મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ

February, 2002

મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ (transverse myelitis) : કરોડરજ્જુમાં એકદમ થઈ આવતો (ઉગ્ર) કે ધીમેથી વિકસતો (ઉપોગ્ર) સોજાનો વિકાર. તેમાં શરૂઆતમાં ડોકમાં કે પીઠમાં દુખાવો થાય છે અને તે પછી પગમાં પરાસંવેદનાઓ (paresthesias), સંવેદનાક્ષતિ (sensory loss), સ્નાયુઓમાં નબળાઈ અને લકવો તથા મૂત્ર-મળના નિયંત્રણમાં ક્ષતિ ઉદભવે છે. સામાન્ય રીતે તે થોડા કલાકોમાં ઉદભવે તો તેને ઉગ્ર (acute) વિકાર કહે છે. ક્યારેક તેવું થતાં થોડા દિવસો જાય છે. તો તેને ઉપોગ્ર (subacute) વિકાર કહે છે. ક્યારેક વિકાર સામાન્ય પ્રકારની સંવેદનાક્ષતિ જેટલો જ સીમિત રહે તો ક્યારેક તે કરોડરજ્જુનાં બધાં કાર્યોની ક્ષતિ કરતો વિકાર થાય છે. આંશિક સ્વરૂપનો વિકાર સામાન્ય રીતે કરોડરજ્જુના પશ્ચસ્થ સ્તંભ (posterior colum) નામના ભાગને તથા અગ્રસ્થ મેરુચેતકીય ચેતાપથ(anterior spinothalamic tract)ને અસર કરે છે અથવા મધ્યરેખાથી એક બાજુના અર્ધરજ્જુ(hemicord)ને અસરગ્રસ્ત કરે છે. દુ:સંવેદનાઓ (dysaethesias) પગના નીચલા ભાગ(પાદ, foot)માંથી શરૂ થાય છે અને બંને પગમાં સરખી કે અસમાન રીતે ઉપર તરફ રહે છે. તે સમયે તે ગુલાં-બારના સંલક્ષણ હોય તેવો ભાસ કરે છે, પરંતુ તકલીફ વધીને ધડમાં કરોડરજ્જુના અસરગ્રસ્ત ભાગ પ્રમાણે સુસ્પષ્ટ રેખાથી અલગ પાડી શકાય તેટલા ભાગને અસર કરે છે. આવી રીતે ધડનો સુસ્પષ્ટ રેખાથી અસરગ્રસ્ત થયેલો ભાગ સૂચવે છે કે ચેતાવિકારનું કારણ કરોડરજ્જુમાંનો વિકાર છે. જો તીવ્ર વિકાર થાય તો મેરુરજ્જુ-આઘાત(spinal shock)ને કારણે બધી ચેતાપરાવર્તી ક્રિયાઓ પણ બંધ થઈ જાય છે; જોકે જેવો તે તબક્કો પતે એટલે પગમાં ચેતાપરાવર્તી ક્રિયાઓ વધુ ઝડપી બને છે. ચેતાપરાવર્તી ક્રિયાઓ બંધ થવાની સ્થિતિને અચેતાપરાવર્તન (areflexia) કહે છે અને વધુ તીવ્ર પ્રતિભાવની સ્થિતિને અતિચેતાપરાવર્તન (hyper reflexia) કહે છે. જો અચેતાપરાવર્તન લાંબો સમય રહે તો કરોડરજ્જુમાં અનેક સ્થળે કોષનાશ (necrosis) થયો છે, એવું સૂચવાય છે.

વિવિધ પ્રકારના વિષાણુજન્ય ચેપમાં કરોડરજ્જુના આગળ અને પાછળના ભાગમાં સોજો આવે છે અને તેથી અનુપ્રસ્થીય મેરુરજ્જુશોથ જેવી સ્થિતિ ઉદભવે છે. તેમાં ઉગ્ર પ્રકારની સ્નાયુ-નબળાઈ થાય છે. સતત સંકોચનીય લકવો (spastic paralysis) અને અતિચેતાપરાવર્તન થાય છે. જો તેમાં પણ શરૂઆતમાં પગ અચેતાપરાવર્તનીય (areflexic) અને વિશિથિલન (flaccidity) થાય છે. તેના કારણે તે સમયે પગના સ્નાયુ ઢીલા પડે છે, લકવાગ્રસ્ત થાય છે અને ચેતાપરાવર્તી ક્રિયાઓ ઘટી જાય છે અથવા બંધ થાય છે. જ્યારે સતત સંકોચનીય લકવો થાય ત્યારે પાદલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા(plantar reflex)માં પગના તળિયે બુઠ્ઠો તાર ઘસવાથી અંગૂઠો ઉપર તરફ વળે છે અને પગની આંગળીઓ પંખાના પાંખિયાની માફક છૂટી પડીને ફેલાય છે. આ બધા સમયે પીડા, તાપમાન, કંપન અને ઉપાંગસ્થિતિ (position) અંગેની સંવેદનાઓ પણ જતી રહે છે. મૂત્રાશય અને મળત્યાગ પરનું નિયંત્રણ પણ વિષમ બને છે. આ વિકાર કરતા ઘણા પ્રકારના વિષાણુઓ છે; પણ જેની રોગપ્રતિકારક્ષમતા બરાબર છે તેવી વ્યક્તિમાં તે હર્પિસ–સિમ્પ્લૅક્સ વિષાણુ–2, બેરિસીલા–ઝૉસ્ટર વિષાણુ તથા એપ્સ્ટિીન પાર વિષાણુથી થાય છે. માનવપ્રતિરક્ષા ઊણપકારી વિષાણુ (human immunodeficiency virus, HIV)ના ચેપથી થતો રોગપ્રતિકારક્ષમતાની ઊણપમાં સાયટો મેગોલો વિષાણુ મુખ્ય કારણ હોય છે. આશરે 40 % કિસ્સામાં અગાઉ લાગેલો ચેપ કે થોડા સમય પહેલાં અપાયેલી રસી કારણરૂપ હોય છે. આવી સ્થિતિમાં ઇન્ફ્લુએન્ઝા, ઓરી, વેરિસેલા, રુબિઓલી, ગાલલાપોટિયું (mumps), એપ્સ્ટિન–બાર, સાયટો મેગોલોના વિષાણુઓ કે માયકોપ્લાઝમા કારણરૂપ હોય છે. ઘણી વખતે દર્દી મૂળ વિષાણુ જ ચેપમાંથી પુન:સ્વાસ્થ્ય પ્રાપ્ત કરતો હોય ત્યારે અનુપ્રસ્થી મેરુરજ્જુશોથ થઈ આવે છે. તેવે સમયે ચેતાતંત્રમાં વિષાણુની હાજરી દર્શાવી શકાતી નથી, માટે તે સ્વકોષઘ્ની પ્રતિરક્ષાલક્ષી વિકાર (autoimmune disorder) છે એવું પણ મનાય છે. ક્યારેક બિલાડીજન્ય ઈજાથી થતા રોગમાં પણ અનુપ્રસ્થ મેરુરજ્જુ જેવો વિકાર થઈ આવે છે. અનુપ્રસ્થ મેરુરજ્જુશોથ કરતા અન્ય વિકારોમાં શિસ્ટોસોમિયાસિસ પ્રકારના સજીવોથી થતા ચેપનો સમાવેશ થાય છે.

