લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy)

January, 2004

લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy) (જ. 13 એપ્રિલ 1885, બુડાપેસ્ટ; અ. 4 જૂન 1971, બુડાપેસ્ટ) : હંગેરિયન, માર્કસવાદી તત્વજ્ઞાની, લેખક અને સાહિત્યવિવેચક. તેમનો જન્મ ધનાઢ્ય યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા બૅંકર હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષના સભ્ય થયેલા. હંગેરીની સામ્યવાદી સરકારમાં તેઓ સંસ્કૃતિ અને શિક્ષણખાતાના પ્રધાન હતા; પરંતુ બેલાકુનની વિવિધ પક્ષોના જોડાણથી રચાયેલી સંયુક્ત સરકારનું ટૂંકી મુદતમાં પતન થતાં તેમને વિયેના નાસી જવું પડેલું; જ્યાં તેઓ 10 વર્ષ સુધી રહ્યા હતા. તેમણે ‘કૉમ્યુનિઝમસ’ સામયિકનું સંપાદન કરેલું. હંગેરીના સ્વાતંત્ર્ય માટેની ભૂગર્ભ ચળવળમાં તેઓ સક્રિય રહેલા. વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં સામ્યવાદી વિચારધારા પર તેમના વિચારોની પ્રબળ અસર થઈ હતી. બહુધા તેમણે જર્મન ભાષામાં લખ્યું છે. માર્કસવાદી સૌંદર્યમીમાંસાની સમજ તેમની મોટી દેણગી છે. કલાકારો પરના રાજકીય નિયંત્રણના તેઓ સખત વિરોધી હતા. હંમેશાં માનવધર્મ પ્રત્યે તેમનો પક્ષપાત રહ્યો હતો. ઔદ્યોગિક ક્રાન્તિએ વ્યક્તિને એકલવાઈ કરી મૂકી છે એ સામ્યવાદી સમજમાં તેમને સાંત્વન મળ્યું હતું. ‘હિસ્ટરી ઍન્ડ ક્લાસ કૉન્શસનેસ’ (1923, અં. અનુ. 1971) તેમણે વિયેનામાં લખેલું. માર્કસ વિશેની તેમની સમજનો આ પુસ્તકના નિબંધો દ્વારા વેધક પ્રકાશ મળે છે. જેને માહિતીનું સમાજશાસ્ત્ર કહે છે તેના વિકાસમાં આ ગ્રંથનો મોટો ફાળો છે. માર્કસ અને લેનિનની સનાતની વિચારધારાની વિરુદ્ધ મતની અભિવ્યક્તિ માટે રૂઢિચુસ્ત સામ્યવાદીઓએ આ પુસ્તકને સમૂળગું વખોડી કાઢ્યું હતું. જોકે લેખક પોતે પણ આ બધા વિરોધી મતોની સામે છેક સુધી ઝૂઝેલા. તેમણે વિવેચનક્ષેત્રે ‘ધ થિયરી ઑવ્ ધ નૉવેલ’(1920; અં. અનુ. 1971)માં નવલકથાના સ્વરૂપને ‘રૂઢિપરસ્ત મધ્યમવર્ગના સ્વાર્થી મહાકાવ્ય’ તરીકે ઓળખાવેલું. આમાં અંગ્રેજ નવલકથાકાર સર વૉલ્ટર સ્કૉટ વિશે તેમણે સવિસ્તર વિવેચન કર્યું છે. તેમનો અન્ય વિવેચનગ્રંથ ‘ધ મીનિંગ ઑવ્ કન્ટેમ્પરરી રિયાલિઝમ’ છે. તેમાં જૉયસ, કાફકા, બૅકેટ જેવા સાહિત્યકારો પર પ્રકાશ પાડ્યો છે. તેમણે અન્ય લખાણોમાં હેગલ, ગટે તથા રશિયન વાસ્તવવાદી લેખકોનું પણ પૃથક્કરણ કર્યું છે. ઓગણીસમી સદીના બાલ્ઝાક, સ્ટેન્ડાલ અને ટૉલ્સ્ટૉય વગેરે લેખકોનું તેમણે આગવું મૂલ્યાંકન કર્યું છે.

1929થી 1933 દરમિયાન લૂકાચ બર્લિનમાં હતા. તે સમયે હિટલરનો ઉદય થતાં તેઓ મૉસ્કો ચાલ્યા ગયેલા. 1933માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિલૉસૉફી સાથે તેમનો નાતો થયેલો. છેક 1945માં હંગેરીમાં પરત આવ્યા પછી તેની પાર્લમેન્ટના સભ્ય તરીકે તેઓ ચૂંટાયેલા. બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં સૌંદર્યમીમાંસા (Aesthetics) અને તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થયેલી. કેટલાક સમય માટે રુમાનિયામાં દેશનિકાલની સજા ભોગવતા હતા ત્યારે 1957માં તેમને બુડાપેસ્ટમાં પરત થવાની પરવાનગી મળી હતી. આ પછીનાં વર્ષો તેમણે સૌંદર્યમીમાંસાના મહાન ગ્રંથો લખવા પાછળ ગાળ્યાં હતાં. આ ઉપરાંત તેમણે લખેલા ગ્રંથોની સંખ્યા 30 કરતાં વધુ છે. તેમના નિબંધોની સંખ્યા પણ વિપુલ છે. હેગલ, અસ્તિત્વવાદ અને સૌંદર્યશાસ્ત્ર તેમના માનીતા વિષયો છે.

વિ. પ્ર. ત્રિવેદી