રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો હતો તેથી રૈ નગરમાં જન્મેલી અન્ય વિભૂતિઓની જેમ તેઓ પણ રાઝી કહેવાય છે. તેમણે વતનમાં તત્વજ્ઞાન, ગણિત, રસાયણ, ખગોળ, સાહિત્ય વગેરેનો સઘન અભ્યાસ કર્યો હતો. રાઝીએ રસાયણશાસ્ત્રના સંશોધનાત્મક પ્રયોગો દરમિયાન પોતાને ચક્ષુ-રોગ લાગુ પડતાં  તબીબીશાસ્ત્રનો વિસ્તૃત અભ્યાસ કરીને તે ક્ષેત્રમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી હતી; એટલું જ નહિ, બલકે રૈ નગરના શાહી દવાખાનામાં તથા પાછળથી થોડાક સમય માટે ઇરાકના બગદાદ શહેરમાં પણ રાજ્ય-સંચાલિત ચિકિત્સાલયમાં તબીબી નિયામક તરીકે સેવાઓ આપી હતી. અતિશય વાચન, લેખન તથા સંશોધનાત્મક પ્રયોગોના પરિણામસ્વરૂપ રાઝીને આંખના વિવિધ રોગ લાગુ પડ્યા હતા તથા અંધાપો પણ આવી ગયો હતો. તેમની મૌલિક કૃતિઓમાં તત્વજ્ઞાનવિષયક રચનાઓ મહત્વનું સ્થાન રોકે છે. પૉલ ક્રાઉસે રાઝીની તત્વજ્ઞાનવિષયક કૃતિઓનો એક સંગ્રહ સંપાદિત કર્યો છે.

તત્વજ્ઞાની તરીકે રાઝીનું નોંધપાત્ર પ્રદાન એ છે કે તેમણે પોતાના સમકાલીનો વિરુદ્ધ, ગ્રીક તત્વજ્ઞાની ઍરિસ્ટોટલના વિચારોનો વિરોધ કર્યો હતો. રાઝીનો એવો વિચાર હતો કે ઍરિસ્ટોટલે પોતાના ગુરુ પ્લેટો તથા અન્ય ગ્રીક તત્વજ્ઞાનીઓના વિચારોનો વિરોધ કરવામાં ગંભીર ભૂલ કરી હતી તથા તત્વજ્ઞાનને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. રાઝી અધ્યાત્મવિદ્યામાં પાંચ તત્ત્વોના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા હતા : સર્જક, પરમ તત્વ, આદિસ્વરૂપ, અવકાશ અને સૃદૃષ્ટિ. રાઝી ધર્મ તથા નીતિ બાબતમાં પણ મૌલિક વિચારો ધરાવતા હતા. તેઓ સંન્યાસના વિરોધી હતા. તેઓ કૌટુંબિક જીવન તથા મર્યાદાબદ્ધ રીતે શારીરિક જરૂરિયાતોના પોષણમાં માનતા હતા, પરંતુ ઇચ્છાઓને તાબે થવાથી દૂર રહેવાનો બોધ આપતા હતા. તેમણે જીવનની પરિપૂર્ણતા માટે લોકો સાથે ન્યાય, આબરૂદારી અને રહેમનો વર્તાવ પસંદ કર્યો હતો. તેમણે એમ કહીને પયગંબર અથવા નબીના પદ- (prophethood)નો વિરોધ કર્યો હતો કે ઈશ્વરે બધા માનવીઓને સમાન દરજ્જાના બનાવ્યા છે, દરેને ઈશ્વર જ્ઞાન અર્પણ કરે છે, તેથી પોતાના અને પોતાનાં સર્જનો (માનવીઓ) વચ્ચે કોઈ મધ્યસ્થીને તે સ્વીકારતો નથી. તે કહેતા કે પયગંબરોના ચમત્કારો માત્ર ભ્રમણા હોય છે. રાઝીના આ વિચારોને લઈને તેમની ઉપર અજ્ઞાની, અધર્મી તથા નાસ્તિક હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.

રાઝીએ તબીબી શાસ્ત્રના ક્ષેત્રમાં જે પ્રદાન કર્યું છે તે અજોડ ગણાયું છે. તબીબી ક્ષેત્રમાં તેમની મહાન કૃતિ ‘કિતાબુલ હાવી’ છે. તે તબીબી શાસ્ત્રનો વિશ્વકોશ ગણાય છે. તેમાં રાઝીએ તબીબી શાસ્ત્રની વિવિધ શાખાઓ વિશે વિસ્તૃત માહિતી આપી છે. લેખકે તેમાં પોતે કરેલા વિવિધ ઇલાજોની પ્રાયોગિક નોંધો (clinical notes) અને સારવારમાં પ્રગતિના આલેખ પણ આપ્યા છે. લૅટિન તથા અન્ય યુરોપીય ભાષાઓમાં ‘હાવી’ના અનુવાદો તથા તેના ઉપર ઘણાં સંશોધનો થયાં છે, જે તેની ઉપયોગિતા તથા લોકપ્રિયતાના સાક્ષી છે. તબીબી શાસ્ત્ર અંગેની રાઝીની અન્ય મહત્વની અરબી કૃતિઓનાં નામ નીચે પ્રમાણે છે : (1) કિતાબુલ મન્સૂરી; (2) કિતાબુશ શુકૂક. આમાં જાલીનૂસ(Galen)ની ટીકાઓનો સમાવેશ થાય છે; (3) તિબ્બુલ ફુકરા : સરળ સારવારની રીતોની ચર્ચા કરી છે; (4) બર-ઉસ-સાઅત; (5) અલ-ફાખિર ફીત તિબ્બ; (6) દફએ મઝારુલ અગઝિયા; (7) અલ-મુદખલ સગીર; (8) અલ-ફુસુલ ફીત તિબ્બ. આ બધી કૃતિઓના વિવિધ ભાષાઓમાં અનુવાદ પ્રગટ થઈ ચૂક્યા છે. રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં રાઝીનાં સંશોધનો તથા તેમની કૃતિઓના પ્રભાવને લઈને તેમને મુસ્લિમ જગતના સૌથી પહેલા અને શ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી ગણવામાં આવ્યા છે. તેમણે ગંધક અને આલ્કોહૉલ વિષયે મૌલિક સંશોધનો કર્યાં હતાં. રસાયણશાસ્ત્ર-વિષયક તેમની કૃતિઓ છે : (1) અલ-મુદખલ-તાલીમી; (2) ઈલલુલ મઆદન; (3) કિતાબુલ હજર; (4) અસ્બાતુસ સનાઅત; (5) કિતાબુત તદબીર; (6) કિતાબુલ અકસીર; (7) શર્ફ સનાઅત; (8) કિતાબ તરતીબ; (9) શવાહિદ; (10) અલ-સિર્ર; (11) અલ-હુકમા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી