બાજ બહાદુર (સોળમી સદી) : અકબરનો સમકાલીન, માળવાનો સુલતાન અને પ્રસિદ્ધ સંગીતકાર. શેરશાહે (1538–1545) માળવા જીત્યું, તે પછી તેણે ત્યાંની હકૂમત શુજાઅતખાન નામના અમીરને સોંપી હતી. તેના મૃત્યુ પછી તેનો પુત્ર બાજ બહાદુર માળવાનો સુલતાન બન્યો. તેણે 1554થી 1564 સુધી રાજ્ય કર્યું હતું. તે મહાન સંગીતકાર હતો. તેણે ‘બાજખાની’ ગાયકીનો પ્રચાર કર્યો. તે હિંદી ગીતોમાં તથા સંગીતશાસ્ત્રના જાણકાર તરીકે પ્રવીણ હતો. સારંગપુરની રાજકુમારી રૂપમતી સાથેનો તેનો પ્રેમ લોકપ્રચલિત વાતોમાં ખૂબ ગવાયેલો છે. તેઓ બંને અસાધારણ પ્રેમી હતાં. તેમના પ્રણયને વર્ણવતાં અનેક કાવ્યો, ગીતો તથા ગઝલો લખાયાં છે. તેઓ બંને કવિ હતાં. ગઝલ, ધૂન, ચતરંગ, લાવણી, ઠૂમરી, કવ્વાલી વગેરેમાં આ હિંદુ-મુસ્લિમ યુગલનું પ્રદાન નોંધપાત્ર છે. નર્મદા નદીને કિનારે માંડવગઢમાં આવેલો રૂપમતીનો મહેલ તેના રૂપ અને બાજ બહાદુરના તેના પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું પ્રતીક છે.

મુઘલ શહેનશાહ અકબરે 1561માં માળવા જીતવા માટે લશ્કર મોકલ્યું. બાજ બહાદુરે તેનો સામનો કર્યો. પરંતુ તેના અસંતુષ્ટ અફઘાન લશ્કરી અધિકારીઓ તેને છોડી ગયા. તેથી 29 માર્ચ 1561ના રોજ તે હાર્યો અને નાસીને ખાનદેશ ગયો. તેનો અઢળક ખજાનો, હાથીઓ તથા જનાનખાનું વિજેતાઓના હાથમાં આવ્યાં. તેમના હાથમાંથી બચવા માટે, તેની પ્રેયસી રૂપમતીએ ઝેર પીને પોતાના જીવનનો અંત આણ્યો. અકબરના લશ્કરે સ્ત્રીઓ અને બાળકો સહિત માળવાના અસંખ્ય નિર્દોષ લોકોની ઘાતકી કતલ કરી. ત્યારબાદ ખાનદેશના મુબારકખાન અને વરાડના તુફાલખાનની મદદથી બાજ બહાદુરે મુઘલ સેનાને હઠાવી માળવા કબજે કર્યું. બીજે વર્ષે 1562માં અબદુલ્લાખાનની આગેવાની હેઠળ મુઘલ સેનાએ માળવા પર ચડાઈ કરી. બાજ બહાદુર ચિતોડ નાસી ગયો અને ત્યાં તેણે આશ્રય લીધો. નવેમ્બર 1570 સુધી ભાગેડુ તરીકે જીવન વિતાવ્યા બાદ, બાજ બહાદુર નાગોર- (રાજસ્થાન)માં અકબરની શરણાગતિ સ્વીકારીને તેની નોકરીમાં રહ્યો.

જયકુમાર ર. શુક્લ

બટુક દીવાનજી