રાયગઢ (રાયગડ) (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 51´થી 19° 08´ ઉ. અ. અને 72° 51´થી 73° 40´ પૂ. રે. વચ્ચેનો 7,152 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે થાણે, પૂર્વમાં પુણે, અગ્નિ તરફ સતારા, દક્ષિણે રત્નાગિરિ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લાનું વડું વહીવટી મથક અલીબાગ ખાતે છે.
ભૂપૃષ્ઠ જંગલો જળપરિવાહ : આ જિલ્લો કોંકણના મેદાનની કિનારાપટ્ટીના નીચાણવાળા ભાગમાં આવેલો છે. તેનું સપાટી-સ્થળદૃશ્ય સહ્યાદ્રિમાંથી ફંટાયેલી ટેકરીઓને કારણે કંઈક અંશે અસમતળ બની રહેલું છે. જિલ્લાની પૂર્વ સરહદ સહ્યાદ્રિની ટેકરીઓ, ભેખડો તથા તેનાં શિખરો અને પલ્યયનો(saddles)થી રચાયેલી છે. જિલ્લાને આશરે 250 કિમી. જેટલો લાંબો દરિયાક્ધિાારો મળેલો છે.
જિલ્લાનો આશરે 20 % જેટલો ભાગ જંગલોથી આચ્છાદિત છે. રાજ્યના સંદર્ભમાં જોતાં, અન્ય કોઈ પણ જિલ્લા કરતાં અહીં વધુ જંગલવિસ્તાર આવેલો છે. જિલ્લાનો ઉત્તર ભાગ વધુ ટેકરીઓ અને વધુ જંગલોવાળો છે. અહીં ટેકરીઓ ઊંચાઈવાળી હોવાથી વરસાદ પણ વધુ પડે છે. જંગલોમાં સાગનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત ઐન, દેવદાર, ખેર વગેરે જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીંનો સાગ મુંબઈ અને પુણેના બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે.
સહ્યાદ્રિમાંથી નીકળતાં ઘણાં નાનાં નદીનાળાં અહીં ટૂંકા અંતર માટે વહીને અરબી સમુદ્રને મળે છે. જિલ્લાનો જળપરિવાહ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર રાયગઢમાં ઉલ્હાસ, પનવેલ (અથવા ગોડી) અને પાતાળગંગા નદીઓ આવેલી છે. મધ્ય રાયગઢમાં કુંડલિકા અને માંદેડ નદીઓ તથા દક્ષિણ રાયગઢમાં સહ્યાદ્રિ નદી વહે છે. ઉલ્હાસ વસઈની ખાડીને અને બાકીની નદીઓ અરબી સમુદ્રને મળે છે.
ખેતી-મત્સ્યપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે, બાવટો બીજા ક્રમે આવે છે. ગ્રામીણ વિસ્તારની ભૂમિનો 50 % વિસ્તાર ખેતીને યોગ્ય છે, જ્યારે માત્ર 1 % વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. કૂવા સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે.
રાજ્યના બધા જિલ્લાઓમાં આ જિલ્લો મત્સ્યપાલનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દરિયાક્ધિાારાથી 15 કિમી. અંતરના જળવિસ્તારમાંથી માછલીઓ પકડવામાં આવે છે. અંદરના જળવિસ્તારોમાંથી મેળવાતી માછલીઓ કરતાં દરિયાઈ માછલીઓનું પ્રમાણ વધુ રહે છે. અહીં 16 જેટલાં મુખ્ય મત્સ્યકેન્દ્રો વિકસ્યાં છે; જ્યાં માછલીઓની 15થી વધુ જાતો એકત્ર કરી આજુબાજુના વિસ્તારોમાં મોકલવામાં આવે છે.
ઉદ્યોગો : આર્થિક મહત્ત્વ ધરાવતાં ખનિજો અહીં મળતાં નથી. પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા ટ્રૅપ-ખડકો ઇમારતી પથ્થરો તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં માત્ર કરજત, ખોપોલી અને પનવેલ ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકસી છે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમે રોહા અને તલોજાને ઔદ્યોગિક મથકો બનાવવાના પ્રયાસો શરૂ કરેલા છે. મુંબઈનું ઔદ્યોગિક ભારણ ઓછું કરવાનું આયોજન વિચારાઈ રહ્યું છે. પનવેલ અને ઉરણ ખાતે મીઠાના, ખોપોલી ખાતે કાગળ અને તેના માવાના તથા રસાયણોના, મોરા ખાતે ઘર્ષક-ચક્રો અને પથ્થરના નાના પાયા પરના ઉદ્યોગો ચાલે છે. આ ઉપરાંત અહીં ડાંગર છડવાની મિલો આવેલી છે. વળી વાતશૂન્ય ડબાઓમાં ફળોને પૅક કરવાનું કામ પણ અહીં ચાલે છે.
