મેન્શેવિક : રશિયન સોશિયલ ડેમૉક્રૅટિક લેબર પાર્ટીના લઘુમતી ધરાવતા જૂથના સભ્યો માટે કરવામાં આવતું સંબોધન. સ્થાપના 1898. રૂસી ભાષામાં ‘મેન્શેવિક’ શબ્દનો અર્થ છે ‘લઘુમતી’. ઉપર્યુક્ત પક્ષ માર્કસવાદી પક્ષ તરીકે જાણીતો હતો, જેણે રશિયન ક્રાંતિને અને પછીથી રશિયન રાજ્યને વિચારસરણી અને નેતૃત્વ પૂરાં પાડ્યાં. પક્ષની સ્થાપનાનાં પાંચ વર્ષ બાદ 1903માં આ પક્ષનું એક અધિવેશન લંડન ખાતે યોજવામાં આવેલું. આ અધિવેશન લંડન ખાતે એટલા માટે યોજાયેલું કે તેના મોટાભાગના નેતાઓ દેશનિકાલ પામેલા હતા. આ અધિવેશન દરમિયાન પક્ષમાં બે જૂથો દેખાયાં, પરંતુ એ સમયે લેનિને રાજરમત ખેલીને 1906 સુધી પક્ષની એકતા ટકાવી રાખી.

આમ છતાં પક્ષનો એક નાનો વર્ગ માનતો હતો કે રશિયામાં માર્કસવાદી ક્રાંતિ અશક્ય છે; કારણ કે દેશ આર્થિક રીતે અવિકસિત છે. આ વર્ગ લઘુમતીમાં હોવાથી મેન્શેવિક તરીકે ઓળખાયો. આ વર્ગે કેટલાક સુધારાઓ અને આર્થિક પગલાં સૂચવ્યાં. જ્યારે લેનિનના નેતૃત્વ હેઠળના બૉલ્શેવિકો (બહુમતી) આવા કોઈ સુધારાઓ માટે તૈયાર ન હતા. ફેબ્રુઆરી, 1917ની ક્રાંતિ પછી મેન્શેવિકોએ બૉલ્શેવિકો વિરુદ્ધ વિધિસર રીતે પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો. પ્રારંભે આ મેન્શેવિકો ઘણા લોકપ્રિય હતા, પરંતુ ઑક્ટોબર, 1917ની ક્રાંતિ દરમિયાન બૉલ્શેવિકોએ મૂડીવાદી (બુઝર્વા) વર્ગની સાથે તેમને પણ ઉખેડી નાંખ્યા. (કેટલાક વિચારકોની ર્દષ્ટિએ આ ઘટના લેનિન દ્વારા થયેલ કૂ દેતા – coup D’etat – બળવો છે.) ક્રમશ: આ જૂથને રશિયામાં કચડી નાંખવામાં આવ્યું. આમ છતાં પ્રસંગોપાત્ત, મેન્શેવિકોની રાજકીય પ્રવૃત્તિ ચાલુ રહી. જોકે પછી 1921માં રશિયામાંથી અન્ય તમામ રાજકીય પક્ષો વિધિપૂર્વક નાબૂદ કરાતાં મેન્શેવિક જૂથનો પણ અંત આવ્યો.

રક્ષા મ. વ્યાસ