કૅન્સરની સારવારમાં વપરાતી વિકિરણ ચિકિત્સા (radiotherapy) : ક્યારેક કરોડરજ્જુમાં કોષનાશ સર્જીને અનુપ્રસ્થ-મેરુરજ્જુશોથ સર્જે છે. વિકિરણજન્ય અનુપ્રસ્થી મેરુરજ્જુશોથના વિકારમાં પગની સતત વધતી નબળાઈ અને મૂત્રાશયની સંવેદના અને કાર્યક્ષતિ ઉદભવે છે; પરંતુ આવી ક્ષતિ કરોડરજ્જુના એક સ્તર (level) પૂરતી જ હોય છે. વિકિરણની સારવાર પછી વહેલામાં વહેલા 6 મહિને પરંતુ મોટેભાગે 12થી 24 મહિને લક્ષણો અને ચિહ્નો થઈ આવે છે. મેરુસુરંગિતા (syringomyelia) નામની વિકૃતિમાં કરોડરજ્જુમાં પોલાણ ઉદભવેલું હોય છે. તે જન્મજાત કે પાછળથી ઉદભવેલું (સંપ્રાપ્ત, aquired) એમ 2 પ્રકારનું હોય છે. કરોડરજ્જુને ઈજા થાય કે તેમાં અનુપ્રસ્થ મેરુરજ્જુશોથ થાય તો સંપ્રાપ્ત મેરુસુરંગિતા થઈ આવે છે. બહુસ્થાની ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) નામના રોગમાં ક્યારેક શરૂઆતના તબક્કામાં અનુપ્રસ્થ મેરુરજ્જુશોથનો વિકાર થઈ આવે છે. તે સમયે અગાઉ કોઈ ચેપ લાગ્યો હોય કે રસી મૂકી હોય એવું બનતું નથી. શ્વેતચેતાવરણ(myelin sheeth)નો નાશ થતો હોય એવો એક ડૅવિડનો રોગના નામે ઓળખાતા રોગમાં અનુપ્રસ્થી મેરુરજ્જુશોથની સાથે બંને બાજુ, સમાન વિકાર રૂપે ર્દષ્ટિચેતાશોથ (opticneuritis) થાય છે. વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus) તથા અન્ય શ્વેતતન્વિકા (collagen fiber) તથા નસોને અસરકર્તા શ્વેતતન્વિકાવાહિની રોગો– (collagen vacular disease)માં અનુપ્રસ્થ મેરુરજ્જુશોથ વારંવાર હુમલા મારે છે. આ જૂથના અન્ય રોગોમાં જોગ્રેનનું સંલક્ષણ, બેહસેટનો રોગ (Behcet’s disease) અને સાર્કોઇડતાનો સમાવેશ થાય છે. તેમાં ઉપોગ્ર વિકાર (subacute disorder) ઉદભવે છે અને કરોડરજ્જુમાં સોજો આવે છે.

ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI) કરવાથી કરોડરજ્જુ પરનો સોજો જોઈ શકાય છે. તેની મદદથી કરોડરજ્જુ પર બહારથી દબાણ નથી તે પણ દર્શાવી શકાય છે. જો વિરુદ્ધરૂપના ર્દશ્યવર્ધન(contrast enhancement of images)ની પ્રક્રિયા કરવાથી લોહી અને ચેતાતંત્ર વચ્ચેનો વિનિમયરોધ (રુધિર-મસ્તિષ્કી વિનિમયવિરોધ, blood-brain barrier) ઘટી ગયો છે કે કેમ તે પણ દર્શાવી શકાય છે. બહુસ્થાની ચેતાતંતુકાઠિન્યના રોગમાં મગજનો MRI કરવાથી નિદાન સુગમ બને છે. અનુપ્રસ્થ મેરુરજ્જુશોથમાં મગજ-કરોડરજ્જુની આસપાસનું મેરુ-મસ્તિષ્ક-તરલ (cerebrospinal fluid, CSF) સામાન્ય હોય છે. ક્યારેક તેમાં કોષોની સંખ્યા વધે છે. તેને બહુકોષિતા (pleocytosis) કહે છે. CSFમાં પ્રોટીનનું પ્રમાણ પણ સામાન્ય રહે છે.

સારવાર અંગે હાલ કોઈ પૂર્વનિરૂપિત અભ્યાસો (perspective trials) અંગેની માહિતી નથી. મધ્યમથી તીવ્ર વિકાર હોય તો નસ વાટે મિથાઇલ પ્રેડિનસોલોન (3 દિવસ) અને પાછળ મુખમાર્ગી પ્રેડિનસોલોન (થોડાંક અઠવાડિયાં) આપીને સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ

બશીર એહમદી