બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી

January, 2001

બ્રેસ્ટર્ડ, જેમ્સ હેનરી (જ. 1865, રૉકફૉર્ડ II, અમેરિકા; અ. 1935) : પુરાતત્વવિજ્ઞાની અને ઇતિહાસકાર. તેમણે અમેરિકામાં ઇજિપ્ત-વિદ્યાનો સૌપ્રથમ આરંભ અને અભ્યાસ કર્યો. તેમણે યેલ યુનિવર્સિટી તથા બર્લિનમાં પણ અભ્યાસ કર્યો હતો. 1894માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 1894માં 5 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ અભ્યાસ-સંશોધનના પુસ્તક ‘ઍન્શિયન્ટ કૉર્ડ્ઝ ઑવ્ ઇજિપ્ત’માં (1906) તેમણે ચિત્રલિપિમાં લખાયેલા તમામ શિલાલેખોનું લિપ્યંતર કુશળતાપૂર્વક અને અધિકૃત શૈલીમાં કર્યું છે. 1919માં જૉન ડી રૉકફેલરની નાણાકીય સહાયના આધારે તેમણે પ્રાચીન ઇજિપ્ત તથા પશ્ચિમ એશિયા વિશેના સંશોધનને ઉત્તેજન આપવા શિકાગોમાં પોતાના ‘ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્વતંત્ર રીતે સ્થાપના કરી.

મહેશ ચોકસી