મેરુરજ્જુચિત્રણ

February, 2002

મેરુરજ્જુચિત્રણ (myelography) : કરોડરજ્જુની આસપાસના પોલાણમાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને કરોડરજ્જુ(મેરુરજ્જુ)નું ચિત્ર મેળવવું તે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો આવેલાં છે. તેમને તાનિકાઓ (meninges) કહે છે. સૌથી બહારની ર્દઢતાનિકા (dura mater), વચલી જાલતાનિકા (arachnoid mater) અને અંદરની અથવા કરોડરજ્જુની સપાટી પર પથરાયેલી મૃદુતાનિકા (pia mater). જાલતાનિકા (arachnoid mater) અને તેની અને કરોડરજ્જુ પરની મૃદુતાનિકા (pia mater) વચ્ચેની જગ્યાને અવજાલતાનિકા અવકાશ (subarachnoid space) કહે છે. તેમાં ઍક્સ-રે-રોધી, આયોડિનયુક્ત અને પાણીમાં ઓગળી શકે (જલદ્રાવ્ય) તેવા દ્રવ્યને નાખીને ઍક્સ-રે ચિત્ર લેવાય તે પ્રક્રિયાને મેરુરજ્જુચિત્રણ કહે છે. સામાન્ય રીતે 8થી 15 મિલિ. જેટલા દ્રવ્યને (180થી 300 મિગ્રા./મિલિટર) કેડ કે ડોકના કરોડસ્તંભના મણકાઓ વચ્ચેની જગ્યામાંથી સોય નાખીને અવજાલતાનિકી અવકાશમાં પ્રવેશાવવામાં આવે છે. કેડના કરોડસ્તંભ વચ્ચેના મણકાઓ વચ્ચે છિદ્ર પાડી સોય નાખવાની ક્રિયાને કટિછિદ્રણ (lumbar puncture) કહે છે. તે માટે 22 ગૉજ કે તેથી પાતળી સોય વપરાય છે. દીપ્તિદર્શક (fluoroscent) પડદા પર ઍક્સ-રે-રોધી દ્રવ્યનું સ્થાન જોઈને દર્દીને ઊંચોનીચો ફેરવીને કરોડરજ્જુના જે ભાગના આકારનું ચિત્ર લેવાનું હોય ત્યાં તેને પહોંચાડાય છે. રૂઢિગત મેરુરજ્જુચિત્રણ(conventional myelography)માં વધુ સાંદ્રતાવાળું ઍક્સ-રે-રોધી દ્રવ્ય વધુ માત્રામાં વપરાય છે અને સ્થાનચિત્ર (spot films) તથા શીર્ષોપરિ (overhead) સાદાં ચિત્રો લેવાય છે. તે સમયે 4થી 8CGy જેટલો વિકિરણ-સંસર્ગ (radiation exposure) થાય છે. માટે તેને અતિવિકિરણ-સંસર્ગી (radiation intense) પ્રક્રિયા કહે છે. શક્ય હોય તો જનનગ્રંથિઓને ઍક્સ-રે-રોધી ઢાલથી સુરક્ષિત કરવી જોઈએ; પરંતુ ઘણી વખતે તે મુશ્કેલ બને છે. આ સમયે કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય અનુપ્રસ્થચિત્રણ (computerised axial tomography, CTScan) કરવાથી કરોડરજ્જુ અને તેમાંથી નીકળતા ચેતામૂળ(nerve roots)ને વધુ સારી રીતે દર્શાવી શકાય છે. તેને સીટી-મેરુરજ્જુચિત્રણ (CT myelography) કહે છે. જો ફક્ત સીટી-મેરુરજ્જુચિત્રણ એકલું જ કરવાનું હોય તો મંદ સાંદ્રતાવાળું દ્રવ્ય વપરાય છે અને ઓછા પ્રમાણમાં વિકિરણ સંસર્ગ થાય છે. તેથી વિશ્વમાં ઘણે સ્થળે રૂઢિગત મેરુરજ્જુચિત્રણને બદલે સીટી-મેરુરજ્જુચિત્રણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે 8 મિમી.નો જાડાઈવાળો ભાગ ચિત્રણમાં લેવામાં આવે છે.

સામાન્ય રીતે તેનો ઉપયોગ કરોડરજ્જુ અને મેરુનાલિકા(spinal canal)ના રોગોના અને તાનિકાઓના રોગોના નિદાનમાં કે કરોડરજ્જુની ર્દઢતાનિકામાં ધમની–શિરાની સંયોગનળી (arterio venous fistula) કે મસ્તિષ્ક-મેરુરજ્જુ તરલ (cerebrospinal fluid, CSF) નામના મગજ-કરોડરજ્જુની આસપાસના પ્રવાહીને વહેવડાવતી સંયોગનળી (fistula) થઈ હોય તેવા વિકારોના નિદાનમાં કરાય છે. રોગોની હાજરી તથા સ્થાન વિશે ઘણી ઉપયોગી માહિતી મળી શકે છે.

