રાયગઢ (છત્તીસગઢ) : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યની પૂર્વમાં બિલાસપુર વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 20´થી 23° 15´ ઉ. અ. અને 82° 55´થી 83° 24´ પૂ. રે. વચ્ચેનો 12,924 ચોકિમી. (રાજ્યની કુલ ભૂમિનો 2.91 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સરગુજા જિલ્લો, પૂર્વમાં બિહાર અને ઓરિસાની સરહદ પરના ઘુમલા, સુંદરગઢ અને સંબલપુર જિલ્લા; દક્ષિણે રાયપુર તથા પશ્ચિમે બિલાસપુર જિલ્લા આવેલા છે. 1909ના છત્તીસગઢના રાજ્ય સર્વસંગ્રહ(ગૅઝેટિયર)માં ‘રાયગઢ’ નામ માટે ‘રાય’ એટલે કાંટાળાં વૃક્ષ અને ‘ગઢ’ એટલે કિલ્લો – એ પરથી પડ્યું હોવાની નોંધ મળે છે. રાયગઢ જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

રાયગઢ જિલ્લો (છત્તીસગઢ)

ભૂપૃષ્ઠ : જિલ્લાની મધ્યમાંથી પસાર થતું 22° 15´ ઉ. અક્ષાંશવૃત્ત જિલ્લાને બે વિભાગોમાં વહેંચી નાખે છે :  ઉત્તર તરફનો જંગલ-આચ્છાદિત પહાડી પ્રદેશ અને દક્ષિણ તરફનો વૃક્ષવિહીન, ભેંકાર અને ધૂળિયો મેદાની પ્રદેશ. મધ્યમાંથી ઉત્તર તરફ જતાં ભૂમિ સોપાનોની જેમ ક્રમશ: ઊંચી જતી જાય છે અને ઉત્તર તરફ ખુરિયા અને મૈનપતના ઉચ્ચપ્રદેશોમાં ફેરવાય છે. જિલ્લાની દક્ષિણે પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી મહાનદી પણ આ જિલ્લાને નાના-મોટા બે વિભાગોમાં વહેંચી નાખે છે. ઉત્તર વિભાગનો ઢોળાવ દક્ષિણ-તરફી છે, જ્યારે દક્ષિણ વિભાગનો ઢોળાવ ઉત્તર તરફનો છે. જિલ્લાના ઈશાન ભાગમાં ઉપરઘાટ નામનો આશરે 2,225 ચોકિમી.માં પથરાયેલો ઉચ્ચપ્રદેશ આવેલો છે. મહાનદી અને શોણ આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત મંદ, કેલો, ઈબ, કન્હાડ અને ગિયોર બીજી મહત્ત્વની નદીઓ છે.

રાયગઢનો કિલ્લો

ખેતી-પશુપાલન : ખેતી અને પશુપાલન અહીંના લોકોના મુખ્ય વ્યવસાય છે. ડાંગર, ઘઉં, ચણા, રાઈ અને મગફળી આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. નહેરો સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત હોવા છતાં ખેતીલાયક બધી જમીનોને સિંચાઈ ઉપલબ્ધ કરી શકાતી નથી. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.

ઉદ્યોગ-વેપાર : રાજ્યના છત્તીસગઢ થાળાવિસ્તારમાં રાયગઢનો રેશમ-ઉદ્યોગ ખૂબ જાણીતો છે. અહીં રેશમવણાટના નાના પાયા પરના ચૌદ જેટલા એકમો કાર્ય કરે છે. તેની સાથે સાથે વણાટકામની સહકારી મંડળીઓ પણ વિકસી છે. જિલ્લામાં જિંદાલ સ્ટ્રિપ્સ, સ્ટાન્ડર્ડ કૅરોમ, મોહન જૂટ મિલ, રાયગઢ સૉલ્વન્ટ, રાઇસ મિલ, શ્રીકૅમ રેઝિન, ગણેશ ફેરો ઍલૉયઝ, મહામિયા ફેરો ઍલૉયઝ, હાઇકાર્બન ફેરો મૅંગેનીઝ, સ્પૉન્જ આયર્ન, કોસા સિલ્ક જેવા ઉદ્યોગો વિકસેલા છે. જિલ્લામાં ચૂનાખડકના વિપુલ જથ્થા મળે છે.

