મેરુતુંગસૂરિ (ઈ. સ. 14મી સદી) : ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મહત્વના ગ્રંથ ‘પ્રબંધચિંતામણિ’ના લેખક. નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય. તેમણે વઢવાણમાં રહીને ઈ. સ. 1305(વિ. સં. 1361)માં પાંચ ખંડમાં પ્રસિદ્ધ ‘પ્રબંધચિંતામણિ’ નામના ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ગુજરાતના ઇતિહાસ માટે એ સૌથી વધારે ઉપયોગી પ્રબંધસંગ્રહ છે. એમાં વનરાજ ચાવડાથી માંડીને વાઘેલા વીરધવલ સુધીના રાજાઓનો સિલસિલાબંધ વૃત્તાંત સાલવારી સહિત આપવામાં આવ્યો છે. મેરુતુંગે ‘મહાપુરુષચરિત’ (કે ધર્મોપદેશશતક) પણ રચ્યું છે. તેમાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી એ જૈન તીર્થંકરોના પૂર્વભવ સહિતનાં ચરિત્ર તેમજ બીજાં ચરિત્રો પણ સંકલિત છે.

(2) મેરુતુંગસૂરિ (ઈ. સ. 1344 આશરે) : ‘વિચારશ્રેણી’ (સ્થવિરાવલી) નામના એક ઐતિહાસિક જૈન કાલક્રમસૂચક ગ્રંથના લેખક. પ્રસ્તુત ગ્રંથમાં લેખકે જૈનાચાર્યોની પટ્ટપરંપરાનો કાલક્રમ દર્શાવ્યો છે. ગ્રંથના અંતભાગમાં તેમણે ગુજરાતના ચાવડા, ચૌલુક્ય (સોલંકી) તથા વાઘેલા રાજાઓની યાદી આપીને તેમના શાસનકાલની સાલવારી આપી છે. તેમાં કાલકાચાર્ય હરિભદ્રસૂરિ તથા જિનભદ્ર ક્ષમાશ્રમણનાં વર્ણનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(3) મેરુતુંગસૂરિ (ઈ. સ. 1347–1415) : અંચલગચ્છીય મહેન્દ્રસૂરિના પટ્ટધર. એમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથ રચ્યા છે. માણિક્યસુંદરસૂરિ અને માણિક્યશેખર તેમના શિષ્યો હતા. મેરુતુંગ સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ અને ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા હતા.

જયકુમાર ર. શુક્લ