મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે.

મૅસિડોનિયા

1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો પ્રદેશ ગ્રીસ, સર્બિયા (વર્તમાન યુગોસ્લાવિયા) અને બલ્ગેરિયા વચ્ચે વહેંચાઈ ગયો હતો. ગ્રીક મૅસિડોનિયાનો વિસ્તાર 34,203 કિમી. જેટલો અને તેની વસ્તી 20 લાખ જેટલી છે. તેનો મોટો ભાગ મેદાની ભૂપૃષ્ઠવાળો છે, માત્ર ઉત્તર તરફનો ભાગ પહાડી છે. નેસ્તોસ, સ્ટ્રુમા અને વરદાર આ પ્રદેશની નદીઓ છે. તેનાં જળ મેદાની પ્રદેશને સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. સલોનિકા આ વિભાગનું પાટનગર, મોટામાં મોટું શહેર, બંદર તેમજ ઉત્પાદકીય મથક છે. પૂર્વ યુરોપનાં મૅસિડોનિયાનો વિસ્તાર 25,713 ચોકિમી. છે અને તે પૂર્વ યુરોપનાં  પ્રજાસત્તાક પૈકીનું એક છે. તેની વસ્તી પણ 20 લાખ જેટલી છે. સ્કૉપ્જે (Skopje) તેનું પાટનગર છે. બલ્ગેરિયન મૅસિડોનિયાનો વિસ્તાર 6,480 ચોકિમી. છે અને વસ્તી લગભગ 3.5 લાખ જેટલી છે. બ્લેગોવગ્રૅડ (Blagoevgrad) તેનું પાટનગર છે.

સરેરાશ રીતે જોતાં, મૅસિડોનિયાનું ભૂપૃષ્ઠ કેટલુંક પહાડી તો કેટલુંક મેદાની છે. અહીં ઓહરીદ, પ્રેસ્પા અને સ્કુતારી નામનાં સરોવરો આવેલાં છે. આ પ્રદેશની આબોહવા અંશત: ભૂમધ્યસમુદ્રીય છે. અહીંના ઉનાળા પ્રમાણમાં ગરમ રહે છે.

સમગ્ર મૅસિડોનિયાની કુલ વસ્તી અંદાજે 20,58,539 જેટલી છે. વસ્તીવિસ્તરણ આ પ્રમાણે છે : 66 % મૅસિડોનિયન જાતિવંશજો, 22 % આલ્બેનિયન, 5 % તુર્કો, 3 % રુમાનિયન, 2 % સર્બિયન અને 2 % મુસ્લિમ. અહીંના નિવાસીઓ પૈકી પુરુષોનો આયુદર 68 અને સ્ત્રીઓનો 72 વર્ષનો મુકાયો છે. સાક્ષરતાનું પ્રમાણ 90 % જેટલું છે. અહીંના લોકો મૅસિડોનિયન (બલ્ગેરિયન ભાષા સમકક્ષ) ભાષા બોલે છે. અહીંના 97.5 % લોકો રૂઢિચુસ્ત ખ્રિસ્તી છે, જ્યારે 2.5 % લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. બિટોલ્જ, પ્રિલેપ, કુમાનોવો અને ટેટોવો અહીંનાં નગરો છે, તો સ્કૉપ્જે અહીંનું પાટનગર છે. જેની વસ્તી શહેર – 5,06,926 અને મેટ્રો – 6,68,518 (2002) છે. સલોનિકા અને બ્લેગોવગ્રૅડ અહીંનાં મુખ્ય શહેરો છે. ઉત્તર ભાગમાં સ્લાવ લોકો અને દક્ષિણ ભાગમાં ગ્રીક લોકોનો વસવાટ છે.

મૅસિડોનિયાના મોટાભાગના લોકો ખેડૂતો છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઘેટાંબકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. અહીંના કૃષિપાકોમાં જવ, મકાઈ, ડાંગર, ઘઉં, કપાસ, તમાકુ, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાંથી તાંબા અને ક્રોમિયમનાં ખનિજો તથા લિગ્નાઇટ અને મૅગ્નેસાઇટ મળે છે.

ઇતિહાસ : ઈ. સ. પૂ. 2000ના અરસામાં થ્રેસિયન નામની યુરોપિયન જાતિના લોકો મૅસિડોનિયામાં આવ્યા હતા. ઈ. સ. પૂ. 1100 પછી આ પ્રદેશ ગ્રીક લોકોની સત્તા નીચે આવ્યો. ઈ. સ. પૂ. 338માં મૅસિડોનિયાના તત્કાલીન રાજા ફિલિપ બીજાએ ગ્રીક લોકોનું સંગઠન સાધી ઈરાની (પર્શિયન) પ્રદેશ પર આક્રમણ કરવાની તૈયારી કરી હતી. એના પુત્ર મહાન સિકંદરે ઈરાની સામ્રાજ્યને ખંડિયેર બનાવી તેના પર નવા વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરેલી. ઈ. સ. પૂ. 323માં સિકંદરના મૃત્યુ પછી એના સેનાપતિઓએ આ સામ્રાજ્યને પોતાની વચ્ચે વહેંચી લીધું.

