બ્રેસ્ટ : ફ્રાન્સના વાયવ્ય કિનારે બ્રિટાની દ્વીપકલ્પના પશ્ચિમ છેડા પર આવેલું શહેર, ઔદ્યોગિક ક્ષેત્રે સંકળાયેલું મહત્વનું વાણિજ્યમથક તથા શ્રેષ્ઠ કક્ષાનું લશ્કરી બંદર. વળી તે ફ્રાન્સનું મુખ્ય નૌકાકેન્દ્ર તથા આણ્વિક પનડૂબી (nuclear submarine) માટેનું મથક પણ છે. ભૌગોલિક સ્થાન : 48° 24´ ઉ. અ. અને 4° 29´ પ. રે. તે પૅરિસથી પશ્ચિમે 500 કિમી.ને અંતરે તથા રેનાંથી વાયવ્યમાં 248 કિમી.ને અંતરે આવેલું છે. અહીં ટેકરીઓથી ઘેરાયેલો ખુલ્લી છીપ આકારનો ઉપસાગર આવેલો હોવાથી તેમજ દરિયાઈ ધાર પરનાં જળ ઊંડાં હોવાથી બંદર આરક્ષિત બની રહેલું છે. આ કારણે તે ફ્રાન્સનું મુખ્ય નૌકામથક તથા ફ્રેન્ચ નૌકા અકાદમીનું મુખ્ય મથક બન્યું છે.

શહેરનું અર્થતંત્ર વહાણવટા તેમજ નૌકામથકની પ્રવૃત્તિઓ પર નભે છે. આ ઉપરાંત, રસાયણો, પોશાકો, વીજાણુ-આધારિત સામગ્રી, યંત્રસામગ્રી, ઇજનેરી સામગ્રી, સુતરાઉ કાપડ, હોઝિયરી અને પગરખાં જેવી અહીં થતી પેદાશો પણ અર્થતંત્રમાં ફાળો આપે છે.

ઈ. પૂ.ના 50 વર્ષના ગાળામાં, જ્યાં આજે બ્રેસ્ટ વસેલું છે ત્યાં રોમન સૈનિકોએ વસાહત સ્થાપેલી. 1631માં ત્યાંના દરિયાઈ બારાના બાંધકામ પછી શસ્ત્રાગાર તથા દારૂગોળા સહિતનું લશ્કરી મથક સ્થપાયું. તેની સાથે સાથે જહાજવાડા તેમજ વહાણવટાનો ઉદ્યોગ પણ વિકસ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં જર્મન દળોએ આ શહેરનો કબજો લઈ લીધેલો. દરિયાઈ બારું સુરક્ષિત હોઈ જર્મનોએ તેનો પનડૂબી (submarine) મથક તરીકે પણ ઉપયોગ કરેલો. વિશ્વયુદ્ધ દરમિયાન મોટાભાગનું શહેર તારાજ થઈ ગયેલું, પરંતુ પછીનાં થોડાંક જ વર્ષોમાં તારાજ થયેલા ભાગોનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું. વેપાર માટે એક અલગ બંદર-વિભાગનું નિર્માણ પણ કરવામાં આવ્યું. હવે બ્રિટન તથા યુ.એસ. ખાતેથી આયાત કરવામાં આવતા કોલસાનું અહીંથી વિતરણ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા