વિદ્યાર્થી, ગણેશ શંકર (જ. ? 1890, ફતેહપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 25 માર્ચ 1931, કાનપુર) : પત્રકાર અને કૉંગ્રેસી કાર્યકર. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવી તેઓ 1907માં કાયસ્થ પાઠશાળા, અલ્લાહાબાદમાં જોડાયા. તે પછી ‘સરસ્વતી’ નામના હિંદી માસિકના તંત્રીગણમાં 1911–1913 દરમિયાન કામ કર્યું. આ માસિકનું સંચાલન મહાવીરપ્રસાદ દ્વિવેદી કરતા હતા. 1913માં તેમણે ‘પ્રતાપ’ પત્રની સ્થાપના કરી તેનું સંપાદનકાર્ય સંભાળ્યું, જે પછીથી ઉત્તરપ્રદેશનું ખૂબ પ્રભાવક પત્ર બન્યું હતું. 1922માં આ પત્ર પર ભારે દંડ લાદવામાં આવ્યો અને તેમને તે સબબ જેલ જવાનું થયું. 1925માં કાનપુર ખાતે કૉંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેના તેઓ અધ્યક્ષ અને સ્વાગત સમિતિના સભ્ય હતા. 1931 સુધી તેમણે ‘પ્રતાપ’ પત્રિકામાં સેવાઓ આપી હતી.

ગણેશ શંકર વિદ્યાર્થી

1926–1929 દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા, ત્યાર બાદ 1930માં ઉત્તરપ્રદેશ પ્રાદેશિક કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહ્યા હતા. 1929માં કાનપુર નજીક નરવાલ ગામે તેમણે એક સેવા આશ્રમની સ્થાપના કરી હતી. 1930માં સવિનય કાનૂન ભંગની લડત યોજાઈ ત્યારે તેમણે ઉત્તરપ્રદેશ વતી સક્રિય કામગીરી કરી હતી, જેને કારણે તેમણે એક વર્ષની જેલની સજા ભોગવી હતી. માર્ચ, 1931માં શહીદ ભગતસિંહને ફાંસી આપવાને કારણે કાનપુરમાં તોફાનો ફાટી નીકળ્યાં ત્યારે શાંતિસ્થાપનાના કાર્યમાં તેઓ સક્રિય હતા. આ કામગીરી દરમિયાન મુસ્લિમ બળવાખોર દ્વારા હુમલો થયો અને તેમની હત્યા કરવામાં આવી. બે દિવસ બાદ કંતાનના થેલામાંથી તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે.

રક્ષા મ. વ્યાસ