મિન્હાજ સિરાજ જૂઝજાની (જ. 1193, ફીરુઝકૂહ, અફઘાનિસ્તાન; અ. 1267) : પ્રખ્યાત ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘તબકાત-ઇ-નાસિરી’ના લેખક, કવિ તથા સંતપુરુષ. મૌલાના મિન્હાજુદ્દીન બિન સિરાજુદ્દીન દિલ્હી સલ્તનતના શરૂઆતના ગુલામવંશના રાજ્યકાળ(1206–1290)ના એકમાત્ર ઇતિહાસકાર છે. તેમનો ઇતિહાસગ્રંથ તે સમયની વિગતવાર રાજકીય ભૂમિકા પૂરી પાડે છે. ધાર્મિક પવિત્રતા તથા વિદ્યા માટે પ્રખ્યાત એવા તેમના ખાનદાનનો સંબંધ જૂઝજાન વિસ્તાર સાથે હતો, તેથી તેઓ જૂઝજાની કહેવાય છે. આ જૂઝજાન વિસ્તાર હાલના અફઘાનિસ્તાનમાં હિરાત શહેરની ઉત્તરે આવેલો છે. તેમના પિતા સિરાજુદ્દીન વિદ્વાન હતા અને કાજીનો હોદ્દો ધરાવતા હતા. તેમનાં માતા રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવતાં હતાં. તેમના પિતાના અવસાન (1216) પછી મિન્હાજને જુદા જુદા પ્રકારના રાજકીય હોદ્દાઓ પ્રાપ્ત થયા હતા. તેઓ 1227માં હિન્દ આવ્યા અને પંજાબના ઉચ્છ શહેરમાં વસવાટ કર્યો. ગુલામવંશના સુલતાન નાસિરુદ્દીન કુબાચા (મુલતાન) (1210–1228), સુલતાન મુઇઝ્ઝુદ્દીન બેહરામશાહ (દિલ્હી) (1240–1242), સુલતાન અલાઉદ્દીન મસૂદશાહ (1242–1245) અને સુલતાન નાસિરુદ્દીન મહમૂદે (1245–1265) તેમને આશ્રય આપ્યો હતો. દિલ્હીના સુલતાન મુઇઝ્ઝુદ્દીને તેમને સમગ્ર સલ્તનતના કાજી (ન્યાયાધીશ) બનાવ્યા હતા. મૌલાના મિન્હાજ વિદ્યાની સાથોસાથ બીજા અનેક ગુણ ધરાવતા હતા; તેથી સુલતાનો, અમીર-ઉમરાવો તથા સામાન્ય પ્રજાજનો પણ તેમને ઘણું માન આપતા હતા. મિન્હાજ સિરાજે 70 વર્ષની પરિપક્વ ઉંમરે 1260માં પોતાનો જગપ્રસિદ્ધ ઇતિહાસ ‘તબકાત-ઇ-નાસિર’ પૂર્ણ કરીને સુલતાન નાસિરુદ્દીન મહમૂદને અર્પણ કર્યો હતો. આ ગ્રંથને એક ઉપયોગી ઇતિહાસ તરીકે આવકારવામાં આવ્યો છે. આ ગ્રંથના કુલ 23 વિભાગો છે; જેમાં સૃષ્ટિના સર્જનથી 1260 સુધીની જગત-ઇતિહાસની મહત્વની રાજકીય ઘટનાઓ વર્ણવવામાં આવી છે. તેના મહત્વના વિભાગોમાં ગઝનવી, ઘોરી તથા ગુલામવંશના સુલતાનો અને અમીર-ઉમરાવોના ઇતિહાસને આવરી લેવામાં આવ્યો છે. ગુલામવંશ તથા હિન્દ ઉપરના પ્રારંભિક મૉંગોલ હુમલાઓનો આ એકમાત્ર આધારગ્રંથ હોવાથી તે અનેક વાર ફારસીમાં છપાયો છે તથા તેના અંગ્રેજી અને ઉર્દૂમાં અનુવાદ પણ થયા છે. ફારસીમાં 1864માં તથા 1949માં. અંગ્રેજીમાં મેજર એચ. જી. રાવર્ટીએ 1881માં આ ઇતિહાસ છપાવ્યો હતો. મિન્હાજ સિરાજે પોતાના સમયની પ્રચલિત ગદ્ય-શૈલીથી ઊલટું, અત્યંત સાદી અને સરળ ભાષામાં આ ઇતિહાસની રચના કરી છે. લેખક પોતે મધ્ય યુગની ભારત-અફઘાનિસ્તાન-મધ્ય એશિયાની રાજકીય ઘટનાઓથી અંગત રીતે વાકેફ હતા. તેથી તેમનાં વર્ણનો આધારભૂત છે; પરંતુ આ વર્ણનો માત્ર રાજકીય ઘટનાઓ પૂરતાં મર્યાદિત છે અને તેમાં સાંસ્કૃતિક કે વિદ્યાકીય ઘટનાઓનો અહેવાલ નથી. મિન્હાજ સિરાજ કવિ પણ હતા અને તેમણે જુદા જુદા પ્રસંગોએ સુલતાનોની – અમીર–ઉમરાવોની પ્રશંસા રૂપે કસીદા-કાવ્યો રચ્યાં હતાં.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
મહેબૂબ દેસાઈ