બ્રહ્મગિરિ : ભારતમાં કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં આવેલું પુરાતત્વીય મહત્વનું સ્થળ. અહીં તેમજ નજીકના સિદ્દાપુર અને જતિંગ-રામેશ્વરમાંથી બી. એલ. રાઇસને 1882માં મૌર્ય સમ્રાટ અશોકના એક ગૌણ શૈલલેખની ત્રણ નકલો મળી આવી હતી. મોર્ટિમર વ્હિલરની દેખરેખ નીચે 1947થી બ્રહ્મગિરિમાં ભારતીય પુરાતત્ત્વખાતા દ્વારા ઉત્ખનન અને પુનરુત્ખનન હાથ ધરાયાં. એમાંથી ત્રણ સંસ્કૃતિઓના અવશેષો પ્રાપ્ત થયા છે : (1) નૂતન પાષાણ અને તામ્રપાષાણના મિશ્રણવાળી ઈ. પૂ. પહેલી સહસ્રાબ્દીના પૂર્વ ભાગથી ઈ. પૂ. બીજી સદી સુધી પ્રચલિત સંસ્કૃતિ. (2) તેના પર ઈ.પૂ. 200થી ઈ. સ. 100ના અવશેષો ધરાવતી મહાપાષાણ (મેગાલિથ) સંસ્કૃતિ પથરાઈ. (3) આ સંસ્કૃતિ પર, આંધ્રસિક્કાઓની ઉપસ્થિતિને કારણે જેને ‘આન્ધ્ર સંસ્કૃતિ’ કહેવામાં આવી છે તે પથરાઈ છે.

પ્રથમ સંસ્કૃતિના અવશેષોમાં મુખ્યત્વે તાંબાની ફરસી, તાંબા તેમજ કાંસાના બે સળિયા, હાથ-બનાવટનાં માટીનાં વાસણો તેમજ નાનાં બાળકો અને મોટી વ્યક્તિઓ માટેની એવી બે પ્રકારની દફનપેટીઓ મળેલી છે.

મહાપાષાણ સંસ્કૃતિવાળા વિસ્તારમાંથી લોખંડનાં ઓજારોમાં દાતરડું, છરીઓ, તલવારો, ભાલા, બાણનાં ફળાં, શંકુ આકારના લોખંડના ટુકડા, પથ્થરની ચળકતી કુહાડીઓ અને ક્યારેક લઘુ ઓજારો મળ્યાં છે. અહીંથી મળેલાં વાસણો અંદરથી કાળાં અને બહારથી કાળા અને લાલ રંગનાં છે.

પથ્થરનાં ઓજારોમાં 15 જેટલી પૉલિશ કરેલી આખી અને 29 ભાંગેલી કુહાડીઓ મળી છે. 102 જેટલાં પથ્થરનાં નાનાં નાનાં ઓજારો અને 23 પથ્થરની અનિયમિત આકારની પાતળી ચીપો પણ મળી આવી છે.

લોખંડનાં 27 ઓજારો મળ્યાં છે; જેમાં છરીઓ, ધારદાર બ્લેડો, ફરસી, બે દાતરડાં, બે બાજુ ધારવાળું ચપ્પું, તલવાર, હાથાવાળું કાપવાનું સાધન, ભાલા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાંબાની પાંચ સાદી બંગડીઓ પણ મળી છે.

આન્ધ્ર સંસ્કૃતિવાળા વિસ્તારમાંથી સિરેમિકનાં સુંદર વાસણો મળ્યાં છે, જે ચળકાટવાળાં છે. એની ઉપર સીધી અને આડી રેખાઓનાં અંકન કરેલાં છે. આ ઉપરાંત નાળચા ઘાટનાં કાળા રંગનાં વાસણો, ઢાંકણવાળા વાડકા, સાંકડા મોઢાની બરણીઓ, બે બાજુ હાથાવાળાં ઢાંકણાં સાથેના ત્રણ પાયાવાળા ચંબુઓ પણ મળ્યા છે. આ સમયનાં માટીનાં વાસણો સાદાં અને વપરાશવાળાં હતાં. એના ઉપર કરેલું સુશોભન પણ સાદું હતું. આ સંસ્કૃતિવાળા વિસ્તારનું ઉત્ખનન થયા પહેલાં કાળા અને ઝાંખા લાલ રંગથી સુશોભન કરેલી એક બરણી પ્રાપ્ત થઈ છે. માટીનાં વાસણોના છ ટુકડાઓ ઉપર રેખાંકનો કરેલાં મળ્યાં છે; જે વાસણને પકવ્યા પછી તેના ઉપર કરેલાં હોય એમ જણાય છે.

આ ઉપરાંત આન્ધ્ર સંસ્કૃતિવાળા વિસ્તારમાંથી 53 જેટલી છીપલાં, માટી, હાડકાં, કાચ, કાંસા તેમજ સુવર્ણની બંગડીઓ ઉપલબ્ધ થઈ છે. ખનિજ મૅગ્નેસાઇટ અને ચૂનાના બનેલા સફેદ મણકા દફનસ્થળ ઉપર લોખંડનાં સાધનો અને ઘડાઓની વચ્ચે છૂટાછવાયા પડેલા મળ્યા છે. આ મણકા આકારમાં ગોળ, લંબગોળ, નળાકાર લંબગોળ અને બંને બાજુ કાણાંવાળા જોવા મળે છે. આ ઉપરાંત કાચ, અકીક, માટી, રાતો મણિ, પથ્થર અને સોનાના મણકા અને આંધ્રવંશના સિક્કા પણ પ્રાપ્ત થયા છે.

ભારતી શેલત