મિલિન્દ પણ્હ (મિલિન્દ પ્રશ્ન) : બૌદ્ધ ધર્મના અનુપિટક સાહિત્યનો મહત્વનો ગ્રંથ. મિલિન્દે (ગ્રીક રાજા મિનેન્ડરે) પૂછેલા પ્રશ્નોનું ભદન્ત નાગસેન નામના ભિખ્ખુએ જે સમાધાન કર્યું હતું તે આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેનો રચનાસમય ઈ. સ. પૂ.નો મનાય છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના મતે આ કૃતિ એક સળંગ રચના નથી, પરંતુ તેનું પ્રણયન વિવિધ લેખકો દ્વારા ભિન્ન ભિન્ન સમયે થયું હતું. પરિચ્છેદોની એકરૂપતાનો અભાવ તેમજ શૈલી તથા વિષયવસ્તુની વિભિન્નતાના કારણે એવું મનાય છે કે મૂળમાં તો આ ગ્રંથ નાનો જ હશે, પરંતુ પાછળથી તેમાં પરિવર્ધન થયું હશે. આ ગ્રંથ પહેલાં સંસ્કૃતમાં લખાયો હશે અને પછી તેનું પાલિમાં રૂપાંતર થયું હશે એવું પણ કેટલાક વિદ્વાનો માને છે.

મિલિન્દ પ્રશ્નનું વિષયવસ્તુ સાત વિભાગોમાં વિભાજિત છે : (1) બાહિર કથા, (2) લક્ખણ પણ્હો, (3) વિમતિચ્છેદન પણ્હો, (4) મેણ્ડક પણ્હો, (5) અનુમાન પણ્હો, (6) ધુત્તંગકથા, (7) ઓપમ્મકથા.

પ્રથમ અધ્યાય ભૂમિકા-સ્વરૂપે છે, જેમાં અભિધર્મ, વિનય અને સુત્ત (સૂત્ર) – એ ત્રણ પિટકો પર આધારિત અને વિચિત્ર ઉપમા અને યુક્તિથી કહેલી નાગસેનની વિચિત્રકથાને બુદ્ધશાસન સંબંધી સંદેહોના નિવારણ માટે સાવધાનીથી સાંભળવાનો અનુરોધ કર્યો છે. અહીં રાજા મિલિન્દની રાજધાની સાગલનું રમણીય કાવ્યમય વર્ણન છે. આ ગ્રંથની વિષયસૂચિ તેમજ નાગસેન અને મિલિન્દના પૂર્વ જન્મની કથાનો પણ તેમાં સમાવેશ છે.

બૌદ્ધદર્શનની આધારભૂમિ – અનાત્મલક્ષણની ચર્ચા બીજા પરિચ્છેદનો વિષય છે. રાજા મિલિન્દ છ બૌદ્ધ આચાર્યો સાથે વિવાદ કરી ચૂક્યો હતો, પણ તેના પ્રશ્નોનું સમાધાન નહોતું થયું. અહીં પ્રશ્નોત્તરમાં નાગસેને રજૂ કરેલી અનાત્મવાદની વ્યાખ્યા મહત્વપૂર્ણ છે. સમગ્ર બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધવચન સિવાય અનાત્મવાદનું આનાથી વધુ સુંદર, આકર્ષક અને ગંભીર વિવેચન મળતું નથી.

ત્રીજા પરિચ્છેદમાં રાજાના સંદેહો(વિમતિ)નું નિરાકરણ કરવામાં આવ્યું છે; જેમાં શું બધા નિર્વાણ પામી શકે,  શું બુદ્ધ અનુત્તર છે, શું તે સર્વદર્શી સર્વજ્ઞ છે,  શું તે બ્રહ્મચારી છે, કેટલા આકારોથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે, –  જેવા પ્રશ્નોના ઉત્તર અપાયા છે.

ચોથા પરિચ્છેદમાં મુખ્યત્વે ત્રિપિટક-બુદ્ધવચનમાં જે વિરોધો મળે છે તેના વિશે પ્રશ્નો છે. ઉપરથી વિરોધી લાગતાં ત્રિપિટકનાં વિભિન્ન વિવરણો કે બુદ્ધવચનોના વિરોધનો પરિહાર અને તેમાં સમન્વય-સ્થાપન અહીં રજૂ થયું છે.

પાંચમા પરિચ્છેદનો મુખ્ય ધ્વનિ એ છે કે ધર્મના અસ્તિત્વથી જ બુદ્ધના અસ્તિત્વનું અનુમાન કરી લેવું જોઈએ. અહીં ધર્મનગરનું સુંદર સાંગોપાંગ રૂપક મળે છે.

છઠ્ઠા પરિચ્છેદમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન પુછાયો છે : ‘શું કોઈ ગૃહસ્થ ઘર છોડ્યા વગર, વિષયોનો ભોગ કરતાં કરતાં શાંત, નિર્વાણપદને પામી શકે ?’ આના પ્રત્યુત્તર રૂપે તેર અવધૂત-નિયમોનું વિવેચન કરાયું છે.

સાતમા પરિચ્છેદમાં ‘ઓપમ્મ કથા પણ્હ’માં ઉપમાઓ દ્વારા અર્હત્વના સાક્ષાત્કાર માટે કેવી રીતે વિવિધ ગુણો કેળવવા એ બતાવ્યું છે.

અંતમાં મિલિન્દના બધા પ્રશ્નોનું સમાધાન થતાં તે બુદ્ધનો ઉપાસક બને છે.

દાર્શનિક અને ધાર્મિક ર્દષ્ટિએ આ મહાગ્રંથ છે પણ સાથે સાથે સાહિત્યિક અને ઐતિહાસિક ર્દષ્ટિએ પણ તે મહત્ત્વનો છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીની પ્રભાવશાળી ભારતીય ગદ્ય-શૈલીનો આ સર્વોત્તમ નમૂનો છે. કર્તાનો શબ્દાધિકાર, પ્રવાહી શૈલી, ઓજોમય શબ્દચયન, પ્રભાવશાળી કથનપ્રકાર, ઉપમાઓ અને યુક્તિઓ દ્વારા સ્વાભાવિક અલંકારવિધાન, સરળતા અને પ્રસાદગુણ – આ બધી બાબતો તેને ઉત્તમ સાહિત્યિક ગદ્યની પંક્તિમાં સ્થાન આપે છે.

ઇતિહાસની ર્દષ્ટિએ, વિશેષ કરીને પાલિ સાહિત્યના ઇતિહાસની ર્દષ્ટિએ એનું મહત્વ એ છે કે તેમાં પાલિ-ત્રિપિટકના વિવિધ ગ્રંથોનું નામ આપીને પાંચ નિકાયો, અભિધમ્મપિટકના સાત ગ્રંથો અને એનાં ભિન્ન ભિન્ન અંગોના નિર્દેશપૂર્વક અનેક અંશો આપવામાં આવ્યા છે. તેનાથી એ સ્પષ્ટ રીતે પ્રમાણિત થાય છે કે પાલિ-ત્રિપિટક ઈ. સ. પૂ. પ્રથમ શતાબ્દીમાં પોતાના એ જ નામથી પ્રખ્યાત હતા, જે આજે છે.

અહીં અનેક સ્થળોનાં વર્ણનો આવે છે; જેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, યવન, ભરુકચ્છ, ચીન, ગાન્ધાર, કલિંગ, કજંગલા, કોશલ, મથુરા, સાગલ, સાકેત, સૌરાષ્ટ્ર, વારાણસી વગેરેનો સમાવેશ થાય છે. તેથી કરીને તત્કાલીન ભારતીય ભૂગોળ પર પ્રકાશ પડે છે. વળી તેમાં તત્કાલીન ભારતીય સમાજનું પ્રતિબિંબ પડ્યું છે. ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ અને ભૂગોળ – આમ સમગ્ર ર્દષ્ટિએ જોતાં ભારતીય વાઙ્મય ઇતિહાસમાં ‘મિલિન્દ પણ્હ’ મહત્વનું સ્થાન ધરાવે છે.

સલોની નટવરલાલ જોશી