મનરો, મૅરિલિન (જ. 1926, લૉસ ઍન્જલિસ, કૅલિફૉર્નિયા; અ. 1962) : જાણીતાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ નૉર્મા જ્યૉ મૉટેન્સિન. તેમનું શૈશવ મોટેભાગે ઉછેર-ગૃહોમાં વીત્યું. 1946માં તેઓ એક ફોટોગ્રાફરનાં મૉડલ બન્યાં. પછી ફિલ્મોમાં ઓછોવત્તો અભિનય કરતાં રહ્યાં.

તે પછી તેમણે અતિમોહક કામુક અભિનેત્રી તરીકે અભિનયપ્રતિભા ઉપસાવી. તેમનાં એવાં કેટલાંક ચિત્રો તે ‘હાઉ ટૂ મૅરી એ મિલિયોનર’ (1953) અને એ જ વર્ષનું ‘જેન્ટલમેન પ્રિફર બ્લૉન્ડ્ઝ’. તેમણે ગંભીર પ્રકારનો પાત્રાભિનય કરવાના ઉદ્દેશથી લી સ્ટ્રેસબર્ગના ‘ઍક્ટર્સ સ્ટુડિયો’માં અભ્યાસ આદર્યો. તેમના ત્રીજા પતિ આર્થર મિલરે લખેલી કથા પરથી સર્જાયેલા ‘બસ સ્ટૉપ’ (1956) તથા ‘ધ મિસ્ફિટ્સ’(1971)માં તેમને ઘણી કીર્તિ સાંપડી.

મૅરિલિન મનરો

તેઓ લંડન ગયાં ત્યારે લૉરેન્સ ઑલિવર સાથે ‘ધ પ્રિન્સ ઍન્ડ ધ શો ગર્લ’ (1957) બનાવ્યું. 1961માં તેમણે આર્થર મિલર સાથે છૂટાછેડા લીધા. ઊંઘની ગોળીઓ અતિશય પ્રમાણમાં લેવાથી 1962માં તેમનું અવસાન થયું અને સમગ્ર દુનિયાએ એ સમાચારથી આઘાત અનુભવ્યો. હૉલિવુડ દ્વારા સૌંદર્ય તથા યૌવનનું જે નિર્દયતાથી શોષણ થતું હતું તેનાં તે પ્રતીક સમાં બની ગયાં છે. તેમના અવસાનના રહસ્યમય સંજોગોનો તાગ પામવા જાહેર માધ્યમો 1990ના દાયકા સુધી શોધ-તપાસ કરી રહ્યાં હતાં.

મહેશ ચોકસી