મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો
વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે; જેમાં તેનાં વ્યક્તિત્વલક્ષી, ઊર્મિલક્ષી અને પ્રેરણાલક્ષી પરિબળો હોય છે. આ બંને પ્રકારનાં આગવાં પરિવૃત્તોની સાથે વ્યક્તિ જે સમાજમાં હોય તેને લગતાં પરિબળો પણ તેના પર અસર કરે છે. તેમાં સામાજિક સમર્થન (support), જીવનઘટનાઓથી ઉદભવતો તણાવ અને સામાજિક મૂલ્યોનો સમાવેશ થાય છે. તે તેનું સામાજિક પરિવૃત્ત બનાવે છે. આ ત્રણેય પ્રકારનાં પરિવૃત્તોની આંતરક્રિયાને કારણે માનવીના મન તથા શરીર પર ચોક્કસ પ્રકારની અસરો ઉદભવે છે (આકૃતિ 1).
આ સઘળાં પરિબળોના સમૂહનો મન-તન-સંબંધની વિભાવનામાં સમાવેશ થાય છે. આ પરિબળોની આંતરક્રિયા માનવીના શરીરમાં વિકારો સર્જે છે. તેમને મન-તન-સંબંધી વિકારો કહે છે. તેમાં માનસિક વિકારો કે પરિબળોને કારણે થતા શારીરિક વિકારોનો અને શારીરિક રોગોમાં ઉદભવતી માનસિક તકલીફોનો સમાવેશ થાય છે. તેને મુખ્ય 2 જૂથમાં વિભાજિત કરાય છે : (1) તણાવ, ચિંતા, શોકજનક સ્થિતિ જેવા માનસિક વિકારો કે માનસિક પરિબળો (દા.ત., વિશિષ્ટ પ્રકારના વ્યક્તિત્વ)ને કારણે થતા શારીરિક રોગો અને વિકારો (દા.ત., દમ, હૃદયરોગનો હુમલો, વગેરે) થાય તો તેમને મનોદૈહિક વિકારો (psychosomatic disorders) કહે છે. (2) ક્યારેક કેટલાક માનસિક વિકારોમાં શારીરિક લક્ષણો ઉદભવે છે. તેમને દેહલક્ષી મનોવિકારો (somatoform disorders) કહે છે; દા.ત., પોતે બીમાર છે એવી ખોટી માન્યતા ધરાવવી અને તેને કારણે વિવિધ શારીરિક લક્ષણોથી પીડાવું તેને વ્યાધિભય (hypochondriasis) કહે છે. (3) આ ઉપરાંત એક ત્રીજા જૂથ તરીકે કેટલાક વિકારો અને રોગોમાં પણ મન-તન-સંબંધ વિષમ થયેલો હોય છે; જેમ કે, કેટલાક શારીરિક રોગોમાં મનશ્ચિકિત્સાવિદની મદદની જરૂર પડે છે; કેમ કે, દર્દીને માનસિક વિકારો અથવા લક્ષણો થઈ આવેલાં હોય છે. આવું લાંબી સારવાર માંગી લેતા રોગોમાં કે અપંગતા લાવતા રોગોમાં વધુ થાય છે. દાખલા તરીકે હૃદયરોગનો હુમલો થાય તે પછી જ્યારે ઘનિષ્ઠ સારવાર કક્ષમાં સારવાર અપાય ત્યારે ક્યારેક કોઈ એકાદ દર્દીને સનેપાત થઈ આવે છે.
(1) મનોદૈહિક વિકારો (psychosomatic disorders) : મનોદૈહિક વિકારો જુદી જુદી બે રીતે થાય છે : (અ) ક્યારેક કેટલાંક માનસિક પરિબળો શારીરિક વિકારો કે રોગો સર્જે છે, તો (આ) ક્યારેક કેટલાક માનસિક રોગોમાં શારીરિક વિકારો થાય છે : (1-અ) માનસિક પરિબળોને કારણે ઉદભવતા મનોદૈહિક વિકારો : 1977માં જ્યૉર્જ એન્જેલે મનોજૈવ સામાજિક આંતરક્રિયાનું પ્રરૂપ (model) સૂચવ્યું હતું, જેના પરિણામે મન-તન-વિકારો થવાની સંભાવના સમજાવી હતી. આ અગાઉ 1918માં હિનોયે મનોદૈહિક વિકારો (psychosomatic diseases) – એવી સંજ્ઞા પ્રયોજી હતી. તેમાં એવા વિવિધ દૈહિક રોગો અને વિકારોનો સમાવેશ કરાયો હતો કે જેમાં માનસિક અને સામાજિક પરિબળો મહત્વ ધરાવતાં હોય. મોટાભાગના રોગોમાં માનસિક અને સામાજિક પરિબળો સક્રિય હોય છે, પરંતુ એક ટૂંકી અને અર્થપૂર્ણ યાદી બનાવવા માટે ફક્ત એવા રોગોને પસંદ કરાય છે, જેમાં માનસિક અને સામાજિક વાતાવરણના તણાવોને કારણે તેઓ થયા હોય અથવા તો તેમાં ઉગ્રપણે વધારો થયો હોય. ફ્રૅન્ક ઍલેક્ઝાન્ડરને મનોદૈહિક તબીબીવિદ્યા(psychosomatisation medicine)ના પિતા ગણવામાં આવે છે. તેમણે મૂળ 7 રોગોનો તેમાં સમાવેશ કર્યો હતો : (1) શ્વસની દમ (bronchial asthma), (2) વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis), (3) પચિતકલાવ્રણ (peptic ulcer), (4) ચેતાલક્ષી ત્વકશોથ (neurodermatitis), (5) અતિગલગ્રંથિતા (thyrotoxicosis), (6) આમવાતી સંધિશોથ (rheumatoid arthritis) તથા (7) અજ્ઞાતમૂલ અતિરુધિરદાબ (essential hypertension). જોકે હાલ આ સૂચિમાં બીજા અનેક રોગોનો સમાવેશ કરાયેલો છે. જુઓ સારણી 1.
સારણી 1 : કેટલાક સામાન્ય રીતે જોવા મળતા મનોદૈહિક વિકારો
ક્રમ | જૂથ અને ઉદાહરણ | નોંધ |
1. | હૃદયના અને નસોના રોગો | |
|
અજ્ઞાતમૂલ અતિરુધિરદાબ | લોહીનું ઊચું દબાણ |
મુકુટધમનીરોગ (coronary artery disease) | હૃદયની ધમનીમાંના રુધિરાભિસરણમાં અવરોધ | |
ઘનિષ્ઠ સારવાર કક્ષમાં સનેપાત (delirium) | હૃદયરોગની સારવાર કે હૃદય પરની શસ્ત્રક્રિયા પછી થતો સનેપાત | |
આધાશીશી (migraine) | માથું દુખવાની તકલીફવાળો એક રોગ | |
2. | અંત:સ્રાવી રોગો | |
|
મધુપ્રમેહ | ગ્લુકોઝની રુધિરસપાટીમાં થતો વધારો, ઇન્સ્યુલિનની ઘટતી અસર |
અતિગલગ્રંથિતા (hyperthyroidism) | ગલગ્રંથિ(thyroid gland)નું વધી ગયેલું કાર્ય | |
ઋતુસ્રાવનિવૃત્તિકાળ સંલક્ષણ (menopausal syndrome) | ઋતુસ્રાવ આવવો કાયમ માટે બંધ થાય તે ઉંમરે સ્ત્રીઓમાં જોવા મળતા વિકારોનો સમૂહ. | |
ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea) | ટૂંકા ગાળા માટે ઋતુસ્રાવ થતો બંધ થાય. | |
અતિઋતુસ્રાવતા (menorrhagia) | ઋતુસ્રાવમાં વધુ પડતું લોહી પડે. | |
3. | જઠર-આંતરડાંના રોગો | |
|
પચિતકલાવ્રણ (peptic ulcer) | જઠર અને પક્વાશય(duodenum)માં પડતું ચાદું |
વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis) | માનસિક વિકારને કારણે લોહી સાથેના ઝાડા | |
4. | પ્રતિરક્ષાલક્ષી વિકારો (immune disorders) રોગો | |
|
વ્રણકારી સ્થિરાંત્રશોથ વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE) જેવા સ્વકોષઘ્ની વિકારો (autoimmune disorders) | પ્રતિરક્ષાતંત્રના વિકારને કારણે પોતાના જ કોષોને મારી નાંખતા રોગો અને વિકારો |
દમ અને ઍલર્જિક તાવ જેવા (ઍલર્જિક) રોગ | વિષમોર્જા(allergy)થી થતા રોગો | |
5. | હાડકાં અને સ્નાયુઓના રોગો | |
આમવાતી સંધિશોથ (rheumatoid arthritis, SLE) | સ્વકોષઘ્ની રોગને કારણે હાડકાં, સાંધા અને સ્નાયુઓને થતી ઈજાવાળા રોગો | |
6. | શ્વસનતંત્રના રોગો | |
ઍલર્જિક નાસિકાશોથ (rhinitis) અથવા શરદી | – | |
7. | ચામડીના રોગો અને વિકારો | |
સોરાયસિસ, ખૂજલી, શીળસ, ખીલ, ઊંદરી (alopecia- aerate), મનોવિકારી રુધિરછાંટ (purpura), લાયકન પ્લેનસ, વિષાણુજ-મસા (warts) | – |
શ્વસની દમ અથવા દમના રોગમાં દર્દીને ઍલર્જી(વિષમોર્જા)ને કારણે શ્વાસોચ્છવાસની તકલીફના વારંવાર હુમલા થઈ આવે છે. ઝાડામાં વારંવાર લોહી પડે તેવાં લક્ષણોવાળા રોગને વ્રણકારી સ્થિરાંત્રશોથ કહે છે. જઠર કે પક્વાશય(duodenum)માં ચાંદું પડે તેવા રોગને પચિતકલાવ્રણ કહે છે. માનસિક વિકારોને કારણે ચામડીમાં થતી તકલીફને ચેતાલક્ષી ત્વકશોથ કહે છે. ગળામાં આવેલી ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય વધી જાય તેવા રોગને અતિગલગ્રંથિતા કહે છે. પોતાના કોષોને મારતા (સ્વકોષઘ્ની) અને ખાસ કરીને સાંધાઓને અસર કરતા રોગને આમવાતી સંધિશોથ કહે છે. લોહીનું દબાણ ઊંચું હોય અને તેનું કોઈ કારણ ખબર ન પડે તો તેને અજ્ઞાતમૂલ અતિરુધિરદાબ કહે છે. હૃદયરોગ થવાની સંભાવનાને વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સરખાવીને એક વિભાવના દર્શાવવામાં આવી છે કે ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિને તે રોગનો શિકાર થવાની સંભાવના વધુ રહે છે. આવા વ્યક્તિત્વને હૃદયરોગવશ્ય વ્યક્તિત્વ કહે છે.