રાયગઢ, સારનગઢ, ધર્મજયગઢ, ખરસિયા, જશપુરનગર અને પથાલગાંવ અહીંનાં મુખ્ય વેપારી મથકો છે. જિલ્લામાં સિંગતેલ, સિમેન્ટ, ઍલ્યુમિનિયમનાં વાસણો અને રેશમનું ઉત્પાદન થાય છે. લાકડાં, પગરખાં, ચોખા અને રેશમી સાડીઓની નિકાસ તથા કાપડ, કેરોસીન, ખાદ્યતેલ અને કરિયાણાની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : રાયગઢ દક્ષિણ-પૂર્વીય રેલવિભાગના મુંબઈ-હાવરા રેલમાર્ગ પરનું અગત્યનું મથક છે. રાયગઢ રાજ્યનાં તેમજ જિલ્લાનાં મોટાં નગરો સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે. અહીંનાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોમાં રાજમહેલ (ગિરિવિલાસ), શિવમંદિર, પૂજારીપલી મંદિર અને સાંબેશ્વરી દેવીમંદિરનો સમાવેશ થાય છે. કૈલાસ ગુફા, સિંઘણપુર ગુફા, બુતલદા ગુફા, રાયગઢનો કિલ્લો, રામઝરણું વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં કેન્દ્રો છે. આ જિલ્લામાં ગોમરદા અને બાદલખેલ વન્યજીવન અભયારણ્યો પણ આવેલાં છે. શહેરો અને ગામડાંઓમાં જુદા જુદા ઉત્સવો ઊજવાય છે, વળી સામાજિક રીતરિવાજો મુજબ વાર-તહેવારે મેળાઓ પણ ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 12,65,084 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન અને બૌદ્ધોની ઓછી છે. આ જિલ્લામાં હિન્દી, ઊડિયા અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 30 % છે. શૈક્ષણિક સંસ્થાઓ અને તબીબી સેવાની સગવડો મધ્યમસરની છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 9 તાલુકાઓ અને 17 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 7 નગરો અને 2,244 (48 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આજના રાયગઢ જિલ્લાની રચના જૂનાં રાયગઢ, સારણગઢ, ધર્મજયગઢ અને જશપુરનાં રાજ્યોમાંથી કરવામાં આવેલી છે. આ પૈકીનાં ધર્મજયગઢ (ઉદયપુર) અને જશપુરનાં રાજ્યો 1905 સુધી છોટાનાગપુરના કમિશનર હેઠળ હતાં, તે વખતે તેમનો સમાવેશ બંગાળ પ્રાંતમાં થતો હતો. 1905માં બંગાળ પ્રાંતમાંથી તેમને મધ્યપ્રાંતમાં ફેરવવામાં આવેલાં. 1948માં દેશી રાજ્યોનું વિલીનીકરણ થવાથી ઉપર્યુક્ત ચાર રાજ્યોને ભેળવીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. 1956માં ભાષાકીય ધોરણે આ જિલ્લાને કાયમ રાખેલો છે. માત્ર તાલુકાઓમાં થોડો ફેરફાર કરવામાં આવેલો છે.

રાયગઢ (નગર) : છત્તીસગઢના રાયગઢ જિલ્લાનું મુખ્ય મથક અને નગર. ભૌગોલિક સ્થાન : 21° 55´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે. તે મુંબઈ-હાવરા રેલમાર્ગ પર આવેલું છે. આ નગર મહાનદીની સહાયક કેલો નદી પાસે પશ્ચિમ તરફ વસેલું છે. અહીં શણની મિલો તથા હાથસાળના એકમો આવેલા છે. જૂના વખતમાં તે દેશી રાજ્યની રાજધાની હતું.

ગિરીશભાઈ પંડ્યા