મિ ફેઇ (જ. 1051, હુવાઈ–યાં, કિન્ગ્સુ, ચીન; અ. 1107, હુવાઈ–યાં, કિન્ગ્સુ, ચીન) : ચીની ચિત્રકાર, સુલેખનકાર (caligrapher), કવિ અને વિદ્વાન. તેમનાં માતા સુંગ રાજા યીંગ ત્સુંગની ધાવમાતા હોવાથી રાજમહેલમાં તેમનો ઉછેર થયો હતો. અફસર તરીકેની કારકિર્દીમાં મિનો કદી ઉત્કર્ષ થયો નહિ અને વારંવાર તેમની બદલીઓ થતી રહી.

રૈખિક નિસર્ગચિત્રોની સુંગ સમયની શૈલીને અવગણીને મિએ વૉશ-પદ્ધતિથી (રંગોને કાગળ-કાપડ પર લપેડતાં પહેલાં તે કાગળ-કાપડને પાણીથી પલાળીને) ગિરિવનોનાં પ્રગાઢ ધુમ્મસ, વાદળાં અને વરસાદનું આલેખન કરવાની મૌલિક શૈલીનો આવિષ્કાર કર્યો. હોનાન પ્રાંતમાં આલેખેલાં આ પદ્ધતિનાં તેમનાં ચિત્રો ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યાં; તેમાં વાદળોથી છવાયેલા ઊંચા પર્વતો નજરે પડે છે. હાલમાં વૉશિંગ્ટન ડી.સી.ની ફ્રીઅર આર્ટ ગૅલરીમાં સંગ્રહ પામેલ ચિત્ર ‘ટાવર ઑવ્ ધ રાઇઝિંગ ક્લાઉડ્ઝ’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે.

અમિતાભ મડિયા