રાયગંજ : પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ દિનાજપુર જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 25° 37´ ઉ. અ. અને 88° 07´ પૂ. રે. તે કુલિક નદી પર વસેલું છે. આ નગર આજુબાજુના પ્રદેશમાં થતી કૃષિપેદાશો અને શણના નિકાસી વેપાર માટેનું મથક છે. તે ઇંગ્લિશ બઝાર અને દિનાજપુર (બાંગ્લાદેશ) સાથે સડકમાર્ગે જોડાયેલું છે. અહીં ડાંગર છડવાની મિલો આવેલી છે. 1951માં અહીં નગરપાલિકાની રચના કરવામાં આવેલી છે. ઉત્તર બંગાળ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજ અહીં આવેલી છે. 1981 મુજબ આ નગરની વસ્તી આશરે 60,000 અને આજુબાજુની વસાહતોની વસ્તી પણ ગણતરીમાં લેતાં આશરે 67,000 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