રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી રાઝદાનના હૃદયમાં આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનાં બીજ રોપાયાં. વખત જતાં તેઓ પાકા શિવભક્ત બન્યા. વળી તેઓ સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સારા જાણકાર હતા.

યુવાનવયે એક વિચિત્ર ઘટના ઘટી. તેમના પિતાએ તેમને નજીકના તીર્થસ્થાને સાથે લઈ જવાનું ટાળતાં ભારે ગ્લાનિ અનુભવી અને દુ:ખ સાથે નિદ્રાધીન થયા. નિદ્રામાં સ્વપ્નમાં વિચિત્ર દેવીનાં દર્શન પામ્યા. જાગ્યા ત્યારથી તેમના મુખેથી દેવીના ગુણાનુવાદ કરતી કેટલીક પંક્તિઓ સરી પડી. ત્યારથી તેમની કાવ્યરચનાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. પોતે શૈવ હોવા છતાં અન્ય દેવોની પ્રશસ્તિનાં કાવ્યો રચ્યાં.

તત્કાલીન મહાત્મા અને સંત મુકુન્દરામે તેમને ‘શિવયોગ’ની દીક્ષા આપી, ત્યારથી તેઓ સાંસારિક મોહ ત્યાગીને ધ્યાનમાં મગ્ન રહેતા. સમગ્ર જીવન ભક્તની જેમ જીવીને પૂર્ણપણે ઉપાસના અને કાવ્યસર્જનમાં ખર્ચ્યું. તેમની ખ્યાતિ મહાન યોગી અને ભક્ત તરીકે વધતાં દૂર દૂરથી લોકો તેમનાં દર્શને આવતા ને આશીર્વાદ પામતા. તેમનું જ્યોતિષજ્ઞાન, વિદ્વત્તા અને કાવ્યપ્રતિભાથી પ્રસન્ન થઈને કાશ્મીરના તત્કાલીન ડોંગરા મહારાજા પ્રતાપસિંહ વર્ષમાં બે વખત તેમના દર્શને આવતા.

21 વર્ષની ઉંમરથી તેમણે ક્રમબદ્ધ લેખનકાર્ય આરંભ્યું, જે જીવનભર ચાલુ રહ્યું. મસનવી-કવિઓની જેમ, તેમણે કથાપ્રસંગોમાં ‘બહરે હજ્જ’નો ઉપયોગ કર્યો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિવપરિણય’ 1914થી 1924 દરમિયાન પ્રગટ થયો. તે દેવનાગરી લિપિમાં 618 પૃષ્ઠ ધરાવતો 6 ગ્રંથોમાં વિભાજિત ગ્રંથ છે. તેમાં તેમણે શિવવિવાહનું કાશ્મીરના પૂરા પરિવેશમાં આબેહૂબ વર્ણન કર્યું છે. વિવાહને લગતા એક પણ પ્રસંગની કસર રાખ્યા વિના ગીતો, સ્તુતિઓ અને કવિતાઓ દ્વારા સતીખંડ અને પાર્વતીખંડમાં શિવનાં અનેકવિધ રૂપોનું માધુર્યપૂર્ણ કથાનું રૂપ ઊભરે તે રીતે વર્ણન તથા ગુણગાન કર્યાં છે. તેથી તે અત્યંત ગેય અને રોચક કૃતિ બની છે. તેમના ‘પુષ્પપૂજા’ ભક્તિગીતમાં કાશ્મીરના પ્રાકૃતિક સૌંદર્યની, ત્યાંના ઐતિહાસિક તીર્થસ્થાનોની કલાત્મક રીતે અભિવ્યક્તિ કરવામાં આવી છે. તે રીતે તેમણે શ્રદ્ધા અને ભક્તિનો અમર સ્રોત વહાવ્યો છે.

‘હરિહરકલ્યાણ’ શીર્ષક હેઠળ શરૂમાં 1913માં પ્રગટ થયેલી આ કૃતિનો કાશ્મીરી અને સંસ્કૃત વિદ્વાન મુકુંદરામ શાસ્ત્રીએ સંસ્કૃતમાં અનુવાદ કર્યો હતો. ત્યારથી તેને વધુ પ્રસિદ્ધિ મળી. તે પછી પ્રાકૃત, રાજસ્થાની, કાશ્મીરી, હિંદી, તિબેટી, અરબી અને રોમન ભાષામાં પ્રસિદ્ધ થયેલી તત્કાલીન સંત કવયિત્રી લલ્લેશ્વરીના પ્રભાવ હેઠળ તેમણે ‘વાકોં’ તથા ‘વચન’ શૈલીમાં કેટલાંક લીલાકાવ્યો (ભક્તિકાવ્યો) રચ્યાં છે.

તેઓ અનન્ય શિવભક્ત હોવા છતાં તેમણે તેમના આરાધ્યની સ્તુતિમાં સંખ્યાબંધ ગીતો રચ્યાં છે. તેમાં પૂર્ણાવતાર શ્રીકૃષ્ણની રાસલીલાઓને પણ અલગ છટાથી ગીતબદ્ધ કરી છે. ‘શિવવિવાહ’માં ઠેરઠેર તેમણે કૃષ્ણને યાદ કર્યા છે. તેમાં પૌરાણિક પ્રતીકોના વ્યાપક પ્રયોગોથી આકર્ષક શૈલી, મનોહર શબ્દરચના, છંદ-લાલિત્ય દ્વારા સધાતી-ભાવાત્મકતા, પ્રાકૃતિક વૈચિત્ર્ય તથા સાંગીતિક મધુરતા  એ સર્વને સિદ્ધ કરતી તેમની સર્જકતાને તેમની ક્ષમતાને આજ સુધી કોઈ આંબી શક્યું નથી. મધુરભાવ અને કાંતાભાવ  એ બંને ધારામાં રચાયેલાં તેમનાં 300 જેટલાં લીલાગીતો, સ્તુતિઓ અને કાવ્યો કલ્ચરલ અકાદમી જમ્મુ અને કાશ્મીર દ્વારા સંકલિત સ્વરૂપે પ્રગટ થયેલાં છે. આમ કાશ્મીરી સાહિત્યમાં તેમનાં કાવ્યોનું સ્થાન વિશિષ્ટ છે. કાશ્મીરી ભાષાને સમૃદ્ધ કરવામાં તેમનું પ્રદાન પ્રશંસનીય છે.

બળદેવભાઈ કનીજિયા