બ્રસેલ્સ : બેલ્જિયમનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. બેલ્જિયમમાં તે પાંચમા ક્રમે આવતું (વસ્તી : 1,37,738–1991) મોટું શહેર છે, પરંતુ તેનાં તમામ પરાં-વિસ્તારોને સાથે લેતાં તે દેશનું સૌથી મોટું (વસ્તી : 9,89,877–1991) મહાનગર બની રહે છે. તે આંતરરાષ્ટ્રીય આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવા ઉપરાંત, ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું, યુરોપીય સંઘનું તથા ‘નાટો’(નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)નું વડું મથક પણ છે.

મહાનગર બ્રસેલ્સને સત્તાવાર રીતે દ્વિભાષી વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે. અહીં ફ્રેન્ચ અને ડચ બંને ભાષાઓ શિક્ષણમાં તેમજ જાહેર વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે; તેમ છતાં અહીંના મોટા ભાગના લોકો તેમના રોજબરોજના વ્યવહારમાં ફ્રેન્ચ ભાષાનો જ વધુ ઉપયોગ કરે છે. આ કારણે આ શહેરને ફ્રેન્ચભાષીઓ બ્રક્સેલ્સ અને ડચભાષીઓ બ્રસેલ્સ નામથી નિર્દેશે છે.

શહેર : બ્રસેલ્સ શહેરની સરહદનો આકાર હૃદયને મળતો આવે છે. શહેરનો જૂનો મધ્યસ્થ વિભાગ ‘લોઅર સિટી’ કહેવાય છે, તેમાં શહેરના હાર્દસમો, મુખ્ય ગણાતો ‘ગ્રાન્ડ પ્લેસ’ નામનો ચોક આવેલો છે. ચોકની આજુબાજુ સત્તરમી સદીમાં બંધાયેલી, વિસ્તૃતપણે શણગારેલી ઇમારતો છે. પંદરમી સદીનું નગરગૃહ પણ આ ચોકની સામે જ છે.

લોઅર સિટીની પૂર્વ તરફ ‘અપર સિટી’ આવેલું છે. તેમાં ઓગણીસમી સદી દરમિયાન અને વીસમી સદીની શરૂઆતના સમયની ઘણી અગત્યની ઇમારતો આવેલી છે. આ ઉપરાંત શાહી મહેલ, સંસદ ભવન, સરકારી કાર્યાલયો ધરાવતી ઇમારતો પણ છે. બંને શહેરી વિભાગોની આજુબાજુ ઘણી અન્ય ઇમારતો તથા પરાં વિકસ્યાં છે.

ટાઉનહૉલ, બ્રસેલ્સ

બ્રસેલ્સમાં આવેલી ફ્રી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુવિધા જાળવી રાખવાના હેતુથી બંને ભાષાઓની પાંખો કામ કરે છે. અહીંનાં સાંસ્કૃતિક આકર્ષણોમાં લલિત કલાનાં, અર્વાચીન કલાનાં, નૅચરલ હિસ્ટરીનાં સંગ્રહાલયો તથા આલ્બર્ટ (I) પુસ્તકાલયનો સમાવેશ થાય છે. થિયેટર દ લા મોનેમાં ઑપેરા તથા નૃત્યનાટિકાઓના જલસા યોજાતા રહે છે.

અર્થતંત્ર : બ્રસેલ્સ દેશનું બૅંકિંગ અને વીમાક્ષેત્ર માટેનું તથા પરિવહન-ઉદ્યોગનું મથક છે. અહીંના મોટા ભાગના લોકો સરકારી કાર્યાલયોમાં કે યુરોપીય સંઘની એજન્સીઓમાં કામ કરે છે. અહીંનાં ઉત્પાદનોમાં રસાયણો, ઔષધો, ખાદ્યસામગ્રી, કાગળ અને સુતરાઉ કાપડનો સમાવેશ થાય છે. આ શહેર યુરોપીય રેલમાર્ગો તથા સડકમાર્ગો પર આવેલું મહત્વનું મથક બની રહેલું છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા પણ છે.

ઇતિહાસ : બ્રસેલ્સની સ્થાપના ક્યારે થયેલી તેની માહિતી ઇતિહાસકારો પાસે નથી; પરંતુ દસમી સદી સુધી આ સ્થળ પશ્ચિમ જર્મની અને ઉત્તર ફ્રાન્સને જોડતા વેપારી માર્ગો પરનું રોકાણમથક હોવાની જાણકારી મળે છે. સદીઓ સુધી બ્રસેલ્સ પર બર્ગેન્ડિયનો, સ્પેનિયાર્ડો, ઑસ્ટ્રિયનો, ફ્રેન્ચો તથા ડચ જેવી વિદેશી સત્તાઓનો અંકુશ રહેલો.

1830માં બેલ્જિયમ સ્વતંત્ર થયું ત્યારે બ્રસેલ્સ તેનું પાટનગર બન્યું. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન દળોએ બબ્બે વાર બ્રસેલ્સનો કબજો લઈ લીધેલો, જોકે અહીં ઓછામાં ઓછી તારાજી થયેલી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ પછી ફ્રેન્ચ-ડચ લોકો વચ્ચે ભાષાકીય પરિસ્થિતિ તંગ બનેલી. આ કડવાશ બીજા વિશ્વયુદ્ધ બાદ વધી ગઈ. 1967થી 1971 સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવા બંધારણીય ફેરફારો કર્યા અને તે મુજબ બ્રસેલ્સને દ્વિભાષી વિસ્તાર બનાવવામાં આવ્યો. બંધારણની રૂએ બેલ્જિયમના ત્રણ આર્થિક વિભાગો પાડ્યા, બ્રસેલ્સ તે પૈકીનો એક મહાનગર-વિસ્તાર બની રહેલો છે.

ગિરીશભાઈ પંડ્યા