મૅસિડોનિયસ (ચોથી સદી)

February, 2002

મૅસિડોનિયસ (ચોથી સદી) : ચોથી સદીના કૉન્સ્ટૅન્ટિનોપલના ગ્રીક બિશપ. તેમણે એરિયનોના ટેકાથી રૂઢિચુસ્ત વિચારસરણીના બિશપ પાસેથી આ હોદ્દો છીનવી લીધો હતો. મૅસિડોનિયસ વિવાદાસ્પદ બિશપ હતા. તેમણે ઈ. સ. 360 સુધી આ હોદ્દો ધારણ કર્યો. તેમણે કૉન્સ્ટૅન્ટિનોપલના તેમના વિરોધીઓ એટલે કે રૂઢિચુસ્તોને દબાવી દીધા. રાજકીય મતભેદોને લીધે તેમને 360માં બિશપ-પદેથી દૂર કરીને દેશનિકાલ કરવામાં આવ્યા. રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇન બીજા (રાજ્ય-અમલ 337–361) સાથે તેમને અણબનાવ થયો હતો. મૅસિડોનિયન પંથના તેમના અનુયાયીઓ ઉપર પાંચમી સદીમાં, રાજસત્તા ધરાવતા નેસ્ટોરિયનોએ જુલમ ગુજાર્યો. મૅસિડોનિયન પંથના ઘણા લોકો પાછળથી રૂઢિચુસ્તોમાં ભળી ગયા હતા.

રસેશ જમીનદાર