(1–અ) હૃદયરોગવશ્ય વ્યક્તિત્વ (coronary prone type A personality) : હૃદયની ધમનીમાં અવરોધ થાય ત્યારે હૃદયના સ્નાયુનો થોડો ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્સ્નાયુપ્રણાશ (myocardial infarction) અથવા સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો કહે છે. આ રોગ કેટલુંક ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આ પ્રકારના વ્યક્તિત્વને હૃદયરોગવશ્ય વ્યક્તિત્વ કહે છે. તેનાં મુખ્ય લક્ષણો : ઉતાવળિયાપણું (time-urgency), સ્વકેન્દ્રિતતા (self-centredness), વેરવિરોધિતા (hostility) અને અતિશય સ્પર્ધાત્મકતા (excessive competition). આવી વ્યક્તિ હંમેશાં બીજી વ્યક્તિના ઇરાદાને શંકાથી જુએ છે અને જો તેમના પોતાના વિચાર કે હેતુની પરિપૂર્તિ ન થાય તો ક્રોધિત થઈ જાય છે. તેઓ સતત અનેક કાર્યોને સંપન્ન કરવા માટેનો સંઘર્ષ કરે છે અને સમય તથા સંજોગોથી ઉદભવતી મર્યાદાને ઓળંગવા પ્રયત્ન કરે છે. તેમનું ઉતાવળિયાપણું તેમની ખાવાની, નાહવાની તથા બોલવાની ક્રિયામાં પણ દેખાય છે. તેમનામાં વધુ પ્રમાણમાં માનસિક ક્રિયાશીલતા (psychomotor activity) જોવા મળે છે. આ પ્રકારના વ્યક્તિત્વને ‘ક’ પ્રકાર(type A)નું વ્યક્તિત્વ કહે છે. તેનાથી વિપરીત રીતે ધીમેથી કામ કરતી અને કોઈ ખાસ હેતપૂર્ણ કાર્ય કરવાની ઓછી ઇચ્છા ધરાવતી વ્યક્તિ (‘ખ’ પ્રકાર–type B–નું વ્યક્તિત્વ) પરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે, સામાન્ય ધારણાની વિરુદ્ધ, તેવી વ્યક્તિઓ વધુ સફળ રહે છે. ‘ક’ પ્રકારના વ્યક્તિત્વવાળી વ્યક્તિઓને પોતાના વ્યક્તિત્વની ખામીની ખબર હોય છે અને તેથી ક્યારેક તેઓ પોતે તેની સારવાર માટે આવે છે. ક્યારેક તેમને હૃદયરોગનો હુમલો થઈ આવે તે પછી તેમની સારવાર શરૂ થાય છે. તેમની સારવારમાં મન:શિથિલન(mental relaxation)ની પદ્ધતિઓ વપરાય છે જેની મદદથી અજંપો (restlessness) અને ચિંતા (anxiety) ઘટાડી શકાય છે. તેમાં યોગ, જૅકબસનની સતતવર્ધનશીલ (progressive) શિથિલનની પદ્ધતિ, સ્વસંમોહનાવસ્થા (self-hypnosis), પારમનસ્ક ધ્યાનાવસ્થા (transcendental meditation) તથા જીવ પ્રતિપોષણ- (biofeedback)ની પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત વર્તન-સુધારણાની પદ્ધતિ પણ વપરાય છે. સારવાર વ્યક્તિગત ધોરણે કે સમગ્ર જૂથને અપાય છે.
(1–આ) માનસિક વિકારોને કારણે ઉદભવતા મનોદૈહિક વિકારો : માનસિક વિકારોને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે : સૌમ્ય મનોવિકાર (neurosis) અને તીવ્ર મનોવિકાર (psychosis). માનસિક વિકારોમાં પણ વિવિધ પ્રકારનાં શારીરિક લક્ષણો અથવા તકલીફો ઉદભવે છે; જેમ કે, મનોવિકારી ચિંતા(anxiety neurosis)ના દર્દીમાં ધ્રુજારી (કંપન), અજંપો, સ્નાયુ ફરકવા (muscle twitchings), ભયદર્શી મુખભાવ, હૃદયના ધબકારા અનુભવવા (palpitation), હૃદયના ધબકારા વધવા, પરસેવો વળવો, ગરમીના ચમકારા થવા, શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી, ઝડપથી શ્વાસ લેવો, મોં સુકાવું, વારંવાર પેશાબની હાજતે જવું, પેશાબની શરૂઆતમાં અટકાવ, અંધારાં આવવાં, ઝાડા થવા વગેરે શારીરિક લક્ષણો અને ચિહ્નો જોવા મળે છે. આવી જ રીતિ વિવિધ માનસિક રોગોમાં જુદાં જુદાં શારીરિક લક્ષણો થઈ આવે છે, જે સમયે અન્ય કોઈ શારીરિક રોગ સાથે સાથે થયો છે કે નહિ તેની ખાતરી કરી લેવાય છે. મનોવિકારી ચિંતાની માફક દુ:ખદ પ્રસંગ વખતે ઉદભવતી શોકની લાગણી એક વિશિષ્ટ માનસિક પ્રતિભાવ છે, જેમાં વિવિધ પ્રકારની શારીરિક તકલીફો થાય છે.
શોક (grief) : નજીકની વ્યક્તિ કે આત્મસન્માન ગુમાવી દેવાય ત્યારે લગભગ બધાને થતી ટૂંકા સમયની અને આપોઆપ શમતી ઉદ્વેગજનક ભાવનાને શોક કહે છે. સામાન્ય રીતે તેને માટે કોઈ સારવારની જરૂર હોતી નથી. ક્યારેક ગુમાવી દેવાની સ્થિતિ પછી આઘાત(shock)ની એક સ્થિતિ સર્જાય છે, જેમાં જાણે માનસિક બહેરાશ અથવા ખાલીપણું (mental numbness) આવી જાય છે. આવી સ્થિતિ થોડા કલાકોથી માંડીને બે-એક અઠવાડિયાં રહે છે; પરંતુ ત્યારબાદ શું ગુમાવ્યું છે તેની સ્પષ્ટ ઝાંખી થાય ત્યારે શારીરિક અને માનસિક વિકારો (ખાસ કરીને ખિન્નતા) થઈ આવે છે. શોકજન્ય ખિન્નતાને અંતર્જાત ખિન્નતા(endogenous depression)થી અલગ પડાય છે. અંતર્જાત ખિન્નતા એક મહત્વનો માનસિક રોગ છે. આ બંને વિકારોમાં શારીરિક રોગ થવાની સંભાવના વધે છે. તે સમયે વ્યક્તિ ડૂસકાં ભરે, ઊંડા શ્વાસ લેવામાં તકલીફ અનુભવે, મૂંઝારો અનુભવે, તેને અશક્તિ લાગે, તેની ધ્યાનકેન્દ્રિતતા (focus of attention) ઘટે તથા તેની ભૂખ મરી જાય તેવું બને છે. આવાં લક્ષણો 4થી 6 અઠવાડિયાં રહે છે; પરંતુ ક્યારેક તે 6 મહિના સુધી લંબાય છે. સામાન્ય રીતે મૃત વ્યક્તિની યાદ મન પર છવાયેલી રહે છે. તેની સુંદર માનસિક છાપો, સુંદર સ્વપ્નાં અને તેનું આદર્શપણું સતત યાદ આવે છે. તેનું નકારાત્મક પાસું ભુલાયેલું રહે છે. જોકે આવું માનસિક આચ્છાદન (preoccupation of mind) રાહત આપે છે. ઘણી વખતે તે તેની હાજરીનો અનુભવ કરે છે અને તે સમયે તે સમાજમાંથી પોતાની જાતને દૂર કરે છે. તેનામાં સ્વદોષભાવના ઉદભવે છે. ક્યારેક તે બીજાઓનો વિરોધ કરે છે. ક્યારેક તે ભય, નિષ્ફલિતતા (futility) અને કંટાળો અનુભવે છે, પોતાનાં કાર્ય અને પોતાની જાત તરફ દુર્લક્ષ સેવે છે, અનિદ્રાનો શિકાર બને છે અને આત્મઘાતી વલણ ધરાવે છે. ક્યારેક શોક રોગરૂપ (morbid) બની જાય છે. વધુ પડતો શોક, વધુ સમય સુધી ચાલતો શોક, મોડેથી ઉદભવતો શોક, દબાવી રાખેલો કે નકારેલો શોક (denial or grief), વધુ પડતી ચિંતા, અપરાધભાવ(guilt), ગુસ્સો કે ક્રોધ અથવા ધાર્મિકતાવાળો શોક રોગરૂપ બની જાય છે. ક્યારેક તેની સાથે સૌમ્ય કે તીવ્ર પ્રકારના મનોવિકારો (neurosis કે psychosis) પણ થઈ આવે છે. સામાન્ય રીતે શોક માટે કોઈ મનશ્ચિકિત્સકીય સારવારની જરૂર હોતી નથી. ક્યારેક જરૂર પડે તો મનને શાંત કરતી, ચિંતા ઘટાડતી કે ઊંઘ લાવતી દવા અપાય છે. જો રોગરૂપ શોક હોય તો તેમાં જે પ્રકારનો વિકાર ઉદભવ્યો હોય તેવી સારવાર અપાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં પરિસ્થિતિનો સ્વીકાર અને સામનો કરવા સૂચવાય છે અથવા લાગણીઓને પ્રદર્શિત કરવાનું સૂચવાય છે. તેને મનોવિરેચન અથવા વિરેચન (catharsis) કહે છે. શક્ય હોય તો શોકગ્રસ્ત વ્યક્તિને ધ્યેયલક્ષી કોઈ કાર્યમાં જોડવામાં આવે છે.
