લૂણવસહિ (12મી સદી) : આબુ પર વિમલવસહિની પાસે તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેયાર્થે સંપૂર્ણપણે આરસથી બંધાવેલું જિનાલય. રચના-કૌશલ્ય અને બારીક શિલ્પસજાવટને લઈને આ મંદિર ભારતીય સ્થાપત્યનું ઘરેણું ગણાય છે. ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બલાનક, જગતી, દેવકુલિકાઓ અને હસ્તિશાળા ધરાવતું આ મંદિર રચના પરત્વે વિમલવસહિને મળતું છે, પરંતુ ફેર એટલો છે કે અહીં હસ્તિશાળાનો પ્રાંગણમાં જ સમાવેશ કરી લીધો છે. ગર્ભગૃહમાં મૂળનાયક નેમિનાથજીની મોટી મનોહર પ્રતિમા છે. ઈ. સ. 1312માં આ મંદિરના ગર્ભગૃહ અને ગૂઢમંડપનો નાશ થયેલો, જેનો ઈ. સ. 1322માં સંઘપતિ પેથડે જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનાં ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી સાદા છે, જ્યારે અંદરની બાજુએ અદભુત શિલ્પવૈભવ પાથરેલો છે. છત તેમજ તેની સર્પાકાર વંદનમાલિકાઓમાં ભારતીય શિલ્પકૌશલની પરાકાષ્ઠા જોવા મળે છે. મંદિરની અંદર દેવ-દેવીઓ, અપ્સરાઓ, સંગીત-મંડળીઓ, પૌરાણિક પ્રસંગો અને વેલબુટ્ટાની સજાવટમાં શિલ્પીઓએ અદભુત કૌશલ દાખવ્યું છે. મંદિરનો અર્ધ-ખીલેલા કમળ જેવા ઘાટનો કેન્દ્રીય ઘુંમટ અદભુત છે. તેની પાંખડીઓ એટલી પાતળી, પારદર્શક અને કુશળતાપૂર્વક કરેલી છે કે તેને જોતાં પ્રેક્ષક મંત્રમુગ્ધ બની જાય છે. તેજપાલે હસ્તિશાળામાં પોતાનાં કુટુંબીઓ અને ગુરુજનોની પ્રતિમાઓ મુકાવી છે આ પ્રતિમાઓને Portrait sculptures ગણવી જોઈએ. અહીંની ભમતીની છેક છતમાંની અંબિકાની મૂર્તિમાં વેગવાન સિંહની આકૃતિ તથા વૃક્ષોની લાક્ષણિક રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. બીજી એક છતમાં ગીતવાદન-નૃત્યમાં રત અંગનાઓનાં સુંદર આલેખન છે.

પ્રવીણચંદ્ર પરીખ