ઈ. સ. પૂ. 148માં મૅસિડોનિયા રોમન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. 395માં રોમન સામ્રાજ્યનો અસ્ત થતાં તે બાયઝૅન્ટાઇન સામ્રાજ્યનો એક ભાગ બન્યું. નવમી સદીમાં અને તે પછી ચૌદમી સદીમાં તેના પર અનુક્રમે બલ્ગેરિયન અને સર્બિયન સામ્રાજ્યનો કબજો રહેલો. 1389થી 1912 સુધી આ પ્રદેશ તુર્ક લોકોના હાથમાં રહ્યો. આ સમય દરમિયાન મૅસિડોનિયામાં રહેતી બલ્ગેરિયન, ગ્રીક અને સર્બિયન પ્રજાએ ઑટોમન સામ્રાજ્ય સામે સંઘર્ષ કર્યો. 1912ના પ્રથમ બાલ્કન વિગ્રહમાં ઑટોમન સામ્રાજ્યનો પરાજય થયો, તેના પરિણામે મૅસિડોનિયા ગ્રીસ, બલ્ગેરિયા અને સર્બિયા વચ્ચે વહેંચાઈ ગયું. 1913માં બલ્ગેરિયાએ મૅસિડોનિયાનો વધુ પ્રદેશ મેળવવા બીજો બાલ્કન વિગ્રહ શરૂ કર્યો, પરંતુ અન્ય બાલ્કન રાજ્યો સામે તે હાર્યું. બંને બાલ્કન વિગ્રહ દરમિયાન બલ્ગેરિયાએ મૅસિડોનિયા પર આક્રમણ કરેલાં. પરંતુ બંને વખત ગ્રીક અને સર્બ લોકોએ એનાં દળોને હરાવીને મૅસિડોનિયામાંથી હાંકી કાઢ્યાં હતાં.

ઑહરિડ સરોવર, મૅસિડોનિયા

1918માં સર્બિયન ભાગ જે યુગોસ્લાવિયામાં જતો હતો તેને મૅસિડોનિયામાં સમાવાયો. સર્બિયન ભાષાને સત્તાવાર ભાષા બનાવી. 1941-44માં આ પ્રદેશ બલ્ગેરિયાએ કબજે કર્યો. 1945માં તે યુગોસ્લાવ સોશિયાલિસ્ટ ફેડરેશનમાં પ્રજાસત્તાક બન્યું. 1967માં સ્કૉપ્જેના રૂઢિચુસ્ત મૅસિડોન આર્કબિશપની સત્તા 200 વર્ષ અગાઉ જે તુર્કોએ રદ કરેલી તે પાછી મેળવી. 1980માં યુગોસ્લાવિયન નેતા ટીટોના મૃત્યુ બાદ રાષ્ટ્રીયતાનો ઉદય અને પ્રસાર થયો. 1990ની ચૂંટણીનાં પરિણામો મિશ્ર પ્રકારનાં આવ્યાં. 1991માં સ્વાતંત્ર્ય મેળવવા માટેનું સમર્થન મળ્યું. 1992માં સ્વતંત્રતા મળી. 1994-1995 સુધીમાં મહત્ત્વના દેશોએ તેને માન્યતા આપી. યુનાઇટેડ નેશન્સનું સભ્યપદ પણ તેને મળ્યું.

ઈ. સ. 1999માં બોરિસ ત્રાજકોવસ્કી પ્રમુખ ચૂંટાયો. ઈ. સ. 2001માં સરકારના લશ્કર અને આલ્બેનિયન બળવાખોરો વચ્ચે થયેલા સંઘર્ષને લીધે એક લાખ માણસો નિરાશ્રિત થયા. ઈ. સ. 2001માં સંસદે નવું બંધારણ સ્વીકાર્યું. ફેબ્રુઆરી, 2004માં પ્રમુખ ત્રાજકોવસ્કી ઍરોપ્લેનના અકસ્માતમાં માર્યો ગયો. જુલાઈ, 2006માં સંસદની ચૂંટણી થઈ. ઇન્ટર્નલ મૅસિડોનિયન રેવોલ્યુશનરી ઑર્ગેનિઝેશનને બહુમતી મળી; અને નિકોલા ગ્રુવસ્કી વડો પ્રધાન બન્યો. 2008માં થયેલ પ્રમુખપદની ચૂંટણીમાં જોર્જ ઇવાનૉવ બહુમતી મેળવીને જીત્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