મનરો સિદ્ધાંત : યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશનીતિને લગતી પ્રમુખ જેમ્સ મનરોની જાહેરાત. તેમણે 2 ડિસેમ્બર 1823ના રોજ અમેરિકાની કૉંગ્રેસને સંદેશો મોકલ્યો. તેમાં અમેરિકન વિદેશનીતિના સિદ્ધાંતોનો સમાવેશ કર્યો. તેમાં તેમણે યુરોપના દેશોની દરમિયાનગીરી, જુલમ અને અંકુશો વિરુદ્ધ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં બધાં સ્વતંત્ર રાષ્ટ્રોને સલામતીની ખાતરી આપી. તેમણે જાહેર કર્યું કે હવે પછી યુરોપની કોઈ પણ સત્તાએ (દેશે) અમેરિકા ખંડમાં પોતાનાં સંસ્થાનો સ્થાપવાં નહિ કે પોતાની હકૂમત હેઠળનાં માનવાં નહિ. એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઉત્તર કે દક્ષિણ અમેરિકામાં નવાં સંસ્થાનો સ્થાપવા દેશે નહિ અથવા જે સંસ્થાનો છે તેની સરહદો વિસ્તારવા દેશે નહિ. આ જાહેરાત એટલા માટે કરવામાં આવી હતી કે દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાનોમાં બળવા થતા હતા અને તે દબાવી દેવા માટે ફ્રાંસ તેનું લશ્કર મોકલશે તેવી અફવા વ્યાપક બની હતી : પરંતુ ઇંગ્લૅન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ આવી દરમિયાનગીરીની વિરુદ્ધ હતાં. પ્રમુખ જેમ્સ મનરોની ઉપર્યુક્ત નીતિ 1853 પછી ‘મનરો સિદ્ધાંત’ તરીકે જાણીતી થઈ હતી.

આ સિદ્ધાંતથી યુનાઇટેડ સ્ટેટ્સને વેપાર વધારવામાં લાભ થયો નહિ; કારણ કે લૅટિન અમેરિકાના દેશો સાથે યુરોપનો વિશાળ વેપાર અગાઉની જેમ જ ચાલુ રહ્યો. વળી લૅટિન અમેરિકાના દેશો સાથેના તેના સંબંધોમાં પણ સુધારો થયો નહિ. આ સિદ્ધાંતથી જે દેશોને રક્ષણ મળવાનું હતું, તે દેશોને એમ લાગ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ તેમના ઉપર વડીલપણું દાખવે છે. વળી તેમને યુરોપના દેશો કરતાં યુનાઇટેડ સ્ટેટ્સનો ભય વધારે હતો.

વીસમી સદીમાં શરૂઆતમાં પ્રમુખ થિયોડૉર રૂઝવેલ્ટે (1901–1909) મનરો સિદ્ધાતનું પોતાની રીતે અર્થઘટન કરીને જણાવ્યું કે નાનાં અમેરિકન રાજ્યોની નિર્બળતા યુરોપના દેશોને દરમિયાનગીરી કરવા પ્રેરશે. તેમણે પોતે 1905માં ડૉમિનિકન રિપબ્લિકમાં, 1912માં  નિકારાગુઆમાં અને 1915માં હૈતીમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં લશ્કરો મોકલ્યાં, જેથી યુરોપના દેશો ત્યાં દરમિયાનગીરી કરે નહિ. વુડ્રો વિલ્સન પ્રમુખ બન્યા (1913–21) ત્યારે તેમણે જાહેર કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ વિજય દ્વારા એક ફૂટ જમીન પણ મેળવવા માગતું નથી. મેક્સિકન ક્રાંતિ વખતે તેમણે સંયમ રાખ્યો અને મેક્સિકોમાં લશ્કર મોકલ્યું નહિ. પ્રમુખ હર્બર્ટ હૂવરે (1929–33) હોદ્દો સંભાળતા અગાઉ, સંબંધો સુધારવાના ઇરાદાથી લૅટિન અમેરિકાના દેશોનો શુભેચ્છા-પ્રવાસ ખેડ્યો હતો. પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટે (1933–45) સારા પાડોશીની નીતિ જાહેર કરી. તેમણે જાહેર કર્યું કે અમેરિકાના બધા દેશોએ મનરો સિદ્ધાંતને સમર્થન આપવું જોઈએ. હૂવર અને એફ. ડી. રૂઝવેલ્ટે દક્ષિણ અમેરિકાનાં નાનાં રાજ્યોમાંથી પોતાનાં સૈન્યો ક્રમશ: પાછાં ખેંચી લીધાં અને તે રાજ્યોમાં વિશેષાધિકારો ભોગવવાનું છોડી દીધું. ત્યારબાદ અમેરિકાના દેશોને લગતી બાબતો પર પરામર્શ કરવા માટે પરિષદો યોજવામાં આવી અને 1948માં ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સની સ્થાપના કરવામાં આવી.

જયકુમાર ર. શુક્લ