મેસિયે સારણી : બિંદુવત્ પ્રકાશતા તારાઓ ઉપરાંત, રાત્રિના અંધારા આકાશમાં નાના, ઝાંખા, પ્રકાશિત વાદળ પ્રકારના જણાતા અવકાશી પદાર્થોની સૂચિ. તેમને સામાન્ય રીતે નિહારિકા (nebula) તરીકે ઓળખવામાં આવે છે. અઢારમી સદીના એક ખગોળવિજ્ઞાની, ચાર્લ્સ મેસિયે(Charles Messier) (1730–1817)ને નવા ધૂમકેતુઓ શોધવામાં ઘણો રસ હતો, પરંતુ તેણે જોયું કે આ ધૂમકેતુઓ આપણાથી ઘણા દૂર હોય ત્યારે ઉપર્યુક્ત નિહારિકા જેવા જ જણાતા હોવાથી તેમને જાણવા જરા મુશ્કેલ બને છે અને થોડા દિવસનાં અવલોકનો બાદ જ જ્યારે ધૂમકેતુનું સ્થાન અન્ય અવકાશી પદાર્થોના સંદર્ભમાં બદલાયેલું જણાય ત્યારે જ ખાતરી થાય છે કે આ ધૂમકેતુ છે. આ મુશ્કેલી નિવારવા તેણે નિહારિકા જેવા જણાતા પદાર્થોની એક વિસ્તૃત સારણી તૈયાર કરી, જે મેસિયર સારણી (Messier Catalogue) તરીકે પ્રસિદ્ધ થઈ.

1771થી 1784 – એમ ચૌદ વર્ષની જહેમત બાદ તૈયાર થયેલી આ સારણીમાં મેસિયે દ્વારા કુલ 109 અવકાશી પદાર્થો નોંધાયા હતા અને તેમને M–1, M–2 એમ ક્રમાનુસાર નામ અપાયાં. આ સારણી તૈયાર થઈ તે સમયે ખગોળવિજ્ઞાનનું જ્ઞાન સીમિત હતું અને ધાબા જેવી જણાતી નિહારિકાઓના વાસ્તવિક સ્વરૂપ વિશે ચોક્કસ ખ્યાલ નહોતો. વળી મેસિયેનો રસ તો આવી રચનાઓને માત્ર ધૂમકેતુઓથી અલગ તારવવાનો જ હતો. એટલે આ સારણીમાં નોંધાયેલા પદાર્થોમાં તારાવિશ્વો (galaxies), ગ્રહ જેવી જણાતી નિહારિકા (planetary nebula), વીજાણુમય હાઇડ્રોજનનાં વાયુ-વાદળો (ionized hydrogen regions), સુપરનોવા અવશેષો (supernova remnants), ગોલીય તારકજૂથો (globular clusters) અને વિસ્તૃત તારકજૂથો (open clusters) — એમ વિવિધ પદાર્થોનો સમાવેશ થયેલો છે.

મૂળ સારણીમાં 109 અવકાશી પદાર્થો નોંધાયેલા હતા, જે નાના દૂરબીનથી જોઈ શકાય તેવા છે; પરંતુ આ સારણીમાં વિખ્યાત દેવયાની (Andromeda) તારાવિશ્વ(જેનો સારણીમાં M–31 તરીકે સમાવેશ છે)ની નજીકના અન્ય એક તારાવિશ્વનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. હવે તેને M–110 ક્રમ આપીને, તેનો સમાવેશ કરાયેલ છે. આ સારણીના બધા અવકાશી પદાર્થો 75 મિલીમિટર જેટલા વ્યાસના નાના દૂરબીનથી જોઈ શકાય તેવા હોવાથી આ સારણી શોખીન (amateur) ખગોળરસિયાઓ માટે સંદર્ભસારણી તરીકે ઘણી જ લોકપ્રિય છે. આ સારણીમાં નોંધાયેલ જાણીતા પદાર્થોમાં M–1 વૃષભરાશિમાં આવેલ crab nebula તરીકે જાણીતો સુપરનોવા અવશેષ છે. M–31 દેવયાનીનું તારાવિશ્વ છે, જ્યારે M–45 એ કૃત્તિકાનું તારકઝૂમખું Pleiades છે અને M–57 એ વીણા તારામંડળમાં આવેલ વીંટી આકારની ગ્રહીય નિહારિકા (planetary nebula) છે.

મેસિયે દ્વારા તૈયાર થયેલ આ સારણી બાદ 1988માં New General Catalogue તરીકે જાણીતી એક વધુ વિસ્તૃત સારણી પ્રસિદ્ધ થઈ; જેમાં 7,840 પદાર્થો નોંધાયા છે; પરંતુ આ સારણીના મોટાભાગના પદાર્થો મોટા દૂરબીનથી જ અવલોકી શકાય તેવા પ્રકારના છે. આ સારણીના પદાર્થો NGC objects તરીકે ઓળખાવાય છે; દા. ત., NGC 205 એટલે Messier 110… આ New General Catalogue(NGC)ની પૂરક સારણી, જે ત્યારબાદ તૈયાર થઈ, તેને Index Catalogue (IC) નામ મળ્યું. આમ ખગોળના સંદર્ભસાહિત્ય(જેવા કે, Norton Atlas)માં M, NGC અને IC પદાર્થો તરીકે નોંધાયેલ પદાર્થો જણાશે.

મેસિયેનું નામ આમ તો આ સારણી માટે જ પ્રખ્યાત થયું છે; પરંતુ તેનો રસ તો ધૂમકેતુઓ શોધવામાં જ હતો. એડમંડ હેલી(Edmund Halley)ના પૂર્વાનુમાન અનુસાર જ્યારે 1758માં હેલીનો ધૂમકેતુ ફરીથી દેખાવાનો હતો, ત્યારે તેની શોધના પ્રયત્નમાં મેસિયે પણ સામેલ હતો. મેસિયેએ આ ધૂમકેતુ 21 જાન્યુઆરી, 1759ના રોજ નોંધ્યો; પણ ત્યારપહેલાં 26 ડિસેમ્બર, 1758ના રોજ Johann Palitzsch નામના એક અન્ય ખગોળવિજ્ઞાનીએ આ ધૂમકેતુને શોધી કાઢ્યો હતો. કહેવાય છે કે આકાશમાં ઊંચે જોતાં જોતાં ધૂમકેતુ શોધવામાં મગ્ન મેસિયે એક વાર કૂવામાં ભૂસકો માર્યો હતો ! મેસિયેએ બારેક જેટલા ધૂમકેતુઓ શોધ્યા, પણ વિધિની વિચિત્રતા કે એમાંનો એકે નવો નહોતો. એટલે એકેય ધૂમકેતુ મેસિયેના ધૂમકેતુ તરીકે જાણીતો થયો નહિ !

જ્યોતીન્દ્ર ન. દેસાઈ