રાઝી, ઇમામ ફખ્રુદ્દીન

January, 2003

રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ આજના ઈરાનના પાટનગર તેહરાનની પાસે આવેલાં રૈ(ગ્રીક ઇતિહાસમાં Rhages નામે ઓળખાતી પ્રાચીન નગરી)માં થયો હતો. તેમના પિતા ઇમામ ઝિયાઉદ્દીન ધર્મજ્ઞાની હતા અને રૈના ખતીબ કહેવાતા હતા. ઇમામ ફખ્ર રાઝીએ તેમના પિતાના અવસાન પર્યંત, તેમની પાસેથી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ થોડો સમય ઈશાન ઈરાન-ખુરાસાનના સમઆન જઈને કમાલ સમઆનીની સોબતમાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે રૈ પાછા ફરીને તે સમયના ગ્રીક તત્વજ્ઞાનના મહાન અભ્યાસી મુજદ-ઉદ્દીન અલ-જીલી પાસેથી તત્વજ્ઞાનનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. તેમની સાથે જ તે સમયના વિદ્યાભ્યાસના મહત્વના કેન્દ્ર મરાધા જઈને પણ પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જોકે મોટી ઉંમરે પહોંચ્યા પછી તેમણે તત્વજ્ઞાનના અભ્યાસનો ત્યાગ કર્યો હતો; એટલું જ નહિ, બલકે યુવાનીમાં બૌદ્ધિક શાસ્ત્રોનો અભ્યાસ પોતે કર્યો હતો તેની ઉપર ઘણો અફસોસ કરતા હતા. તેમણે ઇસ્લામી ધર્મશાસ્ત્ર(Islamic jurisprudence)માં મહત્વનું સ્થાન મેળવ્યું હતું. તેઓ મુસ્લિમોના ચાર રૂઢિચુસ્ત ફિરકાઓમાંના એક શાફઈ ફિરકાના અનુયાયી હતા. તેમણે અભ્યાસ અર્થે ઈશાનમાં ખ્વારિઝમનો પણ પ્રવાસ ખેડ્યો હતો. તેમના વતનમાં એક ધનાઢ્ય તબીબની બે દીકરીઓ સાથે રાઝીના બે પુત્રોનાં લગ્ન થયાં હતાં. આ તબીબના અવસાન બાદ તેમનું ધન ઇમામ રાઝીને મળતાં તેઓ ઘણા દૌલતમંદ બની ગયા હતા. ખુરાસાનમાં ખ્વારઝમશાહની મૈત્રી પણ થઈ હતી. તેમની ગણના ફિકહ, ભાષાશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને વૈદકશાસ્ત્રમાં પોતાના સમયના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થતી હતી.

કુરાનની તફસીર કરવામાં તો તે અજોડ હતા. તેઓ ફારસી તથા અરબી શાયરીનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મધ્યમ કદના, ભરાવદાર હૃષ્ટપુષ્ટ શરીર, બુલંદ અવાજવાળા અને દેખાવડા હતા. તેમની મજલિસમાં તેમનાં વ્યાખ્યાન સાંભળવા માટે રાજ્યના શાસકો, ધનાઢ્ય લોકો અને વિદ્વાનો હાજરી આપતા. તેઓ જ્યાં જતા ત્યાં તેમની સાથે ઘણા વિદ્યાર્થીઓ પણ પ્રવાસ કરતા હતા. તેમનાં વ્યાખ્યાનો એટલાં રસપૂર્ણ અને અસરકારક હતાં. તેમના કેટલાયે શિષ્યોએ ઇસ્લામી વિદ્યાઓમાં નામના મેળવી છે. તેમણે છેલ્લાં વર્ષો આજના અફઘાનિસ્તાનની પ્રખ્યાત સંસ્કારનગરી હિરાતમાં કાઢ્યાં હતાં. તેમના બે દીકરાઓ ઝિયાઉદ્દીન અને શમ્સુદ્દીને પણ વિદ્યાના ક્ષેત્રે નામના મેળવી હતી. ઇમામ રાઝીની કૃતિઓમાંથી ‘તફસીરે કબીર’ અમર થઈ ગઈ છે. ઉપરાંત વિવિધ વિષયોમાં અરબી-ફારસીમાં અન્ય સિત્તેર જેટલી રચનાઓ છે. તેમણે પુસ્તકો લખવા ઉપરાંત ઇસ્લામના પ્રસાર માટે પ્રવૃત્તિ પણ કરી હતી. તેમના પ્રયત્નોને પરિણામે કરામતિયા નામના માર્ગ ભૂલેલા ફિરકાના ઘણા લોકો ઇસ્લામના વર્તુળમાં પાછા આવ્યા હતા. તેમની આ પ્રવૃત્તિને કારણે કેટલાંક તત્ત્વો તેમનાં દુશ્મન પણ બની ગયાં હતાં, વિરોધીઓએ તેમને ખોરાકમાં ઝેર આપ્યું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી