મૅન્સફીલ્ડ, કૅથરિન

February, 2002

મૅન્સફીલ્ડ, કૅથરિન (જ. 14 ઑક્ટોબર 1888, વેલિંગ્ટન, ન્યૂઝીલૅન્ડ; અ. 9 જાન્યુઆરી 1923, ફૅન્તેનબ્લૉ, ફ્રાન્સ) : બ્રિટિશ ટૂંકી વાર્તાનાં નિષ્ણાત લેખિકા. મૂળ નામ કૅથલીન મૅન્સફીલ્ડ બૉચેમ્ય, પણ સાહિત્યિક નામ ‘કૅથરિન મૅન્સફીલ્ડ’થી ઓળખાયાં. શિક્ષણ શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડમાં લીધું, અને 15 વર્ષની વયે ક્વીન્સ કૉલેજ, લંડનમાં પ્રવેશ લીધો. બે વર્ષ સુધી સંગીતનો પદ્ધતિસરનો અભ્યાસ કરેલો, પણ તેમની પ્રબળ ઇચ્છા સાહિત્યકાર થવાની હતી.

કૅથરિન મૅન્સફીલ્ડ

1909માં જ્યૉર્જ બાઉડન સાથે લગ્ન, પરંતુ થોડા દિવસોમાં પતિથી છૂટાં પડી ગયાં. ત્યારપછી એક વર્ષથી વધારે સમય વીત્યા બાદ મૃત બાળકને જન્મ આપ્યો. આ અનુભવને ‘ઇન અ જર્મન પેન્શન’ (1911) વાર્તાસંગ્રહમાં વણ્યો છે. એમની વાર્તાઓ પર ચેખૉવની અસર છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ પર એમનો મોટો પ્રભાવ છે. શરૂશરૂમાં એમની વાર્તાઓ ઑરેંજના ‘ન્યૂ એજ’માં પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તાઓ બાળપણનાં સ્મરણો પર આધારિત છે. ‘પ્રેલ્યૂડ’ (1918)માં કુટુંબકથાની સાંભરણો છે. ‘બ્લિસ ઍન્ડ અધર સ્ટોરિઝ’(1920)માં સંવેદનાથી ભરપૂર પણ નાજુક માનસિક સંઘર્ષ-તાણની વાર્તાઓ છે. આ દરમિયાન ‘રિધમ’ અને ‘ધ બ્લૂ રિવ્યૂ’માં વાર્તાઓ પ્રસિદ્ધ કરતી વખતે તે સામયિકોના પ્રમુખ સંપાદક મિડલટન મરીના સંપર્કમાં આવ્યાં, અને 1918માં એમની સાથે લગ્ન કર્યું. 1915માં તે અને મિડલટન થોડો સમય ઝૅનોરમાં ડી. એચ. લૉરેન્સના સાંનિધ્યમાં રહેલાં. ‘ધ ગાર્ડન પાર્ટી’ (1922) એમનો છેલ્લો વાર્તાસંગ્રહ છે. આમાંની કેટલીક વાર્તાઓ ‘ઍટ ધ બે’, ‘ધ વૉયેજ’, ‘ધ સ્ટ્રેન્જર’, ‘ડૉટર્સ ઑવ્ ધ લેટ કર્નલ’ વગેરેએ એમને મોટી ખ્યાતિ અપાવી. એમના ‘ધ ડવ્ઝ નેસ્ટ’ (1923) અને ‘સમથિંગ ચાઇલ્ડિશ’ (1924) વાર્તાસંગ્રહો મરીએ એમના મરણ બાદ પ્રકાશિત કર્યા હતા. આ ઉપરાંત ‘જર્નલ’ નામના સામયિકમાં મરીએ કૅથરિનની અપ્રસિદ્ધ વાર્તાઓ પ્રસિદ્ધ કરી હતી. વળી એમના પત્રો (1928, 1951) જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં નોંધટાંચણ સાથે પ્રસિદ્ધ કર્યા હતા. કૅથરિનને ક્ષયરોગની બીમારી, એમના અવસાન પર્યન્ત, પાંચ વર્ષ સુધી રહેલી. આ દરમિયાન તેઓ દક્ષિણ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ દર વર્ષે હવાફેર માટે જતાં હતાં.

ઈઅન એ ગાર્ડને ‘અનડિસ્કવર્ડ કન્ટ્રી : ન્યૂઝીલૅન્ડ સ્ટોરિઝ ઑવ્ કૅથરિન મૅન્સફીલ્ડ’ (1974) અને ‘ધ યુરેવારા નોટબુક’ (1979) પ્રસિદ્ધ કર્યાં છે. એ. આલ્પર્સે ‘કૅથરિન મૅન્સફીલ્ડ’ (1980) જીવનચરિત્ર લખ્યું છે. વી. ઓ. સલિવન અને એમ. સ્કૉટે ‘ક્લેક્ટેડ લેટર્સ’(1984)માં એમના પત્રોનું સંપાદન કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી