મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય ગતિદિશા મળે છે. માનસિક રોગ એ મનુષ્યના વર્તનથી જુદું વર્તન નથી, પરંતુ તે સામાન્ય વર્તનની જુદી જુદી કક્ષાઓ છે. સ્વસ્થ માનવીનું વર્તન તેની બુદ્ધિ, ભાવ (લાગણી), જરૂરિયાત તથા પરિસ્થિતિને અનુલક્ષીને હોય છે. પરંતુ મનોવિકારી માનવીનું વર્તન સંકલિત હોતું નથી. સામાન્ય વર્તન અને વિષમ વર્તન વચ્ચેનો ભેદ તેમની માત્રા અને કક્ષાનો છે. તેમની વચ્ચે કોઈ મૂળભૂત વિશિષ્ટ ભેદ નથી. સ્વસ્થ વ્યક્તિ જેવું વર્તન કરે છે તેવું જ વર્તન મનોવિકારથી અસ્વસ્થ વ્યક્તિ પણ કરે છે. પરંતુ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે તેના વર્તનની માત્રા અને કક્ષામાં જ ભેદ હોય છે. અઢારમી સદીમાં શરીરરચનાવિદ્યા (anatomy), ચેતાવિદ્યા (neurology), રસાયણવિદ્યા (chemistry), ચિકિત્સાવિદ્યા (medicine) વગેરે વિવિધ વિદ્યાઓના વિકાસ સાથે શારીરિક તથા માનસિક રોગનાં કારણો પણ સ્પષ્ટ થવા લાગ્યાં. વર્તનવિકાર માટે શારીરિક, માનસિક (ભાવાત્મક) અને સામાજિક એમ ઘણાં કારણો જવાબદાર છે. તેથી મનશ્ચિકિત્સા માટે મનોદૈહિક ર્દષ્ટિબિંદુનો ઉદભવ થયો. માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનો અને મનોવિજ્ઞાને વિકસાવેલી પદ્ધતિઓની મદદથી વિકારજન્ય વર્તનની સારવાર કરવાની પદ્ધતિને મનશ્ચિકિત્સા કહે છે. આ રીતે ઉપચાર કરવાથી દર્દીના વર્તનવિકારમાં ધીરે ધીરે ફેરફાર આવે છે અને તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. વિવિધ પ્રકારની વિચારસરણીઓ અને વિભાવનાઓને કારણે વિવિધ પ્રકારની માનસોપચાર-પદ્ધતિઓ વિકસેલી છે.

સારણી 1 : મનશ્ચિકિત્સા પદ્ધતિઓ

ક્રમ    સારવારપદ્ધતિ      પ્રવર્તક (proponent)
1. મનોવિશ્લેષણ (psychoanalysis) સિગ્મન્ડ ફ્રૉઇડ (Sigmund Freud)
2. વિશ્લેષણલક્ષી મનોવિજ્ઞાન (analytic psychology) કાર્લ ગુસ્ટાવ યુંગ (Carl Gustave Jung)
3. પારવિભાગીય વિશ્લેષણ (transactional analysis) એરિક બર્ન (Eric Berne)
4. ગ્રાહકકેન્દ્રી માનસોપચાર (client-centred psychotherapy) કાર્લ આર. રોજર્સ (Carl R. Rogers)
5. સંમોહન (hypnosis) જેમ્સ બ્રેઇડ (James Braid)
6. જૂથ-ચિકિત્સા (group therapy) જૉસેફ પ્રાટ (Joseph Pratt)
7. બોધાત્મક ચિકિત્સા (Cognitive therapy) આરૉન ટી. બેક (Aaron T. Beck)
8. બોધાત્મક વર્તનચિકિત્સા (Cognitive behavioural therapy) ડોનાલ્ડ મેકેન્બામ (Donald Meichenbaum)
9. વર્તનવાદ (behaviourism) જ્હૉન બ્રોડસ વૉટસન (John Broadus Watson)
10. શાસ્ત્રીય અભિસંધાનન (classical conditioning) ઇવાન પેટ્રૉવિચ પાવલૉવ (Ivan Petrovich Pavlov)
11. લક્ષ્યલક્ષી અભિસંધાનન (operant conditioning) બુર્હુસ ફ્રેડરિક સ્કિનર (Burrhus Frederic Skinner)
12. દ્વિલિંગી ચિકિત્સા (dual sex therapy) વિલિયમ એ. માસ્ટર્સ અને વર્જિનિયા ઈ. જૉહનસન (William H. Masters અને Virginia E. Johnson)
13. ઉપચારલક્ષી સમુદાય (therapeutic community) મૅક્સવેલ જૉન્સ (Maxwell Jones)
14. મનોનાટ્ય (psychodrama) જેકૉબ એલ. મૉરેનો (Jacob L. Moreno)
15. તર્કપૂત ભાવિક ચિકિત્સા (rational emotional therapy) આર્લ્બ એલિસ (Albert Ellis)
16. પ્રાદિ ચિકિત્સા (primal therapy) આર્થર જેનૉવ (Arthur Janov)
17. ઇચ્છા-ચિકિત્સા (will therapy) ઑટો રૅન્ક (Otto Rank)
18. અખંડભાવી ચિકિત્સા (Gestalt therapy) ફ્રેડરિક પર્લ્સ (Victor E. Franki)
19. અસ્તિત્વલક્ષી શબ્દ-ચિકિત્સા (existential logotherapy) વિક્ટર ઈ. ફ્રૅન્કિ (Victor E. Franki)
20. પરસ્પરવિરોધી અવદાબન (reciprocal inhibition) જૉસેફ વૉલ્પ (Joseph Wolpe)
21. સતતવર્ધનશીલ સ્નાયવી શિથિલન (progressive muscular relaxation) ઈ. જેકૉબસન (E. Jacobson)
22. ચારિત્ર્યવિશ્લેષણ (character analysis) વિલ્હેમ રિચ (Wilhelm Reich)

માનસોપચાર માટેની પદ્ધતિઓમાં સમાવિષ્ટ કેટલીક મુખ્ય ઉપચારપદ્ધતિઓ આ પ્રમાણે છે : (અ) મનોવિશ્લેષણ અને મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચાર (psychoanalytical psychotherapy), (આ) વર્તનચિકિત્સા (behaviour therapy), (ઇ) સંજ્ઞાત (બોધાત્મક) ચિકિત્સા (cognitive therapy) અથવા સંજ્ઞાત (બોધાત્મક) વર્તનચિકિત્સા (cognitive behavioural therapy), (ઈ) સમર્થનકારી મનશ્ચિકિત્સા (supportive psychotherapy).

(અ) મનોવિશ્લેષણ અને મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચાર (જુઓ મનોવિશ્લેષણ) : તે સિગ્મંડ ફ્રૉઇડના સંશોધનને આધારે શરૂ થયેલી છે. તેમાં કાર્લ યુંગ, આલ્ફ્રેડ એડલર, એરિચ ફ્રૉમ, હેરિસ્ટેક સુલિબાન, કરેન હૉર્ન, મેલેનિ ક્લેઇન, ઑટો રૅન્ક, વિલ્હેમ રિચ અને અન્ય નિષ્ણાતોએ ઉમેરણ કર્યું છે. મનોવિશ્લેષણની વિભાવનાની અંતર્ગત મન અને વ્યક્તિત્વના વિકાસને આવરી લેવાયો છે. મનની અંદરની મૂળભૂત ઇચ્છાઓ (એષણાઓ, Id) ઉદભવતી હોય છે. તેની સામે મનમાં રહેલા અધિઅહંકાર(Super ego)ને કારણે તેનો વિરોધ થતો હોય છે. તેને કારણે આંતરિક વિરોધિતા કે મનોદ્વંદ્વ (conflict) ઉદભવે છે. મનોવિશ્લેષણ અને મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચારની પદ્ધતિ વડે કરાતી સારવારનો મુખ્ય આધાર મનની અંદરની વિરોધિતા કે દ્વંદ્વની આ વિભાવના પર રહેલો છે. આ ઉપરાંત મનોવિશ્લેષણની પ્રક્રિયામાં અન્ય રીતે જાણી ન શકાય તેવી અચેતન (unconscious) માનસિક પ્રક્રિયાઓની તપાસને તથા તેનાથી થતા માનસિક રોગો(મનોવિકાર)ની સારવારમાં ઉપયોગ કરવાની પરિપાટીનો પણ સમાવેશ થાય છે. તેના મુખ્ય 2 પ્રકારો છે : શુદ્ધ મનોવિશ્લેષણ અને મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચાર.

(અ-1) સિગ્મંડ ફ્રૉઇડે શુદ્ધ (શાસ્ત્રીય) મનોવિશ્લેષણની પ્રક્રિયા વર્ણવી હતી. તેના માટે દર્દીને દર અઠવાડિયે 3થી 5 વખત બોલાવવામાં આવે છે. સારવાર 3થી 4 કે વધુ વર્ષો ચાલે છે. તેમાં દર્દીને તેની તકલીફો અંગે કશું પૂછવામાં આવતું નથી તથા તેની કોઈ શારીરિક તપાસ કરાતી નથી. દર્દી પોતે વાતો કરે એવું મુક્ત વાતાવરણ સર્જવામાં આવે છે. ઉપચારક અસક્રિય હોય છે તથા તે દર્દીની વાતોને કોઈ દિશામાં વાળતો નથી. જોકે તે હંમેશા દર્દીની માનસિક બચાવ-પ્રવિધિઓ(defence mechanism)ને ટકોર્યા કરે છે અને દર્દીનો વિરોધ, ભાવ, વર્તન કે સંબંધનું સતત નિરીક્ષણ કરીને અર્થઘટન કરે છે. સામાન્ય રીતે કોઈ દવા અપાતી નથી. સમગ્ર સારવારનો હેતુ અર્થઘટન હોય છે. વાતચીત વખતે દર્દી પથારીમાં સૂતો હોય છે અને ઉપચારક પાછળ તેની નજર બહાર બેઠેલો હોય છે. અન્ય કોઈ સારવાર-સહાયનો ઉપયોગ તે કરતો નથી.

(અ-2) મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચારમાં ઉપચારક અને દર્દી વચ્ચે વધુ સીધો સંપર્ક હોય છે. સારવારનો સમયગાળો ટૂંકો રહે છે અને જરૂર પડ્યે ક્યારેક દર્દીને સૂચનો પણ અપાય છે. દર્દી અને ઉપચારક સામસામે બેસે છે. બાકીની સારવારપદ્ધતિ ઉપર વર્ણવ્યા મુજબની હોય છે. કોઇક વખત દવાની સારવાર અપાય છે. મનોવિશ્લેષ્ણ કરવું કે તેને સંલગ્ન માનસોપચાર કરવો તેને માટે કોઈ ચોક્કસ સિદ્ધાંતો નથી, પરંતુ મોટેભાગે કેટલાક ચોક્કસ સંજોગોમાં મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચાર કરાય છે; જેમ કે, લાંબા સમયનો અને તકલીફોવાળો માનસિક વિકાર, દર્દીનો ઘણો કડક અહંભાવ, સારવાર વખતે દર્દીને આવતી હતાશા (frustration), દર્દી માનસિક રીતે તૈયાર હોય અને તેને ખાસ જીવનના તણાવો ન હોય. સામાન્ય રીતે તેનો સૌમ્ય મનોવિકાર અને વ્યક્તિત્વવિકારોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. ભારતીય દર્દીઓમાં શુદ્ધ મનોવિશ્લેષણને બદલે તેને મનોવિશ્લેષણ-સંલગ્ન માનસોપચાર કરવો વધુ સરળ અને સફળ રહે છે એવું મોટાભાગના ભારતીય નિષ્ણાતોનું માનવું છે.

(આ) વર્તનચિકિત્સા (behaviour therapy) : વ્યક્તિનો વિકાસ ઘણી બાબતો પર આધાર રાખે છે. તેથી સૌ-પ્રથમ દર્દીના વર્તનને સમજવા માટે જન્મથી શરૂ કરીને તે જ્યારે ચિકિત્સક પાસે આવે છે, ત્યાં સુધીનું તેનું વૃત્તાંત જાણવું પડે છે. તે માટે દર્દીનાં માતાપિતા, કુટુંબ, રહેઠાણ, જન્મસમયની પરિસ્થિતિ, શાળા, લગ્ન, તેનું કાર્ય-સ્થાન અને વ્યવસાય અંગેની માહિતી, મિત્રો, શિક્ષણ, જીવનકાળ દરમિયાન ઉદભવેલ પરિસ્થિતિઓ તથા રોગો અંગેની માહિતી તેમજ તે અંગેની સારવાર, તેના જાતીય જીવનની માહિતી, અભિરુચિ, અભિયોગ્યતાઓ વગેરે વિશેની માહિતી મેળવાય છે. તેને તેનું વિવૈદકીય વૃત્તાંત (clinical history) મેળવવું કહે છે. વર્તનવિકાર થતા પહેલાં વ્યક્તિએ (દર્દીએ) એ સમાજમાંથી ઘણી અસરો ઝીલી હોય છે અને તેની પોતાની સમજ અને બુદ્ધિક્ષમતા પ્રમાણે તેના મન:પટ પર તેમની અસરો સ્થાપિત થયેલી હોય છે. માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડવામાં મનોવિકારી ભય, મનોવિકારી ચિંતા, તેનો જનીન વારસો, અંત:સ્રાવી ગ્રંથિઓનું કાર્ય, સમજક્ષમતાની ઊણપ, આત્મ-વિશ્વાસની અલ્પતા, ક્રોધ, અહમકેન્દ્રીપણું વગેરે પરિબળો સક્રિય હોય છે. દર્દી જરૂરી બાબતોને શીખે (learning), ભૂલે (unlearning) તથા ફરીથી શીખે (relearn) તે માટે મનશ્ચિકિત્સક સક્રિય રહે છે. આ રીતે ઉપચાર કરવા માટે ચિકિત્સક અને દર્દી વચ્ચે સાયુજ્ય (rapport) સ્થપાવું જોઈએ. દર્દી માટે શાંત અને સાનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. કેટલીક વખત સહાયક સાધનો જેવાં કે ધ્વનિપટ્ટી-નોંધક (tape recorder), કાશચિત્રક (camera) વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેમના ઉપયોગની દર્દીને જાણ ન થાય તે રીતે તેમને વાપરવામાં આવે છે. આવાં સાધનોના ઉપયોગથી ચિકિત્સક દર્દીની ગેરહાજરીમાં પણ તેનો અભ્યાસ કરી ચિકિત્સાની પદ્ધતિ નક્કી કરી શકાય છે. મનોચિકિત્સામાં દર્દીની સાથે સાયુજ્ય (rapport) સ્થાપવો જરૂરી છે. તે માટે કરવાની ચિકિત્સાનો નિર્ધાર અને દર્દીનો સહકાર એ બંને મહત્વનાં છે. દર્દીનાં સ્વજનોનો સહકાર, પ્રેમ અને હૂંફ દ્વારા દર્દીને સ્વસ્થ કરીને સમાજમાં પુન:સ્થાપન કરી શકાય છે.

વર્તનચિકિત્સા શીખવાની પ્રક્રિયા(process of learning)ના સિદ્ધાંતને આધારે કરાતી સારવારપદ્ધતિ છે. સંજોગો સાથે બરાબર ગોઠવાઈ ન શકવાની સ્થિતિને કુસમાર્યોજન અથવા દુરનુકૂલન (maladjustment) કહે છે. આવું દુરનુકૂલન ધરાવતા દર્દીઓને સાનુકૂલ અથવા સમાયોજિત વર્તન કરતા કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. શીખવાની પ્રક્રિયાની અનેક વિભાવનાઓ છે, મોટેભાગે સ્કિનરના લક્ષ્યલક્ષી (operant) અભિસંધાનીય પ્રરૂપ (operant conditioning model) તથા પાવલોવના શુદ્ધ (શાસ્ત્રીય) અભિસંધાનીય પ્રરૂપ (classical conditioning model) પર આધારિત પદ્ધતિઓ વપરાય છે. દરેક પ્રકારનું વર્તન શીખેલું હોય છે એવું મનાય છે. લક્ષ્યલક્ષી (operant) પ્રરૂપ અનુસાર જે પ્રકારના વર્તનથી લાભ મળતો હોય તેવું વર્તન વારંવાર કરાય છે. તે માટે દર્દીને થોડું થોડું કરીને નાને પગલે શીખવવું સહેલું પડે છે. વર્તનચિકિત્સા ટૂંકા સમય (6–8 અઠવાડિયાં) માટે હોય છે. ઉપચારકને પણ શીખવવું સહેલું છે અને ખાસ ખર્ચાળ પણ હોતું નથી. શરૂઆતમાં દરરોજ સારવાર અપાય છે, પરંતુ પાછળથી તેમાં અંતર વધારવામાં આવે છે.

વિવિધ પ્રકારની વર્તનચિકિત્સા કરાય છે; જેમ કે, (આ1) વૉલ્પની પ્રતિવર્તીસ્થિતિજન્ય અવદાબન(reciprocal inhibition)ના સિદ્ધાંત પર આધારિત તબક્કાવારનું અને આયોજનપૂર્ણ વિસંવેદીકરણ (desensitisation), (આ-2) વિમુખકારી સારવાર (aversion therapy), (આ-3) સાનુકૂલનવર્ધક ચિકિત્સા અથવા સમાયોજનવર્ધક ચિકિત્સા, (આ-4) સતત મનોવિકારી ભયસર્જક સ્થિતિનું સર્જન કરતી દુરનુકૂલનક્ષયી ચિકિત્સા તથા (આ-5) અન્ય વિવિધ ચિકિત્સાપદ્ધતિઓ.

(1) પ્રતિવર્તીસ્થિતિજન્ય અવદાબન : દર્દી ચિંતાકારક વાતાવરણમાં હોય ત્યારે તેને એવી કોઈ ઉત્તેજના અપાય (દા.ત., ટુચકો કહેવો) કે જેથી દર્દી હસી પડે કે એવો પ્રતિભાવ આપે જે ચિંતા સાથે સુસંગત ન હોય. આવા સમયે તેની ચિંતાનું સ્તર ઘટે છે. આવી સ્થિતિને પ્રતિવર્તીસ્થિતિજન્ય અવદાબન (reciprocal inhibition) કહે છે. આવું વારંવાર કરવામાં આવે ત્યારે સંવેદનાનું તબક્કાવારનું અને આયોજનપૂર્વકનું વિ-સંવેદીકરણ થાય છે. તેથી ચિંતાજનક ઉત્તેજના હોવા છતાં તેની સંવેદના ઘટાડી શકાય છે અને દર્દીનું વર્તન બદલી શકાય છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ દર્દીને સ્નાયુશિથિલન(relaxation)ની તાલીમ અપાય છે, ત્યારબાદ તેને શેની ચિંતા થાય છે તેની ઊતરતા ક્રમમાં યાદી કરવાનું કહેવામાં આવે છે અને છેલ્લે પ્રતિવર્તીસ્થિતિજન્ય અવદાબનની પ્રક્રિયા કરાય છે. આ પ્રકારની પ્રક્રિયા માટેની ઉત્તેજનાઓ કાલ્પનિક સ્થિતિઓમાંથી કે હકીકતની સ્થિતિમાંથી મેળવવામાં આવે છે. મનોવિકારી ભય (phobia) અને મનોવિકારી અનિરુદ્ધ પુનરાવર્તિતતા(obsessive-compulsive disorder)માં તે ખાસ પ્રયોજાય છે.

(2) અરુચિ સારવાર : ક્યારેક દારૂની લત, સજાતીયતા કે અન્યજાતીય વિચલનોની ટેવ ઘટાડવામાં અરુચિકારક ચિકિત્સા(aversion therapy)નો ઉપયોગ કરાય છે. મઝા પડતી કુટેવને તકલીફ પડે એવા કોઈ પ્રતિભાવ સાથે જોડવાથી અણગમો ઉત્પન્ન કરી શકાય છે. આવું વારંવાર કરવાથી તકલીફકારક પ્રતિભાવ ન હોય તોપણ મઝા પડવાની ટેવને છોડવાનું સંભવિત બને છે. આવો તકલીફ કરતો પ્રતિભાવ ઉત્પન્ન કરવા ઓછા વૉલ્ટેજવાળા વીજતરંગો વડે ઉત્તેજના અપાય છે અથવા દારૂની લત છોડાવવા માટે ડાયસલ્ફિરામ નામની દવા અપાય છે. ક્યારેક દર્દીને કલ્પનાવિહાર (fantasy) કરાવીને એક પ્રકારનું પ્રચ્છન્ન સંવેદીકરણ (covert sensitisation) પણ કરાય છે. આશરે એક કલાકની એક એવી 20થી 40 મુલાકાતો વડે ધાર્યો પ્રતિભાવ મેળવાય છે. ઘણી વખત સારવાર પછી પણ ફરીફરી મળવું પડે છે.

(3) સાનુકૂલનવર્ધક ચિકિત્સા અથવા સમયોજન ચિકિત્સા : અન્ય વિવિધ ચિકિત્સાપદ્ધતિઓ લક્ષ્યલક્ષી (operant) અભિસંધાનની પદ્ધતિ દ્વારા અનુકૂલનજન્ય વર્તન(adaptive behaviour)ને બળવત્તર કરાય છે. તે માટે ભેટ, પુરસ્કાર, શાબાશીના શબ્દો વડે હકારાત્મક પ્રક્રિયા કરાય છે. ક્યારેક દર્દી જો યોગ્ય વર્તન કરે તો તેને સજા કે ઠપકામાંથી મુક્તિ અપાય છે. ઘણી વખતે દર્દીને રૂપાંતરકારી વર્તનનો અનુભવ પણ કરાવાય છે. આ પ્રકારના બળવર્ધક (reinforcing) અભિસંધાનની મદદથી વર્તન વધુ સારું બને તેવું કરાય છે. તેવી જ રીતે કેટલાક વિશિષ્ટ અભિસંધાનની મદદથી ખોટું વર્તન ઘટાડી શકાય છે; જેમ કે, સજા કરવી, ઠપકો આપવો, શાબાશી કે પુરસ્કાર પાછો ખેંચી લેવો અથવા બાળક ધરાઈ જાય ત્યાં સુધી તેના ખોટા વર્તનને પોષ્યા કરવું.

(4) સતત મનોવિકારી ભયસર્જક સ્થિતિનું સર્જન કરતી દુરનુકૂલનક્ષયી ચિકિત્સા તથા અન્ય વિવિધ ચિકિત્સાપદ્ધતિઓ : જો દર્દી મનોવિકારી ભય(phobia)થી પીડાતો હોય તો તેને તેવી ઉત્તેજનાઓ સતત અપાયા કરે છે અને તેમાંથી રક્ષણ મેળવવાની કોઈ તક અપાતી નથી. સતત એક પ્રકારની ઉત્તેજનાઓને કારણે તેનો પ્રતિભાવ (ચિંતા) ઘટે છે. તેને મનોવિકારી ભયસર્જક સ્થિતિનું સર્જન કરતી દુરનુકૂલનક્ષયી ચિકિત્સા કહે છે.

(5) અન્ય ચિકિત્સાપદ્ધતિઓ : આ ઉપરાંત છેલ્લા 2 દાયકામાં અનેક પ્રકારની વર્તનચિકિત્સા-પદ્ધતિઓ વિકસી છે; જેમાં સામાજિક વ્યવહારની તાલીમ, કૌટુંબિક ચિકિત્સા, લગ્નવિષયક સારવાર, બોધાત્મક વર્તનચિકિત્સા (cognitive behavioural therapy) વગેરેનો સમાવેશ થાય છે.

(ઇ) બોધાત્મક ચિકિત્સા (cognitive therapy) અથવા બોધાત્મક વર્તનચિકિત્સા (cognitive behavioural therapy) : ખોટા પ્રકારની એટલે કે દુરનુકૂલિત (maladaptive) વિચારપદ્ધતિને સુધારીને માનસિક તકલીફો ઘટાડવા માટે દર્દીના મનમાં રહેલા દ્વંદ્વો અંગેની જાણકારી મેળવીને તેને જરૂરી માહિતી તથા શિક્ષણ આપવાં પડે છે. આ પ્રકારે કાર્ય કરતી પદ્ધતિને બોધાત્મક વર્તનચિકિત્સા કહે છે. આ પ્રકારની ચિકિત્સાપદ્ધતિમાં ઉપચારક સક્રિય ભાગ ભજવે છે. આ પ્રકારની ચિકિત્સાપદ્ધતિને કેટલાક મનોવિશ્લેષણના ભાગરૂપે તો કેટલાક તેને વર્તનચિકિત્સાના ભાગ રૂપે ગણે છે. તેને મૂળ બેક અને મિશેનબમ દ્વારા વિકસાવવામાં આવી અને ચિંતાકારી અને ભયકારી વિકારો, ભય (phobia), આહારલક્ષી વિકારો, આશંકિત ચિંતા (anticipatory anxiety) તથા શિક્ષણને લગતી સમસ્યાઓના ઉકેલ રૂપે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે 3 મહિનામાં 15 મુલાકાતો યોજાય છે. એમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓ અજમાવાય છે; જેમ કે, બોધાત્મક તકનીકો, વર્તનલક્ષી તકનીકો અને સમસ્યા-ઉકેલ કૌશલ્યો (problem solving skills). આ પદ્ધતિઓનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓના ઉકેલ રૂપે કરાય છે; જેમ કે, નકારાત્મક સ્વયંભૂ વિકારોને જાણીને તેમને સુધારવા, દુરનુકૂલિત (ખોટી) માન્યતાઓને જાણીને તેમને ઘટાડવી, કાર્યોને તેમના મહત્વ અને જરૂરિયાતને આધારે યોગ્ય રીતે ગોઠવવાં, યોગ્ય જવાબદારી ઉપાડવી અને જીવનમાં જરૂરી પાઠ ભજવવો (role playing) તથા શિક્ષણમાં ઉદભવતી સમસ્યાઓનો ઉકેલ શોધવો વગેરે.

(ઈ) સહાયપ્રદ મનશ્ચિકિત્સા (supportive psychotherapy) : આ દર્દીની તકલીફો અથવા વિકારલક્ષણો (symptoms) કે સાંપ્રત પરિસ્થિતિ તરફ સીધેસીધી અસર કરતી તથા દર્દીને માનસિક સહાય આપતી સારવારપદ્ધતિ છે. તેની મદદથી પરિસ્થિતિજન્ય સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરાય છે, દર્દીની તકલીફો અને રોગલક્ષણોને ઘટાડવા પ્રયત્ન કરાય છે, દર્દીની માનસિક બચાવપ્રવિધિઓમાં તીવ્ર બગાડો થતો ઘટાડાય છે અને તેને પરિસ્થિતિને પહોંચી વળવા નવાં કૌશલ્યો શીખવવા પ્રયત્ન કરાય છે. આ માટે દર્દીને માર્ગદર્શન આપવું, સૂચન કરવાં, આસપાસની પરિસ્થિતિમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરવો, તેને હિંમત આપવી, તેને સમજાવવો કે તેના મનને બીજી બાજુએ વાળવાનો પ્રયત્ન કરવો – વગેરે વિવિધ પ્રક્રિયાઓ કરાય છે. દર્દી સાથે તબીબનો સંબંધ સ્થાપિત કરાય છે તથા જરૂર પડ્યે દર્દીને દવાખાનામાં દાખલ કરાય છે અને દવા પણ અપાય છે. આ એક કૌશલ્યપૂર્ણ ચિકિત્સાપદ્ધતિ છે, જે યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે ઘણી સફળ રહે છે.

(ઉ) કૌટુંબિક અને લગ્નવિષયક ચિકિત્સા : તેને યુગલચિકિત્સા (couple therapy) પણ કહે છે. આ પ્રકારની સારવારમાં ઉપચારક વ્યક્તિગત ધોરણે સારવાર આપવાને બદલે કુટુંબને કે પરિણીત યુગલને એક એકમ ગણીને સારવાર આપે છે. તેના વિવિધ પ્રકારો છે. ચિકિત્સા કાં તો વર્તનલક્ષી સિદ્ધાંતો પર કે કાં તો મનોગતિકી (psychodynamic) સિદ્ધાંતો પર આધારિત હોય છે. ક્યારેક કુટુંબમાં કે પરિણીત યુગલમાં માનસિક વિકાર સર્જતી સમસ્યા હોય છે. ક્યારેક દર્દીના મનોવિકારથી કુટુંબમાં કે તેની પત્ની કે તેના પતિના પારસ્પરિક સંબંધને અસર કરતી સમસ્યા ઉદભવે છે. આવા સમયે પ્રકારની સારવાર અપાય છે. તેમાં સમસ્યાઉકેલ, વાતચીત કે ભાષણ કરવાનું (communication skills) કેળવવાની તાલીમ વગેરેનો સમાવેશ કરાય છે.

(ઊ) જૂથ-મનશ્ચિકિત્સા : આ પ્રકારની સારવાર 8થી 10 વ્યક્તિઓના જૂથને એકસામટી અપાય છે. તેનો સૌપ્રથમ પ્રયોગ 1905માં જૉસેફ પ્રાટ (Joseph Pratt) નામના એક તબીબે તેના ક્ષયરોગના દર્દીઓ પર કર્યો હતો. એકસામટા અનેક દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાથી સમય બચે છે. દર્દી પોતાને પોતાના જેવા અન્ય દર્દીઓના જૂથમાંનો એક છે તે સમજે છે. તેને ખાતરી થાય છે કે તેને એકલાને જ આ તકલીફ થઈ નથી. સામાન્ય રીતે દર અઠવાડિયે કે 1 કે 2 વખત, 1થી 2 કલાક માટે, મુલાકાતો યોજવામાં આવે છે. તેમાં મનોવિશ્લેષણાત્મક ચિકિત્સા, સમર્થનકારી સારવાર, વર્તનલક્ષી સારવાર વગેરે વિવિધ પ્રકારની ઉપચારપદ્ધતિઓનો સમાવેશ કરાય છે. સ્વસહાયક જૂથ (self-help group), પારવિભાગીય વિશ્લેષણજૂથ (transactional analysis group), તાલીમદાતા જૂથ (training group), મનોનાટ્ય (psychodrama) વગેરે વિવિધ પ્રકારનાં જૂથ બનાવીને જૂથ-મનશ્ચિકિત્સા અપાય છે.

(ઋ) સૂચન (suggestion) : સામાન્ય રીતે સમર્થક મનશ્ચિકિત્સામાં સૂચનો કરવાનો પ્રયોગ કરાય છે; પરંતુ સૂચનને પોતાને પણ એક આગવી સારવાર રૂપે પ્રયોજવામાં આવે છે. જોકે આ સારવારપદ્ધતિનો લગભગ બધા જ પ્રકારના તબીબો ઉપયોગ કરતા હોય છે. ક્યારેક તબીબ દર્દીને તેની તકલીફ માટે કોઈ ખાસ અસર કે આડઅસર ન કરે એવી દવા (છદ્મઔષધ, placebo) આપવાનો નિર્ણય કરે ત્યારે તેનાથી ધારી લાભકારક અસર ઉત્પન્ન કરવા માટે દર્દીને ‘સૂચનો’ આપે છે કે આપેલું છદ્મ ઔષધ તેને લાભકારક અસર કરશે. આમ આવા છદ્મઔષધીય પ્રતિભાવ (placebo response) રૂપે વગર દવાએ લાભસ્પષ્ટતા મેળવવા માટે તેનો ઉપયોગ કરાય છે. જો તબીબ વિશ્વાસપૂર્વક તેનો ઉપયોગ કરે તો છદ્મઔષધ વડે તે 33 % દર્દીઓમાં ધારી ઔષધીય અસર ઉત્પન્ન કરાવી શકે છે.

(એ) સંમોહન અથવા મોહાવસ્થા (hypnosis) : પોતાના દ્વારા કે અન્ય દ્વારા કરાયેલાં સૂચનો તરફ વધેલી સૂચનવશ્યતા-(suggestibility)ની કૃત્રિમ સ્થિતિને સંમોહન કહે છે. તેમાં વ્યક્તિનું ધ્યાન તેના તત્કાલીન હાથ પરના કામ પર કેન્દ્રિત થાય છે અને તેની આસપાસની પરિસ્થિતિ પ્રત્યેની સભાનતા ઘટે છે. સન 1775માં એન્ટૉન મૅસ્મરે દેહાતીત મન:સ્થિતિ(trance phenomenon)નો નિયમિત રૂપે ઉપયોગ કર્યો હતો. તેઓ તેને પ્રાણી-આકર્ષિતા (animal magnetism) કહેતા હતા. 19મી સદીમાં જેમ્સ બ્રેઇડે તેનું અંગ્રેજી નામ ‘હિપ્નોટિઝમ’ આપ્યું. દરેક વ્યક્તિને સંમોહિત કરી શકાતી નથી. વ્યક્તિને સંમોહિત કરી શકાશે કે નહિ તે જાણવા માટે આંખો ગોળ-ગોળ ફેરવવાની કે હાથ ઊંચો કરવાની કસોટીઓ કરીને તેની સૂચનવશ્યતા માપી શકાય છે. સામાન્ય રીતે 60 % વ્યક્તિઓને સંમોહિત કરી શકાય છે, પરંતુ ફક્ત 5 %થી 10 % વ્યક્તિઓ જ ઊંડા સંમોહિત દેહાતીત મનસ્થિતિ(deep hypnotic trance)માં જાય છે. દર્દીને સંમોહિત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. જ્યારે વ્યક્તિ સંમોહિત દશામાં આવે છે ત્યારે તે તેના સંમોહકની દરેક આજ્ઞાને સમજ્યા વગર સ્વીકારે છે અને તેનું પાલન કરે છે. સૂચનવશ્ય અને સંમોહનવશ્ય વ્યક્તિઓ બીજી બધી જ સામાન્ય વ્યક્તિઓ જેવી જ હોય છે. તેના શરીરનાં અંગો અને લાગણીઓ વિઘટિત થાય છે. તે સંમોહનાવસ્થાના સમયના અનુભવોને પૂરેપૂરા કે આંશિક સ્વરૂપે ભૂલી જાય છે. સંમોહિત દશામાં તેની પાસે વિવિધ હલનચલન કરાવી શકાય છે, તેનો અનુબોધન (perception) બદલી શકાય છે અને તેની માનસિક તકલીફો દૂર કરી શકાય છે. તેને મનશ્ચિકિત્સાના ભાગ રૂપે વપરાય છે. વ્યક્તિને તેના ભૂતકાળના અનુભવની તીવ્ર લાગણી સાથે ફરીથી જોડીને સચેતન સ્તરમાં પાછો લાવવા માટે આ સારવારપદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો વિવિધ માનસિક રોગોમાં એક સારવાર પદ્ધતિ તરીકે ઉપયોગ કરી શકાય છે; દા.ત., મનોદૈહિક વિકારો, આહારલક્ષી મનોવિકારો, ધૂમ્રપાન જેવી કુટેવો, પીડા, ચિંતાલક્ષી વિકારો વગેરે.

(ઐ) પૂર્વપ્રત્યનુભવ (abreaction) : અગાઉ બની ગયેલા પ્રસંગ પ્રત્યેની દબાયેલી લાગણીઓને ફરીથી બહાર લાવીને સૌપહેલી વાર અનુભવવાની સ્થિતિને પૂર્વપ્રત્યાનુભવ કહે છે. તેના વડે અંતર્મનમાં ઉદભવેલા સંઘર્ષ અંગે દર્દી સભાન બને છે. આ સમયે દર્દી તીવ્ર લાગણીઓ અનુભવે છે. આ રીતે તેના મનમાં પુરાઈ રહેલી અને કદી પણ ન અનુભવાયેલી લાગણીઓ મુક્ત થઈ જાય છે. તેથી તેના મનમાં ઉદભવેલો સંઘર્ષ શમે છે. તેને કારણે દર્દીનો મનોવિકાર પણ શમે છે. પૂર્વપ્રત્યાનુભવને મનશ્ચિકિત્સા તથા સંમોહનક્રિયાના ભાગ રૂપે તેમજ એક અલગ સારવારપ્રકિયા રૂપે ઉપયોગમાં લેવાય છે. પૂર્વપ્રત્યાનુભવ માટે દવાઓનો ઉપયોગ કરાય છે. એમ્ફેટેમાઇન, ઈથર, નાઇટ્રસ ઑક્સાઇડ, લિસર્જિક ઍસિડ ડાયથાયલેમાઇડ (LSD) જેવી વિવિધ દવાઓનો આ કાર્ય માટે ઉપયોગ કરાવાનું નોંધાયેલું છે. એમ્ફેટેનાઇનને નસ વાટે આપ્યા પછી દર્દી વધુ પ્રમાણમાં બોલીને અચેતન સ્તરમાંના ખ્યાલો અને લાગણીઓને પ્રદર્શિત કરે છે. હાલ આ ઔષધોનો સારવાર-પ્રક્રિયામાં ઉપયોગ કરાતો નથી. એમોબાર્બિટાલ અથવા થાયૅપેન્ટૉન સોડિયમ નામનાં ઔષધોને નસ વાટે દ્રાવણના રૂપમાં આપીને પણ આ ક્રિયા કરાવી શકાય છે. તે માટે ડાયાઝેપામ કે કેટામિન નામની દવાઓ પણ વપરાય છે. તે સમયે શ્વસનકાર્યમાં કોઈ વિષમતા ન આવે તે ખાસ જોવું પડે છે. વ્યક્તિ જ્યારે દવાની અસર હેઠળ હોય ત્યારે તેની સાથે વાતચીત કરીને તેના અંતર્મનના વિચારો અને લાગણીઓને વાચા અપાવાય છે. તેનો મુખ્ય ઉપયોગ ધ્યાનાકર્ષિતા(hysteria)ના વિકારમાં થાય છે. દર્દીને શ્વાસોચ્છવાસનો કોઈ વિકાર હોય, તેનાં મૂત્રપિંડ કે યકૃત બરાબર કામ ન કરતાં હોય, તેને પોરફિનતા(porphyria)નો રોગ હોય, તેનું લોહીનું દબાણ ઓછું રહેતું હોય, તે બાર્બિચ્યુરેટ્સ પર અવલંબિત (dependent) હોય કે તેને તીવ્રમનોવિકાર (psychosis) થયેલો હોય તો તેને દવા વડે પૂર્વપ્રત્યાનુભવ કરાવાતો નથી.

(ઓ) સ્નાયુશિથિલન ચિકિત્સાઓ (relaxation therapies) : આ સારવારપદ્ધતિમાં સ્નાયુઓના શિથિલન દ્વારા ચિંતામાં ઘટાડો કરવાની ક્રિયા કરાય છે. ચિંતાથી સ્નાયુઓમાંના તણાવમાં વધારો થાય છે અને સ્નાયુઓમાંના તણાવથી ચિંતામાં વધારો થાય છે. સ્નાયુઓને શિથિલ કરવાની ક્રિયાથી સ્નાયુમાંનો તણાવ અને માનસિક ચિંતા ઘટે છે. મોટાભાગની વર્તનલક્ષી ચિકિત્સાપદ્ધતિઓ-(દા.ત., વિસંવેદીકરણ)માં તેનો ઉપયોગ કરાય છે. સ્નાયુઓને શિથિલ કરવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે; જેવી કે, (1) જેકૉબસન દ્વારા વર્ણવાયેલી સતતવર્ધનશીલ સ્નાયુશિથિલન(progressive muscle relaxation)ની ક્રિયા, જેમાં પહેલાં સ્નાયુઓને તંગ કરાય છે અને પછી તેમને પૂર્વનિશ્ચિત ક્રમાનુસાર પગથી માથા તરફ શિથિલ કરાય છે; (2) સંમોહન (મોહાવસ્થા); (3) યોગ અથવા દેહાતીત ધ્યાનાવસ્થા (transcendental meditation); (4) શવાસન; (5) યોગનિદ્રા, પ્રાણાયામ અને વિપશ્યનાની ક્રિયાઓ તથા (6) જૈવ પ્રતિપોષણ (biofeedback).

(ઔ) જૈવ પ્રતિપોષણ : વ્યક્તિની માનસિક સ્થિતિ તેના શરીરમાં ફેરફારો આણે છે અને તેથી તે તેના હૃદયના ધબકારા, લોહીનું દબાણ તથા તેની સ્નાયુઓની સ્થિતિને અસર કરે છે. વિવિધ વીજાણુયંત્રોની મદદથી શરીરમાં થતા ફેરફારોને નોંધી શકાય છે; જેમ કે, હૃદવીજાલેખ (electrocardiogram, ECG) વડે હૃદયના ધબકારા, મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) વડે મગજમાં થઈ રહેલાં કાર્યોના પ્રમાણની નોંધ, સ્નાયવી વીજાલેખ (electromyogram, EMG) વડે સ્નાયુઓમાં આવેલો તણાવ માપી શકાય છે. આ ઉપરાંત સાધનો વડે લોહીનું દબાણ, નાડીના ધબકારાનો દર વગેરેનું પણ માપન કરી શકાય છે. આ બધાં યંત્રો વડે તેના શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માપીને તેના વિષે વ્યક્તિને તુરત માહિતી આપી શકાય છે. માનસિક સ્થિતિમાં આવતા બદલાવની શરીર પર થતી અસરોની માણસનું સચેત મન તેટલી ઝડપથી નોંધ લેતું નથી. આવી રીતે વીજાણુયંત્રો વડે શરીરમાં ઉદભવતા પ્રતિભાવો માપીને તેમને દર્દીને પોતાને દર્શાવવાની ક્રિયાને જૈવપ્રતિપોષણ કહે છે. તેની મદદથી વ્યક્તિને પોતાના મનોભાવોનું નિયંત્રણ કરવામાં સુગમતા રહે છે અને તે સહેલાઈથી પોતાના સ્નાયુઓનું શિથિલન કરી શકે છે. ચામડીના ગૅલ્વેનિક તરંગ-પ્રતિભાવ (galvanic skin response, GSR) માપવાનું એક સાદું યંત્ર પણ મળે છે. તેને શિથિલનમાપક (relaxometer) કહે છે. તેનો પણ આ માટે ઉપયોગ કરાય છે. વિવિધ મનોદૈહિક વિકારોમાં જૈવપ્રતિપોષણની પ્રક્રિયા ઉપયોગી રહે છે.

ઈન્દિરા ઘનશ્યામ જોશી

શિલીન નં. શુક્લ