મન જા ચહબૂક (1926) : સિંધી કાવ્યસંગ્રહ. રચયિતા દયારામ ગિદુમલ શરાણી (1857–1927). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નવચેતનાના પ્રારંભિક કાળે તેમનું યોગદાન અનન્ય રહ્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી મેળવેલી. તે પછી અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયાધીશપદે નિમાયા હતા.

સામાજિક સુધારાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેવાની સાથે તેમણે સાહિત્ય દ્વારા ભારતીય દર્શનશાસ્ત્રનો પ્રચાર-પ્રસાર કરવાના પ્રયાસો પણ કર્યા હતા. અર્વાચીન સિંધના ઘડવૈયા સમા દયારામ ગિદુમલે ‘જપસાહેબ’ ‘ભગવદગીતા’, ‘યોગ-દર્શન’ વગેરે ગ્રંથોની મીમાંસાની સાથે ‘મન જા ચહબૂક’ (‘મનના ચાબુકો’) નામે કાવ્યસંગ્રહ પણ પ્રગટ કર્યો.

આ કાવ્યસંગ્રહમાં પૂર્વ અને પશ્ચિમના દર્શનશાસ્ત્રનું વિશ્લેષણ કરવામાં આવેલ છે. તાત્વિક કવિતાનો આ સંગ્રહ લયાત્મક હોવા છતાં અછાંદસ શૈલીમાં રચાયેલ છે. મુક્તછંદમાં રચાયેલ સિંધી ભાષાનો આ પ્રથમ કાવ્યસંગ્રહ ગણાય છે. સિંધીમાં સાંપ્રત–નવી અછાંદસ કવિતા કે ગદ્ય-ગીતરચનાઓનો પ્રારંભ દયારામની પ્રસ્તુત કાવ્યકૃતિથી માનવામાં આવે છે. આમ, અર્વાચીન કાવ્યમાં ભારતીય દર્શનનો સમાવેશ, નૈતિક મૂલ્યો પ્રત્યેની જાગૃતિ તથા અછાંદસ કાવ્યપ્રકારના પ્રારંભની ર્દષ્ટિએ પ્રસ્તુત કાવ્યસંગ્રહ સિંધી સાહિત્યમાં વિશેષ સ્થાન ધરાવે છે.

જયંત રેલવાણી