(2) દેહલક્ષી મનોવિકારો (somatoform disorders) : કેટલીક વખત વિવિધ શારીરિક લક્ષણો ધરાવતી વ્યક્તિને કોઈ જ શારીરિક રોગ ન હોય તેવી સ્થિતિ પણ જોવા મળે છે. આવા માનસિક વિકારોને દેહલક્ષી મનોવિકારો (somatoform disorders) કહે છે. દસમા આંતરરાષ્ટ્રીય માનસિક રોગોના વર્ગીકરણમાં તેના ઉપવિભાગો પાડવામાં આવેલા છે : (અ) દેહીકરણ મનોવિકાર (somatization disorder), (આ) રોગગ્રસ્તતાનો ભય અથવા વ્યાધિભય (hypochondriasis), (ઇ) દેહલક્ષી સ્વાયત્ત ચેતાતંત્રીય વિકારો (somatoform autonomic dysfunction), (ઈ) સતત દેહપીડાલક્ષી વિકાર (persistent somatoform pain disorder) તથા (ઉ) અન્ય દેહલક્ષી વિકારો. દેહલક્ષી મનોવિકારોમાં શારીરિક તકલીફો વારંવાર થયા કરે છે, પરંતુ તેના કારણરૂપે કોઈ શારીરિક રોગ કે વિકાર ન હોય. આવી વ્યક્તિઓ ડૉક્ટર દ્વારા વારંવાર હૈયાધારણ આપવા છતાં વિવિધ તપાસ-કસોટીઓ કરાવવાનો આગ્રહ રાખે છે. મુખ્યત્વે પ્રથમ 3 ઉપપ્રકારો (દેહીકરણ મનોવિકાર, પોતે માંદા છે એવો રોગગ્રસ્તતાનો ભય અથવા વ્યાધિભય અને દેહલક્ષી સ્વાયત્ત ચેતાતંત્રીય વિકારો) જોવા મળે છે.
(2–અ) દેહીકરણ મનોવિકાર : આ વિકારમાં વ્યક્તિને કોઈ શારીરિક રોગ ન હોય, પણ અનેક શારીરિક તકલીફો હોય છે, જે વારંવાર અને લાંબા સમય માટે (2 વર્ષ કે વધુ) થયા કરે છે. અનેક અવયવોને અસર કરતાં, અચાનક અથવા નાટ્યાત્મક રીતે આવતાં આ લક્ષણો અસ્પષ્ટ (vague) હોય છે. આવી વ્યક્તિ વારંવાર ડૉક્ટર બદલે છે ને ડૉક્ટરો દ્વારા વારંવાર જણાવ્યા છતાં તેઓ કોઈ રોગ નથી એવું માની શકતી નથી. ક્યારેક આવી વ્યક્તિઓનો સામાજિક કે કૌટુંબિક મનમેળ ઓછો હોય છે અને ઘણી વખત પરિવર્તનીય લક્ષણો (conversion symptoms); [જેમ કે, ધ્યાનાકર્ષણલક્ષી વિકાર(hysteria)ના હુમલા] પણ જોવા મળે છે. આ વિકારને વિવિધ અવયવોને અસર કરતા શારીરિક રોગો (દા.ત., અલ્પગલગ્રંથિતા, વ્યાપક રક્તકોષભક્ષિતા અથવા systemic lupus erythematosus, અતિપરાગલગ્રંથિતા વગેરે)થી અલગ પાડવો જરૂરી ગણાય છે.
ક્યારેક દર્દીને વિચ્છિન્ન વ્યક્તિત્વ (schizophrenia) કે મહત્તમ ખિન્નતા(major depression)ના માનસિક રોગોથી પણ અલગ પડાય છે. અન્ય માનસિક રોગો, દા.ત., વ્યાધિભય (hypochondriasis), પરિવર્તનીય મનોવિકાર (conversion disorder) અને ભ્રાંતિકારી (delusional) મનોવિકારથી પણ અલગ પડાય છે. સારવાર રૂપે મનશ્ચિકિત્સા, મન:શિથિલન (mental relaxation) ચિકિત્સા અને ક્રમશ: વધતી જતી શારીરિક શિથિલન તથા પ્રતિખિન્નતા (antidepressant) ઔષધો કે ચિતારોધક (antianxiety) જૂથની દવાઓ અપાય છે.
