મિલિન્દ (રાજ્યકાલ : ઈ. સ. પૂ. 115–90) : મહાન ભારતીય-યવન રાજા. અનુ-મૌર્ય-કાલ દરમિયાન વાયવ્ય ભારતમાં ભારતીય યવન રાજાઓનું શાસન પ્રવર્ત્યું. આ રાજાઓમાં મેનન્દર અનેક રીતે સુપ્રસિદ્ધ છે. સિક્કા પરનાં લખાણોમાં એને ગ્રીક ભાષામાં ‘મેનન્દર’ અને પ્રાકૃત ભાષામાં ‘મેનન્દ્ર’ કહ્યો છે. એની રાજધાની સિયાલકોટના અસ્થિપાત્ર પરના પ્રાકૃત લેખમાં એને ‘મિનેન્દ્ર’ કહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં એ શાકલ(સિયાલકોટ)ના રાજા મિલિન્દ તરીકે પ્રસિદ્ધ છે. એ બાહલિક(બૅક્ટ્રિઆ)ના યવન રાજા દિમિત્ર જેવો પ્રતાપી હતો. એણે પૂર્વ ગંધાર તથા સિંધ અને ગુજરાત પર પોતાની સત્તા પ્રવર્તાવી. એના સિક્કા કાબુલ, સિંધ, પંચાલ અને ગુજરાતમાં મળે છે. ભૃગુકચ્છ(ભરૂચ)માં એના સિક્કા સૈકાઓ સુધી પ્રચલિત રહ્યા હતા. એ ઈ. પૂ. બીજી સદીના અંતભાગમાં રાજ્ય કરતો હતો.

મિલિન્દ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો ને બૌદ્ધ ભિક્ષુઓને આશ્રય આપતો. ‘મિલિન્દ-પણ્હ’ નામે પાલિ ગ્રંથમાં રાજા મિલિન્દે પૂછેલા પણ્હ (પ્રશ્ન) અને વિદ્વાન ભદન્ત નાગસેને આપેલા ઉત્તરોના સંવાદ રૂપે બૌદ્ધ ધર્મનું તત્વ નિરૂપવામાં આવ્યું છે. મેનન્દરના કેટલાક સિક્કાઓ પર એના માટે ‘ત્રાતાર’(ત્રાતા)નું તો બીજા કેટલાક સિક્કાઓ પર ‘ધ્રમિક’(ધાર્મિક)નું બિરુદ આવેલું છે. તે વિજેતા ઉપરાંત સારો વહીવટકર્તા પણ હતો. તેના રાજ્યના વિભાગો પાડી કાર્યક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી.

આમ મેનન્દ્ર ઉર્ફે મિલિન્દ એક મહાન ભારતીય-યવન રાજા હતો ને એણે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ અહીંની સંસ્કૃતિ અપનાવી હતી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી