મેરુરજ્જુ–આઘાત

February, 2002

મેરુરજ્જુ–આઘાત (Spinal Shock) : કરોડરજ્જુની આખી પહોળાઈને અસર કરતા ઉગ્ર (acute) અને તીવ્ર (severe) રોગમાં કરોડરજ્જુની ક્રિયાશીલતા એકદમ બંધ થાય તે. તેને કારણે આવા સમયે પગના સ્નાયુઓમાં સતત સજ્જતા (spacity) અથવા અક્કડતાને બદલે અતિશય ઢીલાશ (મૃદુશિથિલતા, flaccidity) થઈ આવે છે. આવી સ્થિતિ થોડા દિવસ માટે અને ક્યારેક થોડાં અઠવાડિયાં માટે રહે છે. તેને ક્યારેક ભૂલથી કૅન્સરને કારણે થયેલી વધુ વ્યાપક કરોડરજ્જુમાંની કોશનાશક મેરુરુગ્ણતા (necrotic myelopathy) કે બહુચેતારુગ્ણતા (polyneuropathy) માની લેવાય તેવું પણ બને છે. કરોડરજ્જુમાં જે જગ્યાએ વિકારની અસર થઈ હોય તેનાથી નીચેના સમગ્ર ભાગની ક્રિયાશીલતા લગભગ જતી રહે છે અને તેથી બંને પગ તથા પેટના સ્નાયુઓ શિથિલ થઈને હલનચલન વગરના થઈ જાય છે, અસરગ્રસ્ત ભાગની ચામડીમાંથી બધી સંવેદનાઓ બંધ થઈ જાય છે અને તેથી તે ભાગમાં ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflexes) પણ બંધ થઈ જાય છે. જો મળાશય અને મૂત્રાશયનાં ચેતાકેન્દ્રોથી ઉપરનો વિસ્તાર હોય તો તેની ચેતાપરાવર્તી ક્રિયાઓ પણ જતી રહે છે. સૌપ્રથમ મૂત્રાશયના અંત:દ્વારરક્ષણ(internal sphincter)નું કાર્ય પાછું આવે છે. તેને કારણે મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે. દર્દીનો મળત્યાગ વિષમ થવાથી કબજિયાત થઈ જાય છે. કરોડરજ્જુની સમગ્ર પહોળાઈને અસરકર્તા વિકારને અનુપ્રસ્થી (આડછેદી) દોષવિસ્તાર (transverse lesion) કહે છે. તેવું અનુપ્રસ્થી મેરુરજ્જુશોથ(transverse myolitis)ના રોગમાં થાય છે. જો કરોડરજ્જુના આગળના ભાગમાં આવેલી ધમની અગ્રસ્થ મેરુધમની(anterior spinal artery)માં અવરોધ ઉદભવે તોપણ શરૂઆતમાં આવો વિકાર થઈ આવે છે, ક્યારેક કૅન્સરમાં પરાકૅન્સર સંલક્ષણ (para neoplastic syndrome) રૂપે કૅન્સર કરોડરજ્જુમાં ન ફેલાયું હોય તેમ છતાં કરોડરજ્જુમાં ઉગ્ર મેરુરજ્જુ–આઘાત જેવો વિકાર સર્જે છે. બંને પગ ઢીલા પડી જાય છે અને મૂત્ર-મળ પરનું નિયંત્રણ જતું રહે છે. કરોડરજ્જુમાં આવો વિકાર ઝડપથી ઉપર તરફ ચડે છે અને ત્યારે તે જીવનને જોખમી બને છે. કરોડરજ્જુની આસપાસના પ્રવાહીમાં પ્રોટીન વધે છે અને MRIમાં કરોડરજ્જુમાં સોજો આવેલો દર્શાવી શકાય છે. ક્યારેક કૅન્સરનું નિદાન થયું હોય તે પહેલાં જ આવો વિકાર થઈ આવે છે. લોહીનું કૅન્સર, લસિકાર્બુદ (lymphoma) તથા ફેફસાંના કૅન્સરમાં આવું થઈ આવે છે.

મેરુરજ્જુ–આઘાતને કારણે ઘણી વખત કરોડરજ્જુમાં કયા સ્થાને વિકાર ઉદભવેલો છે તે જાણવામાં મુશ્કેલી પડે છે. સારવારમાં સ્નાયુની સંકોચનસજ્જતા જળવાઈ રહે તે માટે કસરત, તેની સ્થિતિ યોગ્ય પ્રકારની રહે તે માટે જરૂરી ટેકા, પીઠમાં ચાંદું ન પડી જાય તેની સંભાળ તથા મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ ન રહે તે માટે નિવેશિકાનળી (catheter) મૂકી રખાય છે. પીઠમાં ચાંદું ન પડે માટે જલશય્યા(water bed)નો ઉપયોગ કરાય છે, દર્દીનું પાસું વારંવાર ફેરવવામાં આવે છે અને તેની ચામડીની સંભાળ રખાય છે.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી