મેરુ પર્વત : ભારતીય પુરાણોમાં વર્ણવાયેલો સોનાનો બનેલો પર્વત. આ પર્વતનું બીજું નામ સુમેરુ છે. ભાગવત અને બ્રહ્માંડપુરાણમાં એનું વર્ણન આવે છે. વિષ્ણુ પુરાણ પણ તેની વિગતો આપે છે. તે ઇલાવૃત્તની વચમાં છે. જંબૂદ્વીપ જેટલો લાંબો છે, એટલો તે ઊંચો છે. તે ચાર પર્વતોથી ઘેરાયેલો છે : – મંદર, મેરુમંદર, સુપાર્શ્વ અને કુમુદ. તેની ચારે દિશાએ આઠ પર્વતો છે – પૂર્વમાં જઠર અને દેવકૂટ; પશ્ચિમમાં પવન અને પારિયાત્ર; ઉત્તરમાં ત્રિશૃંગ અને મકર; દક્ષિણમાં કૈલાસ અને કરવીર. એના શિખર પર વચ્ચોવચ્ચ બ્રહ્મપુરી છે. તે ચોરસ કદની સુવર્ણનગરી છે. એની બહારની બાજુએ ચારેય તરફ આઠ દિક્પાલોની આઠ નગરીઓ છે. આ પર્વતની તળેટીમાં એક વન છે. તે શિવ અને પાર્વતીની ક્રીડાભૂમિ છે. એની ચારેય દિશામાં ચાર દેશ છે – ભદ્રાશ્વ, ભારત, કેતુમાલ અને ઉત્તર કુરુ. દેવોનું સ્વર્ગ મેરુપર્વત પર આવેલું છે. આ પર્વત ઉપર સાવર્ણિ મનુએ તપસ્યા કરી હતી. આ પર્વતની કંદરાઓમાં નગરો, ઉપવનો અને દેવમંદિરો આવેલાં છે. સ્વર્ગમાંથી ગંગાનદીનું સર્વપ્રથમ અવતરણ આ પર્વતની બ્રહ્મપુરીમાં થયું છે. અહીં ચાર સરોવરો છે – અરુણોદ, મહાભદ્ર, અસિતોદ અને માનસ. ચાર ઉપવનો આ પર્વતની શોભા છે – પૂર્વમાં ચૈત્રરથ, પશ્ચિમમાં વૈભ્રાજ, ઉત્તરે નન્દન અને દક્ષિણે ગન્ધમાદન. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ સિવાય બીજાં પુરાણોમાંથી પણ સુમેરુગિરિનાં વર્ણનો મળે છે. આધુનિક ભૂગોળવેત્તાઓનો એક વર્ગ આને કાલ્પનિક પર્વત માને છે, પરંતુ એની વાસ્તવિક સ્થિતિ ઓળખી કાઢવા વિદ્વાનોએ પ્રયત્ન કર્યા છે તે મુજબ (1) તે ગંગાનદી જ્યાંથી પ્રભવી, એ પર્વત તે છે જે બદરિકાશ્રમ પાસે છે. (2) ગઢવાલ પ્રાન્તમાં આવેલો કેદારનાથનો પર્વત સુમેરુ છે. (3) આધુનિક અલ્મોડા જિલ્લાની ઉત્તરમાં આ પર્વતનો પ્રસાર હોવાનું પણ કહેવાય છે. આમ એના વાસ્તવિક અસ્તિત્વ બાબત વિવિધ પ્રકારનાં અનુમાનો થયાં છે, પણ તે પ્રમાણિત નથી.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા