મેસિયે, ચાર્લ્સ

February, 2002

મેસિયે, ચાર્લ્સ (જ. 26 જૂન 1730, બૉડનવિલે, ફ્રાન્સ; અ. 11 એપ્રિલ 1817) : ફ્રાન્સના ખગોળશાસ્ત્રી. તેમણે અતિપ્રસિદ્ધ મેસિયે કૅટલૉગનું સંકલન-સંપાદન કર્યું હતું. આકાશી પદાર્થોની આ બહુ જાણીતી બનેલી યાદી હજુ પણ વપરાય છે. હેલીના ધૂમકેતુની 1759ની વળતી પરિક્રમા દરમિયાન ફ્રાન્સમાં તેનું અવલોકન કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. પછીનાં વર્ષો દરમિયાન તેમણે અનેક નવા ધૂમકેતુઓ શોધી કાઢ્યાનો દાવો કર્યો હતો. તેમણે ઝાંખા પ્રકાશપટ જેવા વિસ્તૃત પદાર્થોના કૅટલૉગનું પણ સંપાદન કર્યું હતું, જેથી આવા વિસ્તૃત પદાર્થોને ધૂમકેતુથી જુદા તારવી શકાય. નરી આંખે અથવા નાના દૂરબીનમાં આ બંને પદાર્થો એકસરખા ધૂંધળા અને વાદળિયા દેખાતા હોય છે.

1774માં પ્રગટ થયેલા આવા સર્વપ્રથમ કૅટલૉગમાં 45 આકાશી પદાર્થોની યાદી હતી. 1780માં આ સંખ્યા 68 અને 1781માં 103 સુધી પહોંચી. આ યાદીમાં આકાશમાંના કેટલાક સૌથી સુંદર-મનોહર પદાર્થોનો સમાવેશ થાય છે. તેમાં તારાનાં ઝૂમખાં, આકાશગંગા, નિહારિકા વગેરે ઉલ્લેખનીય છે. મેસિયેએ ઓળખાવેલા પદાર્થોમાં ‘ક્રૅબ નેબ્યૂલા’ (M 1) તથા ઍન્ડ્રોમિડા નેબ્યૂલા (M 31) મહત્ત્વના છે. આકાશી પદાર્થોને તેમણે વર્ણયુક્ત સંખ્યાંક (જેમ કે, M 31) આપવાની પદ્ધતિ અપનાવી અને ખગોળશાસ્ત્રમાં આ જ પ્રથા પ્રચલિત રહી છે. આકાશના તેઓ અઠંગ અવલોકનકાર હતા અને તેમણે ગ્રહણો, સૌર કલંક તથા ગહન-રહસ્યગર્ભ આકાશી અથવા ગૂઢ ઘટનાઓ(occultation)નો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.

મહેશ ચોકસી