મૅન્સન, ચાર્લ્સ (જ. 12 નવેમ્બર 1934, સિનસિનાટી, ઓહાયો) : અમેરિકામાં પોતાને નામે જ સ્થાપેલા સંપ્રદાયના વડા. 1967માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે મુક્ત પ્રણય-સહચારમાં માનનારો અને પોતાના પ્રત્યે એકનિષ્ઠ ભક્તિભાવ દાખવનારો એક સમુદાય અને તેના માટેનો એક સંપ્રદાય ઊભા કર્યા. તેમના સંપ્રદાયના અનુયાયીઓએ 1969માં કૅલિફૉર્નિયામાં સંખ્યાબંધ ઘૃણાસ્પદ ખૂન કર્યાં. તેમાં જાણીતી અભિનેત્રી શૅરોન ટેટ(1943–69)ના ખૂનનો પણ સમાવેશ થાય છે. આ ગુનાને કારણે તેમને અને તેમના સાથીઓને દેહાંતદંડની સજા કરવામાં આવી હતી; પરંતુ અમેરિકાની સુપ્રીમ કૉર્ટે મૃત્યુની સજા કરવા વિરુદ્ધ ચુકાદો આપવાથી તેઓ મોતની સજામાંથી ઊગરી ગયા હતા.
મહેશ ચોકસી