(2–આ) વ્યાધિભય (hypochondriasis) : વ્યાધિભયકારી મનોવિકારના દર્દીમાં સતત માંદા હોવાનો ભય કે માન્યતા રહે છે. દર્દીની શારીરિક તપાસ તથા કસોટીઓ કોઈ વિષમતા ન દર્શાવે અને દર્દી પણ ક્યારેક એ સ્વીકારે છે કે તે તેની તકલીફોને વધુ પડતું મહત્વ આપે છે. આમ તેને કોઈ ભ્રાંતિ (delusion) હોતી નથી. આવા દર્દી તબીબી પરિભાષાનો વધુ ઉપયોગ કરે છે અને વારંવાર તબીબને બદલે છે. વ્યાધિભય થવાનું કારણ જાણમાં નથી, પરંતુ તેનું એક કારણ ખિન્નતા હોઈ શકે. એક અન્ય મનોગતિક (psychodynamic) વિભાવના પ્રમાણે વ્યક્તિ કોઈ અવયવને પોતાનાં જનનાંગો સાથે સાંકળે છે અને તેથી તે અવયવ સાથે સંકળાયેલો વ્યાધિભય અનુભવે છે. આવા દર્દીની સારવાર મુશ્કેલ બને છે.
(2–ઇ) દેહલક્ષી સ્વાયત્ત ચેતાતંત્રીય વિકાર : આ પ્રકારના દર્દીમાં વિવિધ અવયવો અંગેની તકલીફો જોવા મળે છે; જેમ કે, હૃદયના ધબકારા અનુભવવા, વારંવાર ઓડકાર ખાઈને હવા ગળવી (વાતભક્ષણ, aerophagy), હેડકી આવવી, પેટમાં વાયુપ્રકોપ થવો, વારંવાર ઝાડા થવા (અતિસંવેદી સ્થિરાંત્રતા, irritable colon), ખૂબ ઝડપથી શ્વાસોચ્છવાસ થવો (અતિશ્વસન, hyperventilation), પેશાબની હાજત સમયે બળતરા થવી વગેરે. દર્દીને ચિંતા ઘટાડતી (આલ્પ્રાઝોલામ અને અન્ય બેન્ઝોડાપાઝેપિન્સ) દવાઓ તથા પ્રતિખિન્નતા-ઔષધો અપાય છે.
વારંવાર અને ઝડપી શ્વાસ લેવાના થતા હુમલાને અતિશ્વસન-સંલક્ષણ (hyperventilation syndrome) કહે છે. ઝડપી શ્વસનને કારણે શરીરમાંથી અંગારવાયુ ઘટે છે અને તેથી બાયકાર્બોનેટ વધે છે. તેને શ્વસનીય આલ્કલિતા (respiratory alkalosis) કહે છે. તેને કારણે આંગળીઓ વળી જાય (અંગુલિવંકતા, tetany) અથવા હાથપગમાં ઝણઝણાટી અને ખાલી ચડે છે. કોષોની અંદરનાં આયનોનું પ્રમાણ વિષમ થાય છે તથા મગજનું રુધિરાભિસરણ પણ ઘટે છે. તેને કારણે બેભાનાવસ્થા થાય છે. બોહરની અસરને કારણે મગજને ઑક્સિજન પણ ઓછો મળે છે અને તેથી વ્યક્તિ થાક, બેધ્યાનપણું અને માથામાં ખાલીપણું અનુભવે છે. અનુકંપી સ્વાયત્ત ચેતાતંત્રનું ઉત્તેજન થાય છે અને તેથી ચિંતા, હૃદયના ધબકારાની સંવેદના, પરસેવો તથા છાતીમાં દુખાવો થાય છે. શારીરિક તપાસ વડે સરળતાથી નિદાન કરાય છે. દર્દીને મન:શિથિલન અને યૌગિક કસરતો કરવાનું સૂચવાય છે. શ્વાસોચ્છવાસને ધીમા કરવાની તાલીમ અપાય છે તથા ઉગ્ર હુમલો થાય ત્યારે બંધ કોથળી કે હાથના ખોબામાં શ્વાસોચ્છવાસ કરવાનું સૂચવાય છે, જેથી શરીરમાંથી અંગારવાયુ ઘટી ન જાય.
