મેસીનાની સામુદ્રધુની

February, 2002

મેસીનાની સામુદ્રધુની : ભૂમધ્ય સમુદ્ર-વિસ્તારમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 38° 12´ ઉ. અ. અને 15° 33´ પૂ. રે.. તે ઇટાલી (પૂર્વ તરફ) અને સિસિલી ટાપુ(પશ્ચિમ તરફ)ને અલગ કરે છે, પરંતુ ભૂમધ્ય સમુદ્રના ફાંટાઓરૂપ પશ્ચિમ તરફ આવેલા તિરહેનિયન અને પૂર્વ તરફ આવેલા આયોનિયન સમુદ્રોને સાંકળે છે. તેની લંબાઈ 32થી 40 કિમી., પહોળાઈ ઉત્તર તરફ 3 કિમી. અને દક્ષિણ તરફ 16થી 18 કિમી. તથા ઊંડાઈ (ઉત્તર છેડે) 90 મીટર જેટલી છે.

આ સમુદ્રમાં મુખ્ય અને ગૌણ એવા બે જાતના પ્રવાહો વહે છે. મુખ્ય પ્રવાહ દક્ષિણથી ઉત્તર અને ગૌણ પ્રવાહો ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. આ પ્રવાહો વારાફરતી દર છ કલાકે બદલાઈ જાય છે. આવા સમયે અહીં 150થી 200 મિમી. વરસાદ પડે છે. મુખ્ય પ્રવાહ દરમિયાન સમુદ્રજળ 15થી 20 સેમી. ઊછળીને નીચે પડે છે. બીજા શક્તિશાળી પ્રવાહોને કારણે જળ નીચેથી ઉપર તરફ પણ ફેંકાય છે. આ ક્રિયા દરમિયાન પ્રસ્ફુરણની ઘટના ઉદભવે છે, તે સાથે મૃગજળનું આભાસી ર્દશ્ય પણ ઊભું થાય છે. અહીંના સ્થાનિક લોકો આ ર્દશ્યને ‘ફાતા મોર્ગાના’ કહે છે. આ ઘટનાને કારણે બિહામણાં ર્દશ્યો દેખાતાં હોવાનો ભાસ થાય છે. ગ્રીક પુરાણોમાં, વાર્તાઓમાં, દંતકથાઓમાં અહીં બિહામણી રાક્ષસીઓ રહેતી હોવાના જે ઉલ્લેખો મળે છે તે આ વૈજ્ઞાનિક ઘટના સાથે મેળ ખાય છે. આ પ્રકારની વિચિત્ર વાતાવરણીય ઘટનાને કારણે પહેલાંના સમયમાં દરિયાખેડુઓ આ સામુદ્રધુનીને સરળતાથી પાર કરી શકતા ન હતા. તે સમયે આજના જેવાં અદ્યતન સુવિધાઓવાળાં સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે વેગવંત પ્રવાહો સાથે જહાજો ખેંચાઈ જતાં અને ખડક-અવરોધો સાથે અફળાઈને ડૂબી જતાં.

એક તરફ ઇટાલીના કિનારા પર રેગિયો-દી-કાલાબ્રિયા અને બીજી તરફ સિસિલીના કિનારા પર મેસીનાનાં મહત્ત્વનાં બંદરો આવેલાં છે. કિનારાનો પ્રદેશ ખૂબ જ રમણીય છે. તે પુરાતત્ત્વીય સ્થાપત્ય-અવશેષો માટે જાણીતો બનેલો હોવાથી ત્યાં પ્રવાસીઓ માટે વિહારધામો અને આરામગૃહો બાંધવામાં આવેલાં છે.

પ્રાચીન સમયમાં થયેલી ભૂગર્ભીય ભૂસંચલનજન્ય ઘટનાને કારણે અહીં ફાટખીણ રચાતાં આ સામુદ્રધુની અસ્તિત્વમાં આવી હશે એમ મનાય છે. 1908માં 28 ડિસેમ્બરે અહીં ભીષણ ભૂકંપ થયેલો. તેથી બંને બાજુએ આવેલાં શહેરો નાશ પામ્યાં હતાં. આ ઘટનાને પરિણામે આશરે 8,000 માણસો મૃત્યુ પામ્યા હતા.

નીતિન કોઠારી