આ ઘણી સુરક્ષિત નિદાનકસોટી છે. જોકે ખોપરીમાં કોઈ રોગને કારણે દબાણ વધેલું હોય (અંત:કર્પરી અતિદાબ, increased intracranial tension) તો ક્યારેક મગજની મૃદુપેશી નીચે તરફ સરકે છે. તેને મસ્તિષ્કી મૃદુપેશીસરણ (brain hermiation) કહે છે. તે જીવનને જોખમી સ્થિતિનું સર્જન કરે છે. ક્યારેક જે આયોડિનયુક્ત ઍક્સ-રે-રોધી દ્રવ્ય વપરાયેલું હોય તેની સામે વિષમોર્જા (allergy) પણ મોટું સંકટ સર્જે છે. જો મેરુનલિકામાં કોઈ અટકાવ હોય તો (મેરુનલિકારોધ, spinal block) તેની નીચે થોડી માત્રામાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાખવાથી સ્થિતિ બગડવાની શક્યતા ઘટે છે. જો દર્દીને લોહી વહેવાનો વિકાર હોય કે તે રુધિરગંઠન થતું અટકાવતી ઔષધ-સારવાર લેતો હોય તો આ કસોટી ન કરવી હિતાવહ છે. મુખ્ય આડઅસરો કે આનુષંગિક તકલીફો રૂપે માથું દુખવું, ઊબકા કે ઊલટી થવી (40 % દર્દીઓ) મૂર્ચ્છા (syncope) આવી જવી વગેરે જોવા મળે છે. પાતળી સોય અને જલદ્રાવ્ય ઍક્સ-રે-રોધી દ્રવ્યનો ઉપયોગ માથું દુ:ખવા જેવી તકલીફ ઘટાડે છે. ક્યારેક દર્દી બેસે કે ઊભો રહે તો માથું દુ:ખે છે. તેને અંગવિન્યાસી શીર્ષપીડા (postural headache) કહે છે. નસ વાટે પ્રવાહી આપવાથી આ તકલીફ શમે છે. બહેરાશ આવવી, કરોડરજ્જુને ઈજા થવી, રાસાયણિક સંક્ષોભન(irritation)ને કારણે અસૂક્ષ્મજીવી તાનિકાશોથ (aseptic meningitis) કે મસ્તિષ્કશોથ (encephalitis) જેવા વિકારો થવા તથા જાલતાનિકાશોથ (arachnoditis) જેવા વિકારો થવાનું ભાગ્યે જ જોવા મળે છે. પેશીમાં પીડાકારક સોજો આવે ત્યારે તેને શોથનો વિકાર કહે છે.

ડોકમાંથી કરાતું પરીક્ષણ કે કમરના ઉપરના ભાગમાં કરાતું પરીક્ષણ ક્યારેક કરોડરજ્જુને ઈજા પહોંચાડે છે. ખાસ કરીને મેરુનલિકારોધ કે મેરુમસ્તિષ્કતરલ ઓછા પ્રમાણમાં હોય ત્યારે આવું ખાસ થાય છે. આવા સમયે ઍક્સ-રે-રોધી દ્રવ્યની ઓછી માત્રા વાપરીને સીટી-મેરુરજ્જુચિત્રણ કરવું વધુ હિતાવહ ગણાય છે. જો શોથજન્ય વિકાર ઉદભવે તો ખેંચ આવવી, માથું દુ:ખવું, શરીરનું તાપમાન અતિશય પ્રમાણમાં વધવું, ભ્રમણાઓ થવી, ખિન્નતા આવવી કે ચિંતામય સ્થિતિ ઉદભવવી વગેરે થાય છે. સામાન્ય રીતે આ વિકારો ઍક્સ-રે-રોધી દ્રવ્યની માત્રા (dose) વધે તો વધુ થવા સંભવ રહે છે. તેને થતું રોકવા જલદ્રાવ્ય દ્રવ્યનો ઉપયોગ, કસોટી કર્યા પછી થોડા કલાકો સૂઈ રહેવાને બદલે બેઠા રહેવાની સૂચના અને પુષ્કળ પ્રમાણમાં મોં કે નસ વાટે પાણી આપવા જેવા ઇલાજો કરાય છે. ઈજા ને ચેપથી, સ્થાનિક રુધિરસ્રાવ અને પેન્ટોપેક જેવાં મેદદ્રાવ્ય (oil soluble) કે મેટ્રિઝેમાઇડ જેવાં આયનીકૃત જલદ્રાવ્ય (ionic water soluble) ઍક્સ-રે-રોધી દ્રવ્યો વપરાય ત્યારે ક્યારેક જાલતાનિકાશોથનો વિકાર થાય છે; તેથી હાલ અનાયનીકૃત જલદ્રાવ્ય (nonionic water soluble) દ્રવ્યનો ઉપયોગ કરાય છે.

શિલીન નં. શુક્લ

સંદીપ શાહ