માનસિક કારણોસર વારંવાર મળહાજત કરતો કે ક્યારેક કબજિયાત કરતો વિકાર અતિસંવેદી સ્થિરાંત્રતા(irritable colon)ના નામે ઓળખાય છે. તેને સતતસંકોચી સ્થિરાંત્ર (spastic colon), મનોનિર્બલતાજન્ય અતિસાર (nervous diarrhoea), શ્લેષ્મીય સ્થિરાંત્રશોથ (mucus colitis), સ્થિરાંત્રીય સૌમ્ય મનોવિકાર (colon neurosis) વગેરે વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. આંતરડાંના હલનચલનમાં માનસિક વિકારને કારણે આવતા ફેરફારોને તેમાં સમાવાય છે. દર્દીને પેટમાં દુખાવો, ચૂંક કે અસ્વસ્થતા થાય છે, તેને પાતળા ઝાડા કે કબજિયાત થાય છે અને તેને ખુલાસીને મળત્યાગ નથી થયો તેવી સંવેદના રહ્યા કરે છે. ક્યારેક તે સાથે વાયુપ્રકોપ પણ થાય છે. પેટના દર્દ માટે સારવાર લેવા આવતી 40 % વ્યક્તિઓમાં તે જોવા મળે છે. ભારતમાં પુરુષોમાં તે વધુ જોવા મળે છે. સારવારના સિદ્ધાંતોમાં સ્થાયી ડૉક્ટર-દર્દી-સંબંધની સ્થાપના, પેટના રોગોના નિષ્ણાત દ્વારા કરાતી સારવાર (કેમ કે મોટાભાગના દર્દીઓને મનશ્ચિકિત્સક પાસે સારવાર લેવાનો વિરોધ હોય છે), જિંદગીના તણાવોની જાણકારી અને તેને કારણરૂપ વાતાવરણની કે તણાવને પહોંચી વળવાની ક્ષમતાની યોગ્ય માવજત, મનોવિકારી ચિંતા કે ખિન્નતા ઘટાડતાં ઔષધોનો ઉપયોગ તથા યોગ્ય પ્રકારની તકલીફો ઘટાડતી લક્ષણલક્ષી (symptomatic) સારવાર(દા.ત., ચૂંકવિરોધી દવા)નો સમાવેશ થાય છે.
સારણી 2 : કેટલાક શારીરિક રોગોમાં જોવા મળતાં માનસિક લક્ષણો
ક્રમ | શારીરિક વિકાર | માનસિક લક્ષણો |
1. | અતિગલગ્રંથિતા (hyperthyroidism) | ચિંતા, ખિન્નતા, મનોવિકારી ભય (paranoid disorders), સનેપાત (delirium), ઉન્માદ (mania), વિચ્છિન્ન મનસ્તાસમ વિકારો (schizophreniform disorders) |
2. | અલ્પગલગ્રંથિતા (hypothyroidism) | ભાવશૂન્યતા (apathy), સ્મૃતિલોપ, ધીમું વિચારવું, માનસિક અલ્પવિકસન, અલ્પધ્યાનપણું, ઝડપથી અકળાઈ જવું ચિડાવું, તીવ્ર ખિન્નતા, મનોભ્રંશ (dementia), ગાંડપણ (madness) |
3. | કુશિંગનો રોગ | ખિન્નતા, મનોવિકારી ભય, ચિંતા, વાળો, ભ્રાંતિ, તીવ્રમનોવિકાર અને (psychosis with delusion) |
4. | ઍડિસનનો રોગ | ખિન્નતા, મનોવિકરણી ભય, સનેપાત |
5. | વિષમ અતિકાયતા (acromegaly) | ભાવશૂન્યતા, ખિન્નતા, ચિંતા |
6. | પીયૂષિકાગ્રંથિઅલ્પતા (hypopituitarism) | ખિન્નતા, સ્મૃતિલોપ, વધુ પડતી ઊંઘ, સનેપાત, બેભાનાવસ્થા |
7. | અતિપરાગલગ્રંથિતા (hyperparathyroidism) | ખિન્નતા, સનેપાત, બેભાનાવસ્થા, મનોભ્રંશ |
8. | અલ્પપરાગલગ્રંથિતા (hypoparathyroidism) | સનેપાત, મનોભ્રંશ, ખિન્નતા, માનસિક અલ્પવિકસન (mental retardation), સૌમ્યાભ મનોવિકાર (pseudoneurosis) |
9. | ફિઓક્રોમોસાયટોમા | ચિંતા, મનોવિકારી ભય |
10. | ઉગ્ર સમયાંતરિત પોરફિનતા (acute intermittent porphyria) | ઉગ્ર ચિંતા, તીવ્ર ઉશ્કેરાટ, પરિવર્તનીય લક્ષણો (conversion symptoms), બેભાનાવસ્થા (ક્યારેક) |
11. | એઇડ્ઝ | ચિંતા, ખિન્નતા, સનેપાત, મનોભ્રંશ, અનુકૂલન (adjustment) વિકારો, આત્મઘાતી વર્તન, ભ્રાંતિકારી (delusional) વિકારો |
12. | વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus, SLE) | ખિન્નતા, સનેપાત, વિચ્છિન્ન વ્યક્તિત્વ સંલક્ષણ |
13 | વિલ્સનનો રોગ | વ્યક્તિત્વ વિકારો, વિચ્છિન્ન વ્યક્તિત્વ વિકારો, પ્રતિસામાજિક વર્તન, મનોદશા (mood)માં ઝડપી ફેરફારો, આવેગ નિયંત્રણમાં મુશ્કેલી, આક્રમક વર્તન |
14 | સ્વાદુપિંડનું કૅન્સર | તીવ્ર ખિન્નતા |
પૂર્વઋતુસ્રાવ-તણાવ(premenstrual tension)નાં દર્દીઓમાં ઋતુસ્રાવ આવવાનો હોય તેના પહેલાં એક કે બે અઠવાડિયાંથી શારીરિક, માનસિક અને વર્તનલક્ષી તકલીફો ઉદભવે છે. સૌથી વધુ લક્ષણો ઋતુસ્રાવના 3–5 દિવસ અગાઉથી હોય છે. તે સમયે સ્ત્રીને અકળામણ (irritability), ખિન્નતા, રડવાની લાગણી, અજંપો અને ચિંતા થાય છે. તે સમયે ભૂખમાં ફેરફાર થાય છે અને શરીરમાં પાણી ભરાવાથી પગ પર સોજા, વજનમાં વધારો, સ્તનનું કદ વધવું વગેરે સ્થિતિઓ થઈ આવે છે; ક્યારેક માથાનો દુખાવો થાય છે અને થાક પણ લાગે છે. આ બધી તકલીફો થવામાં માનસિક પરિબળો ઉપરાંત અંત:સ્રાવી પરિબળો, શિક્ષણનું સ્તર તથા સ્ત્રીત્વ અંગેની સામાજિક પરિસ્થિતિ પણ ભાગ ભજવે છે. શારીરિક સારવાર રૂપે પાણી પીવામાં ઘટાડો, વધુ પેશાબ થાય તે માટે મૂત્રવર્ધક (diuretic) ઔષધોનો તથા અંત:સ્રાવી સારવાર વગેરે કરાય છે. માનસિક પરિબળોને ઘટાડવા મનશ્ચિકિત્સા અપાય છે. કેટલાક કિસ્સામાં ખિન્નતા-રોધકો અને ચિંતાશામકો પણ અપાય છે.
(3) શારીરિક રોગો અને મનશ્ચિકિત્સાવિદ્યા : એક ગણતરી પ્રમાણે શારીરિક રોગો માટે સારવાર લેતી ત્રીજા ભાગથી વધુ વ્યક્તિઓને માનસિક તકલીફ પણ હોય છે. જો સામાન્ય કક્ષાની માનસિક અને સામાજિક સમસ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા તેથી પણ વધે તેમ છે. હાલ વિવિધ સંજોગોમાં કોઈ શારીરિક રોગથી પીડાતી વ્યક્તિની સારવારમાં તેની માનસિક તકલીફોને કારણે મનશ્ચિકિત્સકની મદદ લેવામાં આવે છે; દા.ત., દર્દી દ્વારા આપઘાત કરવાનો પ્રયત્ન કે ધમકી, દર્દીઓના સારવાર-ખંડ(ward)માંનું વિકારયુક્ત અને અન્ય દર્દીઓને વિક્ષુબ્ધ કરતું વર્તન, નશાકારક દવા કે દારૂનું વ્યસન, મગજની પેશીના રોગો (organic brain disease), મનોદૈહિક વિકારો, શારીરિક રોગો તરફનો માનસિક પ્રતિભાવ, કોઈ ચોક્કસ શારીરિક તકલીફનું નિદાન ન થતું હોય ત્યારે સંભવિત માનસિક વિકાર અંગેની ચકાસણી, વિરોધી કે અસહકારી દર્દી અથવા ડૉક્ટર-દર્દી-સંબંધમાં વિરોધિતા, દવાઓની મનોવિકારી આડઅસરો વગેરે. વિવિધ શારીરિક રોગોમાં માનસિક લક્ષણો જોવા મળે છે (સારણી 2).
પરંતુ ઘણી વખત આવા દર્દીઓમાં કોઈ માનસિક વિકાર પણ હોઈ શકે. આ ઉપરાંત વિવિધ શારીરિક રોગોની શરૂઆતમાં અથવા ત્યારબાદ પણ માનસિક વિકારો જોવા મળે છે; દા.ત., પેલાગ્રા(રુક્ષત્વચાવિકાર), બેરીબેરી, વિટામિન B12ની ઊણપ જેવાં અપોષણજન્ય વિકારો, કૅન્સર, દારૂ અને નશાકારક દવાઓનો કુપ્રયોગ (abuse), પાણી અને ક્ષારોના સંતુલનના વિકારો વગેરે. જે તે પ્રકારનાં માનસિક લક્ષણો પ્રમાણે સારવાર અપાય છે. ક્યારેક આવાં લક્ષણોની હાજરી જે તે શારીરિક રોગના નિદાનમાં મદદ પણ કરે છે. ઘનિષ્ઠ સારવારકક્ષ(intensive care unit)માં થતા સનેપાતની સારવારમાં દર્દીની ચિંતા, ખિન્નતા તથા રોગના અસ્વીકારને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તે સમયે જરૂર પડ્યે દર્દીનાં સગાંને તેની સાથે રખાય છે. જરૂરી કિસ્સામાં ડાયાઝેપામ કે હેલોપેરિડોલ નામની મનને શાંત કરતી દવાઓ અપાય છે.
રાજેશ મણિયાર
શિલીન નં. શુક્લ