બ્રહ્મગુપ્ત (ઈ. સ. 598–665) : ભારતીય જ્યોતિષ અને ગણિતના વિદ્વાન લેખક. મૂળ વતન રાજસ્થાનમાં શ્રીમાળ–ભિન્નમાળ. પિતાનું નામ જિષ્ણુ. એ સમયમાં ગુજરાત છેક શ્રીમાળ–ભિન્નમાળ સુધી વિસ્તરેલ હોઈ લગભગ ગુજરાતી કહી શકાય તેવા આ જ્યોતિર્વિદે ભરયુવાનીમાં ત્રીસમે વર્ષે 24 અધ્યાયોનો બનેલો જ્યોતિષ અને ગણિતને ચર્ચતો ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો છે.

શાકલ્યોક્ત બ્રહ્મસિદ્ધાંત બ્રહ્મગુપ્તના ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ ગ્રંથ કરતાં જુદો છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’ અને શાકલ્યના ટીકાકાર ભટ્ટ ઉત્પલ પણ ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’નો ઉલ્લેખ કરતા નથી. 10 અધ્યાયોનો બનેલો બ્રહ્મગુપ્તે લખેલો ‘ખંડનખાદ્યક’ ગ્રંથ પણ જાણીતો છે.

‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો અધ્યાય પણ તેમણે રચ્યો છે. આ અધ્યાયમાં સિદ્ધાંત નથી, ફળાદેશ છે. તે અધ્યાય હાલમાં અપ્રાપ્ય છે. આ અધ્યાયને લેખક અત્યંત ગુપ્ત અને મહત્વનો પોતે ગણે છે. પોતાના વિશ્વાસુ અને લાયક શિષ્યોના અધ્યયન માટે જ તેમણે આ ‘ધ્યાનગ્રહ’ નામનો અધ્યાય કહ્યો છે એમ તેમનું કથન છે.

મહાન ભારતીય ખગોળશાસ્ત્રી અને જ્યોતિષી ભાસ્કરાચાર્યે પોતાના ગ્રંથ ‘સિદ્ધાંતશિરોમણિ’માં બ્રહ્મગુપ્તના સિદ્ધાંતો સ્વીકાર્યા છે. બ્રહ્મગુપ્તના બ્રહ્મસિદ્ધાંતને ભાસ્કરાચાર્યે વધુ સ્ફુટ કરી તેમનું કાર્ય આગળ વધાર્યું છે.

આજે જ્યોતિષ, ગણિત કે ખગોલીય ગણિત જે સ્વરૂપે પ્રાપ્ત થાય છે તેમાંના મોટાભાગના સિદ્ધાંતોની મૂળ સ્થાપના બ્રહ્મગુપ્તે કરી છે. ગ્રહસ્પષ્ટીકરણ વિશેના તેમના સિદ્ધાંતો મૌલિક છે. વેધ તેમજ તે અંગેનાં ઉપકરણોનું વર્ણન તેમણે કર્યું છે. જ્યોતિષ-ગણિતના માપદંડરૂપ તુરીયયંત્રનું નિર્માણ બ્રહ્મગુપ્તે જ સૌપ્રથમ કર્યું. ગ્રહનું સ્થાન નક્કી કરવાની સ્વતંત્ર રીત પણ તેમણે આપી છે. એ રીત પ્રત્યક્ષ ગણિત સાથે બરાબર મેળ ધરાવે છે.

આજે પ્રચલિત ‘બીજગણિત’ એ આર્યભટ્ટની દેણ છે એમ સ્થાપિત થયું છે; છતાં પણ સંશોધનને અંતે બે આર્યભટ્ટ મળે છે. જે બ્રહ્મગુપ્તની પૂર્વે થઈ ગયા તે આર્યભટ્ટ પહેલામાં કે તેમના ગ્રંથોમાં બીજગણિત જોવા મળતું નથી. જેમણે બીજગણિતના સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે તે આર્યભટ્ટ (બીજા) બ્રહ્મગુપ્ત પછી થયા છે. બ્રહ્મગુપ્તે નિરૂપેલ બીજગણિત આર્યભટ્ટ(બીજા)ની પહેલાંનું હોઈ, પ્રચલિત બીજગણિતના સિદ્ધાંતોનો મૌલિક પુરસ્કર્તા બ્રહ્મગુપ્ત છે. જૈન જ્યોતિષમાં બે સૂર્ય અને બે ચંદ્ર માનવામાં આવે છે. તેનું બ્રહ્મગુપ્તે ‘ખંડનખાદ્યક’માં ખંડન કર્યું છે.

આમ, બ્રહ્મગુપ્ત સિદ્ધાંતવિશોધક તેમજ મૌલિક સંશોધનકાર હતા. તેમના ગ્રંથોનું અરબી ભાષામાં ભાષાંતર થવાથી તેમની કીર્તિ અરબસ્તાન અને તુર્કસ્તાનમાં પણ ફેલાઈ હતી.

ખલીફા મનસૂરના સમયમાં ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’નું ‘અસિંધ હિંદ’ એવા નામથી અને ‘ખંડનખાદ્યક’નું ‘અલ અકરંદ’ એવા નામથી અરબીમાં ભાષાંતર થયું હતું. ફારસી ભાષામાં પણ આ બે ગ્રંથોનું ભાષાંતર થયેલું. ભાસ્કરાચાર્યે બ્રહ્મગુપ્તને સાભિપ્રાય ‘ગણકચક્રચૂડામણિ’નું બિરુદ આપેલું.

બટુક દલીચા