મિન્સ્ક : બેલારુસ(બાયલોરશિયા)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 54° 30´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.. આ શહેર મૉસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 755 કિમી. અંતરે વૉર્સો (પોલૅન્ડ) જતા રેલમાર્ગ પર સ્વિસ લોશ નદીકાંઠે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 40,800 ચોકિમી.. મિન્સ્કમાં આવેલાં કારખાનાંમાં બૉલબેરિંગ, યાંત્રિક ઓજારો, પિટ(કનિષ્ઠ કોલસા)ના ખનન માટેનાં યાંત્રિક સાધનો, રેડિયો, ટ્રક અને ટ્રૅક્ટરનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત ઝડપથી મકાનો બનાવવાનાં માળખાં તેમજ રાચરચીલું પણ બને છે. આ શહેરમાં બેલારુસની રાજ્ય યુનિવર્સિટી, તબીબી અને પૉલિટૅક્નિકની સંસ્થાઓ, વિજ્ઞાન અકાદમી, રાજ્યસંગ્રહાલય, ઑપેરા તથા નૃત્યનાટિકાનાં થિયેટરો આવેલાં છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરની ખૂબ તારાજી થયેલી. યુદ્ધ બાદ મિન્સ્કમાં નવાં કારખાનાં અને મકાનો બન્યાં છે તેમજ તેનો વિસ્તાર પણ વધ્યો છે. મિન્સ્ક શહેરની વસ્તી 2012 મુજબ 20,02,600 જેટલી, જ્યારે જિલ્લાની વસ્તી 32,44,400 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા