લૂઇસ, વિલિયમ આર્થર (સર) (William Arthur Lewis)

January, 2004

લૂઇસ, વિલિયમ આર્થર (સર) (William Arthur Lewis) (જ. 23 જાન્યુઆરી 1915, સેન્ટ લુસિયા, વેસ્ટ ઇન્ડિઝ; અ. 15 જૂન 1991, બ્રિજટાઉન, બાર્બાડોસ) : વિકાસલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને 1979ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. બાલ્યાવસ્થામાં વેસ્ટ ઇન્ડિઝના લુસિયા ટાપુનો ત્યાગ કરી ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. 1933માં શિષ્યવૃત્તિ મેળવી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અર્થે દાખલ થયા. હકીકતમાં તેઓ ઇજનેર બનવા માગતા હતા, પરંતુ અશ્વેત હોવાને કારણે તે જમાનામાં ઇજનેર તરીકે નોકરી મેળવવાની સંભાવના નહિવત્ હોવાથી અર્થશાસ્ત્ર તરફ વળ્યા. 1937માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની બી.એસસી. પદવી પ્રાપ્ત કરી. 1940માં ડૉક્ટરેટની પદવી મેળવી. 1938માં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે તે જ સંસ્થામાં કાર્ય શરૂ કર્યું અને 1947 સુધી ત્યાં કામ કર્યું. 1947–58 દરમિયાન મૅન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા. ત્યાર બાદ 1959–62ના ગાળામાં વેસ્ટ ઇન્ડિઝની યુનિવર્સિટી કૉલેજમાં પ્રિન્સિપાલ તથા 1962–63માં વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે કામ કર્યું. 1963માં ફરી અમેરિકા ગયા, જ્યાં 1963–68ના પાંચ વર્ષના ગાળામાં પ્રિન્સટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરનું પદ શોભાવ્યું. કૅરિબિયન ડેવલપમેન્ટ બૅન્કની સ્થાપનામાં તેમણે અગ્રભૂમિકા ભજવી હતી તથા 1970–73 દરમિયાન તેના વડા તરીકે કામ કર્યું. સાથોસાથ ઘણી આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ, આર્થિક મંડળો તથા દક્ષિણ અમેરિકા, એશિયા અને કૅરિબિયન રાષ્ટ્રોની સરકારોના સલાહકાર તરીકે તેમણે કામગીરી કરી હતી. ઇંગ્લૅન્ડની મહારાણીએ 1963માં તેમને સરનો ખિતાબ એનાયત કર્યો હતો.

વિલિયમ આર્થર લૂઇસ, (સર)

1940માં ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના અર્થશાસ્ત્રના વિભાગના તત્કાલીન વડા ફ્રેડરિક ઑગસ્ટ વૉન હાયેક(1899–1992 જેમને પાછળથી અર્થશાસ્ક્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો)ની પ્રેરણાથી વિશ્વના અર્થકારણનો અને તેમાં પણ ખાસ કરીને વિકાસશીલ દેશોનો અભ્યાસ હાથ ધર્યો. બીજું વિશ્વયુદ્ધ (1939–45) પૂરું થયા બાદ જ્યારે એશિયા અને આફ્રિકાના ઘણા દેશો સ્વતંત્ર થયા ત્યારે લૂઇસે વિકાસલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ઊંડાણથી શરૂ કર્યો હતો. વિશ્વના વિકાસશીલ દેશોની વિકાસની પ્રક્રિયા માટેનો તેમણે કરેલો અભ્યાસ, તેનાં તારણો, તેમણે ઘડેલાં મૉડલો ઉપર્યુક્ત દેશો માટે ઘણા ઉપયોગી નીવડ્યાં છે. તેમના આ કાર્ય માટે જ તેમને 1979ના વર્ષનો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

તેમણે વિપુલ ગ્રંથસર્જન કર્યું છે, જેમાં ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ ઇકૉનૉમિક પ્લાનિંગ’ (1949), ‘ધ થિયરી ઑવ્ ઇકૉનૉમિક ગ્રોથ’ (1955), ‘ડેવલપમેન્ટ પ્લાનિંગ’ (1966), ‘ટ્રૉપિકલ ડેવલપમેન્ટ’ 1880–1913 (1971) તથા ‘ગ્રોથ ઍન્ડ ફ્લક્યુએશન્સ 1870–1913’ (1978) વિશેષ ઉલ્લેખનીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે