બ્રેસ્ત-લિતોવસ્કની સંધિ

January, 2001

બ્રેસ્ત-લિતોવસ્કની સંધિ : ઑક્ટોબર 1917ની ક્રાંતિ બાદ સોવિયેત રશિયાની સરકારે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી જવા જર્મની સાથે કરેલી સંધિ. લેનિન માનતો હતો કે ક્રાંતિ અને પોતાની સત્તા જાળવવા કોઈ પણ ભોગે જર્મની સાથે સંધિ કરવી જોઈએ. બ્રેસ્ત-લિતોવસ્કમાં સોવિયેત પ્રતિનિધિમંડળના આગેવાન વિદેશમંત્રી ત્રોત્સ્કીએ જર્મની અને ઑસ્ટ્રિયાના વિદેશમંત્રીઓ સાથે મંત્રણા શરૂ કરી. 3જી માર્ચ, 1918ના રોજ થયેલી સંધિ અનુસાર રશિયાએ ઉત્તર અને દક્ષિણના બાલ્ટિક પ્રાંતો જર્મનીને સોંપી દીધા. રશિયાને યુક્રેન તથા ફિનલૅન્ડ ખાલી કરવાની ફરજ પડી. રશિયાએ તુર્કીને તેના જીતેલા પ્રદેશો તથા ટ્રાન્સ-કોકેસિયન સરહદના પ્રદેશો પાછા સોંપી દેવા પડ્યા અને લશ્કર વિખેરી નાખવું પડ્યું. જર્મનીના જીતેલા પ્રદેશોમાં સામ્યવાદી આંદોલનો બંધ કરવાની રશિયાએ ખાતરી આપી. 1904ના જર્મની-રશિયા વચ્ચેના વ્યાપાર-કરાર સુધારેલા સ્વરૂપમાં તાજા કરવામાં આવ્યા. આ સંધિ રશિયાને માટે આપત્તિજનક તથા શરમજનક હતી. તેણે પ્રદેશો, કાપડ તથા પોલાદના ઉદ્યોગો અને કોલસાની ખાણો ગુમાવી. આમ ક્રાંતિને સ્થિર કરવા રશિયાને ઘણો મોટો ભોગ આપવો પડ્યો; પરન્તુ પ્રથમ  વિશ્વયુદ્ધમાં જર્મની, ઑસ્ટ્રિયા, બલ્ગેરિયા તથા તુર્કીનાં ધરી-રાજ્યોનો પરાજય થવાથી સંધિની કેટલીક શરતોનો અમલ થયો નહિ.

જયકુમાર ર. શુક્લ