર્શ માતૃભાષાની શાળાઓ તથા કન્યાશાળાઓ સ્થાપી. આ કાર્યથી તેમના વડા નારાજ થયા, તેથી ઈશ્વરચંદ્રે 1858માં તે સરકારી નોકરી છોડી દીધી. તેમ છતાં બંગાળના ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નરો શિક્ષણની બાબતમાં તેમની સલાહ લેતા હતા.

તેમના ઉત્કૃષ્ટ સામાજિક સુધારાની કદર રૂપે રાણી વિક્ટૉરિયાએ તેમને સી. આઈ. ઈ.નો ઇલકાબ આપ્યો હતો. ઈ. સ. 1864માં ઇંગ્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ તેમને આપવામાં આવ્યું હતું.

માત્ર વિવિધ વિષયોનું વિશાળ જ્ઞાન ધરાવનાર તરીકે જ નહિ, પરંતુ દલિતો માટે અપાર પ્રેમ અને સહાનુભૂતિ તથા ઉત્કૃષ્ટ સામાજિક અને શૈક્ષણિક સુધારા કરવા માટે દેશવાસીઓ વિદ્યાસાગર માટે આદર અને સદ્ભાવ ધરાવતા હતા. દેશનાં દૂરદૂરનાં ગામોમાં પણ તેમની ઉદારતા અને પરોપકાર માટે તેઓ જાણીતા હતા.

શિક્ષણના પ્રસાર વાસ્તે તેમણે ઘણી શાળાઓ શરૂ કરી અને સંસ્કૃત કૉલેજમાં ફેરફારો કર્યા. અંગ્રેજી ભણવાની સુવિધાઓ તેમણે વધારી અને દલિત વિદ્યાર્થીઓ માટે રૂઢિવાદી સંસ્કૃત કૉલેજના દરવાજા ખોલી નાખ્યા.

ઈ. સ. 1864માં તેમણે જાણીતી મેટ્રોપૉલિટન કૉલેજ સ્થાપી. આ ઉપરાંત તેઓ ગવર્નમેન્ટ વૉર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂશન, હિંદુ ફૅમિલી ઍન્યુઇટી ફંડ અને દેવેન્દ્રનાથ ઠાકુરની તત્વબોધિની સભાની કાર્યવહીમાં સંકળાયેલા હતા. ધી ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑવ્ સાયન્સની પ્રવૃત્તિમાં પણ તેઓ ઘણો રસ ધરાવતા હતા અને તેમાં ફાળો આપ્યો હતો. ઈ. સ. 1853માં તેમણે એક નિ:શુલ્ક શાળા સ્થાપી અને 1890માં તેમની માતાની સ્મૃતિમાં પોતાના વતનમાં વીરસિંહ ભગવતી વિદ્યાલયની સ્થાપના કરી.

સંસ્કૃત અને શાસ્ત્રોમાં કુશળ હોવા સાથે તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. બેથ્યુન ડ્રિંક્વૉટર 1849માં મહિલા-શિક્ષણ વાસ્તે એક શાળા સ્થાપવા માગતા હતા. રૂઢિચુસ્ત લોકોએ તેનો વિરોધ કર્યો. વિદ્યાસાગર રૂઢિચુસ્તોની વિરુદ્ધ ગયા અને તેના સેક્રેટરી તરીકે કામ કર્યું. ગામડાંઓમાં મહિલા-શિક્ષણનો ફેલાવો કરવાના કાર્યમાં ઈશ્વરચંદ્રને બંગાળના તે સમયના ગવર્નરે પ્રોત્સાહન આપ્યું હતું.

વિદ્યાસાગર અણનમ સમાજસુધારક હતા. વિધવાવિવાહ શરૂ કરવા તથા બહુપત્નીપ્રથા દૂર કરવા તેમણે જોરદાર લડત આપી હતી. આને કાયદાનું સ્વરૂપ આપવા તેમણે સરકારને અરજી કરી અને પોતાના પુત્રને એક વિધવા સાથે પરણાવ્યો.

વિદ્યાસાગરે વિદેશપ્રવાસ કર્યો નહોતો, પરંતુ બેથ્યુન, હેલ્લીડે, સેટનકાર, બેડન, માર્શલ વગેરે વિદેશીઓના સંપર્કમાં હતા. તેમના પ્રભાવથી ઈશ્વરચંદ્ર પ્રગતિશીલ વિચારો અને ઉદાર દૃષ્ટિબિંદુ ધરાવતા થયા હતા. તે મુજબ સમાજને સુધારવાના તેમણે પ્રયાસો કર્યા હતા.

ગરીબાઈમાં ઊછર્યા હોવાથી ગરીબો તથા દુખિયાંની સેવા કરવાની પ્રબળ ભાવના તેમનામાં જાગ્રત થઈ હતી. પોતાની કમાણીમાંથી બચત કરીને તેઓ અનેક ગરીબ વિદ્યાર્થીઓ અને સેંકડો અસહાય વિધવાઓને આર્થિક મદદ કરતા હતા. 1867-68માં બંગાળમાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે વખતે સરકારની સહાય લઈને તથા પોતાની બચતોમાંથી તેમણે જુદાં જુદાં ગામે જાતે જઈને લોકોને અન્ન-વસ્ત્ર આપ્યાં તથા પોતાને ઘેર ભોજનશાળા શરૂ કરીને લોકોને મરતાં બચાવ્યા.

વિદ્યાસાગરે કુલ 52 પુસ્તકો લખ્યાં, તેમાંથી 17 સંસ્કૃત, 5 અંગ્રેજી તથા બાકીનાં બંગાળી છે. તેમને બંગાળી ગદ્યના આદ્ય શિલ્પી ગણવામાં આવ્યા છે. ‘વૈતાલપંચવિંશતિ’ (1847), ‘શકુંતલા’ (1855) તથા ‘સીતાવનવાસ’ (1862) – આ ત્રણ રચનાઓએ તેમને સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠા અપાવી છે. ‘શકુંતલા’ કાલિદાસના સંસ્કૃત નાટકના આધારે લખાયેલી બંગાળી નવલકથા છે અને ‘સીતાવનવાસ’ સ્વતંત્ર ગ્રંથ છે. તેમના અન્ય ગ્રંથોમાં ‘બાંગ્લાર ઇતિહાસ’, ‘બોધોદય’, ‘સંસ્કૃત વ્યાકરણ ઉપક્રમણિકા’ (4 ભાગ), ‘વર્ણપરિચય’, ‘કથામાલા’, ‘ચરિતાવલી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સંપાદિત કરેલા મહત્વના ગ્રંથો ‘આનંદમંગલ’, ‘વૈતાલપચીશી’, ‘રઘુવંશમ્’, ‘કિરાતાર્જુનીયમ્’, ‘શિશુપાલવધ’, ‘કાદમ્બરી’, ‘મેઘદૂતમ્’ વગેરે હતા.

જયકુમાર ર. શુક્લ