1996 મુજબ આ જિલ્લામાં પનવેલ ખાતે એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડ અને જેન્સન અને નિકોલસન (ઇન્ડિયા) લિ.; ખોપોલી ખાતે એમ્ફૉર્જ ઇન્ડસ્ટ્રિઝ લિ.; રોહા ખાતે ધરમસી મોરારજી કેમિકલ્સ કંપની લિ., અમલ રસાયણ લિ. અને ઑલબ્રાઇટ, મોરારજી ઍન્ડ પંડિત લિ.; મહાડ ખાતે હિતકારી ફાઇબર્સ લિ. અને મહારાષ્ટ્ર ફર ફૅબ્રિક્સ લિ.; તલોજા ખાતે દીપક ફર્ટિલાઇઝર્સ ઍન્ડ પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. અને યુનાઇટેડ વાન ડી હૉર્સ્ટ લિ.; પાતાલગંગા ખાતે પ્રેસ્ટિજ એચ. એમ. પૉલિકોન ટેઇનર્સ લિ. તથા ખરસુંડી ખાતે હિકો પ્રૉડક્ટસ લિ. જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
વેપાર : જિલ્લામાં ડાંગર (ચોખા), તાંબા-પિતળનાં વાસણો અને ડબા, પ્લાસ્ટિકની નાની ચીજવસ્તુઓ, પોલાદની પાઇપો, પ્લાસ્ટરની મૂર્તિઓ અને બાવલાં, પગરખાં, મીઠું અને રસાયણોનું ઉત્પાદન લેવાય છે. નિકાસ કરવામાં આવતા માલમાં ચોખા, મીઠું, સોપારી, નાળિયેર, તાજી તેમજ સૂકી માછલીઓ, પોલાદની પાઇપો, ચામડાનો સામાન, ઘર્ષકચક્રો અને શાકભાજીનો; તો આયાત કરવામાં આવતા માલમાં ઘઉં, જુવાર, ખાદ્યતેલ, કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ, તમાકુ, લોખંડ, કરિયાણું, તાંબા-પિત્તળનો કાચો માલ, ખાંડ અને ચણાનો સમાવેશ થાય છે.
પરિવહન-પ્રવાસન : કોંકણની ક્ધિાારાપટ્ટી પરનો નવો બાંધેલો રેલમાર્ગ અહીંથી પસાર થાય છે. જિલ્લાનાં 1,338 ગામડાંઓમાં રેલમથકો અથવા બસમથકો અને જળમાર્ગમથકો આવેલાં છે. 953 ગામડાંઓમાં પાકા માર્ગો આવેલા છે.
ઉરણ તાલુકાના ઘારાપુરી ટાપુ પર એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. તે તેનાં શૈવ શિલ્પો માટે ખૂબ જાણીતી છે. કરજત તાલુકામાં માથેરાનનું ગિરિમથક છે. પ્રવાસીઓ માટે આ બંને આકર્ષણનાં મથકો ગણાય છે. મહાડનો રાયગઢનો કિલ્લો તેમજ પનવેલનો શિર્ધોનનો કિલ્લો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મુરુડ ખાતેનો હૉલિડે કૅમ્પ અતિ રમણીય સ્થળ ગણાય છે. અલીબાગના સમુદ્રતટે વિહારધામ બનાવવાની યોજના હાથ પર છે. જિલ્લાનાં ધાર્મિક સ્થળોમાં ખાબાપુર તાલુકાના માઢ, શ્રીવર્ધન તાલુકાના હરિ-હરેશ્વર અને અલીબાગ તાલુકાના ચૌલનો સમાવેશ થાય છે. પાલ, કોલ, કુડા, કોંડાણે અને આંબિવલી ખાતે ઘણાં પ્રાચીન બૌદ્ધ ગુફામંદિરો આવેલાં છે. અહીં વારતહેવારે ઘણા ઉત્સવો ઊજવાય છે તથા મેળાઓ ભરાય છે.
વસ્તી : 2001 મુજબ રાયગઢ જિલ્લાની વસ્તી 22,05,972 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 84 % અને 16 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધોની વસ્તી વિશેષ છે; જ્યારે જૈન, ખ્રિસ્તી અને શીખોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં મરાઠી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 55 % જેટલું છે. અહીં રાયગઢ, રોહા, મહાડ, અલીબાગ, પેન, પનવેલ, વાશી, નાગાંવ અને મનગાંવ ખાતે કૉલેજો આવેલી છે. જિલ્લામાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાની સુવિધા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 14 તાલુકાઓમાં અને 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 19 નગરો અને 1,908 (57 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : વર્ષો પહેલાં આ વિસ્તાર કોલાબા જિલ્લા તરીકે ઓળખાતો હતો. રાયગઢના કિલ્લા પરથી આ જિલ્લાને નામ અપાયેલું છે. એમ કહેવાય છે કે ઈ. પૂ. 225ના અરસામાં મહાડ, સેઉલ અને રાજપુરી જેવાં બંદરો વેપારી મથકો પણ હતાં. તે વખતે ગ્રીસ સાથે આ બંદરોનો વેપાર ચાલતો હતો. પરદેશી વેપારવાણિજ્ય વધતાં અહીંનાં બંદરોનો વિકાસ ઘટ્યો. મધ્યયુગમાં, મરાઠાયુગમાં તેમજ બ્રિટિશ યુગમાં અહીં ઘણા ફેરફારો થતા રહ્યા. સત્તરમી સદીમાં અહીં મરાઠાઓનું ખૂબ વર્ચસ્ હતું. 1869માં આ પ્રદેશને જિલ્લાનો મોભો મળ્યો. તે વખતે તેમાં માત્ર પાંચ જ તાલુકા હતા. 1883માં તેમાં પનવેલ અને ઉરણ તથા 1891માં કરજત તાલુકો ઉમેરાયા. 1921-31માં તેમાં વધુ ફેરફારો થયા. વિલીનીકરણ બાદ 1949માં તાલુકા સરહદોમાં પણ ફેરફારો થયા. 1956માં રાજ્યોની ભાષાવાર પ્રાંતરચના વખતે કોલાબા જિલ્લો દ્વિભાષી મુંબઈ રાજ્યનો ભાગ બન્યો. 1960માં દ્વિભાષી મુંબઈ રાજ્યની પુનર્રચના થતાં આ જિલ્લો નવા મરાઠીભાષી મહારાષ્ટ્ર રાજ્યમાં મુકાયો છે. 1970ના દસકામાં અહીંથી ઘણી વસ્તી મુંબઈ શહેરમાં સ્થળાંતર કરી ગઈ છે.
હાલના રાયગઢ જિલ્લાનું અગાઉનું નામ કોલાબા જિલ્લો હતું, પરંતુ રાયગઢના ઐતિહાસિક કિલ્લાના નામ પરથી આ નામ આપવામાં આવ્યું. ઈ. પૂ. ત્રીજી સદીમાં સેઉલ, મહાડ, ચોડગની અને રાજપુરી બંદરો જંજીરા રાજ્યના વેપારનાં કેન્દ્રો હતાં. કોલાબાનો દરિયાકિનારો વિદેશવેપાર વાસ્તે જાણીતો હતો. શિવાજીનો રાયગઢ(રાજગઢ) મુકામે 1674માં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાયગઢમાં થયેલા ઉત્ખનન પરથી જણાયું છે કે ત્યાં દુકાનો ઊંચી હોવાથી અશ્વ ઉપર બેસીને ખરીદી કરી શકાતી હતી. પોતાના રાજ્યાભિષેકના વિધિ દ્વારા શિવાજીએ પ્રાચીન રૂઢ પ્રણાલિકાને પુન:પ્રચલિત કરી હતી. મરાઠાઓનું પતન થવાથી ઓગણીસમી સદીમાં આ પ્રદેશ બ્રિટિશ સત્તા હેઠળ આવ્યો અને ઑગસ્ટ 1947થી તે સ્વતંત્ર ભારતનો એક ભાગ બન્યો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