બાજ (falcon) : બંદૂકની ગોળી જેવું નળાકાર શરીર, મજબૂત બાંધો, લાંબી પૂંછડી અને અણીદાર લાંબી પાંખવાળું શિકારી પક્ષી. તીક્ષ્ણ ર્દષ્ટિ, સશક્ત પગ, તીણા અને વળેલ મજબૂત નહોરવાળા પંજા અને આંકડી(દાંત)યુક્ત ખાંચવાળી ચાંચ ધરાવતું આ પક્ષી શિકાર કરવામાં પાવરધું છે. શિકારની શોધમાં આકાશમાં ઊંચે ભમતું આ પક્ષી, ભક્ષ્ય નજરે પડતાં, તુરત જ ઝડપથી ફલાંગ મારીને જમીન પરના ભક્ષ્યને અથવા તો પાણીમાંની માછલીને પકડી શીઘ્ર ગતિએ આકાશમાં ઊડી જાય છે.

બાજ દુનિયામાં સર્વત્ર છે. તે ઘાસિયા જમીન, જંગલ, રણ તેમજ દરિયાકિનારા જેવા વિસ્તારોમાં વાસ કરે છે. બાજનું વર્ગીકરણ ફાલ્કૉનિફૉર્મિસ શ્રેણીના ફાલ્કોનિડે કુળની ‘ફાલ્કો’ પ્રજાતિ તરીકે કરવામાં આવે છે. બાજની આશરે 50 જેટલી જાત નોંધાયેલી છે. નાના બાજને અંગ્રેજીમાં ‘kestrel’ કહે છે. બાજ જેવાં દેખાતાં ઍસિપિટર પ્રજાતિનાં પક્ષીઓ પણ સામાન્યપણે બાજ તરીકે ઓળખાય છે.

અગાઉ ભારતના શિકારના શોખીન અનેક રાજા-મહારાજાઓ બાજને પાળતા અને તેને તથા તેના જેવાં પક્ષીઓને શિકાર કરવાની ખાસ તાલીમ આપતા. જોકે હાલમાં ભારતમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે; પરંતુ અરબ દેશોના ઘણા શેખ-સુલતાનો તેમજ કેટલાક યુરોપ અને અમેરિકાના શોખીનો બાજને શિકાર કરવાની તાલીમ આપે છે : આ તાલીમ ‘ફાલ્કનરી’ તરીકે જાણીતી છે. આ તાલીમ બે રીતે અપાય છે. એક પ્રકારમાં શિકારી હાથમોજાં પહેરે છે અને શિકારી પક્ષીને પોતાની મૂઠી પર બેસવાની તાલીમ આપે છે. બીજા પ્રકારમાં બાજને ‘lure’ નામે ઓળખાતા નિશ્ચિત સ્થાને આવીને બેસવાનું શિખવાડાય છે. આ સ્થાન ઝોલ ખાતી દોરડી જેવું હોય છે. ગૉસ હૉક, કૂપર હૉક જેવાં નાની પાંખ ધરાવતાં પક્ષીઓને પણ શિકારીના હાથમોજાં પર આવીને ઊતરવાનું શિખવાડાય છે.

પેરેગ્રાઇન બાજ ઊડતી અજાયબી (flying marvel) તરીકે પ્રખ્યાત છે. સામાન્યપણે તે 150 કિમી. કરતાં વધારે ઝડપથી છલાંગ મારીને ભક્ષ્યને પકડે છે અને પ્રસંગોપાત્ત, 300 કિમી. કરતાં વધારે ઊડવાની ક્ષમતા ધરાવે છે. તે પગની પાછલી આંગળીના તીણા નહોરથી ભક્ષ્યને મારી નાખે છે.

પેરેગ્રાઇન નર બાજ ઝાડ પર અથવા તો ડુંગરની ટોચે માળા બાંધે છે અને સંવનનકાળ દરમિયાન માદાનું ધ્યાન માળા પ્રત્યે દોરે છે. માદાનું ધ્યાન દોરવા નર વિશિષ્ટ રીતે અને સીધી લીટીમાં ધીમેથી માળા તરફ પ્રયાણ કરે છે; પરિણામે માદા માળા તરફ જવા પ્રેરાય છે. સંવનનને પરિણામે માદા 3થી 5 ઈંડાં મૂકે છે. ઈંડાંનાં કવચ માટી જેવા રંગનાં હોય છે અને તેના પર કથ્થાઈ રંગનાં ટપકાં પ્રસરેલાં જોવા મળે છે.

બાજ (falcon)

સૌથી મોટું બાજ એટલે ગાયર બાજ. ઉત્તર ધ્રુવ વિસ્તારમાં વસતું આ બાજ 60 સેમી. કરતાં વધારે લાંબું, રંગે શ્વેત અથવા કથ્થાઈ હોય છે.

ઑસ્ટ્રેલિયામાં વસતાં તપખીરિયાં બાજ (brown falcon) પેરેગ્રાઇન બાજ કરતાં કદમાં સહેજ નાનાં હોય છે. ગોળાકાર પૂંછડી એ તપખીરિયા બાજનું વૈશિષ્ટ્ય ગણાય છે.

જંગલ-બાજની પાંચ જાતિઓ નોંધાયેલી છે. તેની લંબાઈ 30થી 60 સેમી. જેટલી, જ્યારે વજન 200થી 700 ગ્રામ વચ્ચે હોય છે. તેનાં પીંછાં રાખોડી અથવા તો કથ્થાઈ રંગનાં હોય છે. દક્ષિણ અમેરિકાનાં હસતાં બાજ (laughing falcon) 40 સેમી. જેટલાં લાંબાં હોય છે. તેનાં ઉપરની બાજુનાં પીંછાં ઘેરાં જ્યારે નીચેનાં ઝાંખાં પીળાં હોય છે.

ઠિંગુજી બાજ (pigmy falcon) અને ફાલ્કોનેટ્સ બાજની નાની જાતિઓ તરીકે પ્રસિદ્ધ છે. ફિલિપીન ફાલ્કોનેટ સૌથી નાનાં બાજ છે અને તે કીટકોનો શિકાર કરે છે. નાની જાતો 2થી 3 દિવસોના અંતરે કુલ 3થી 5 ઈંડાં મૂકે છે. ઈંડાંનું સેવન 25થી 32 દિવસ સુધીનું હોય છે. તેનાં બચ્ચાં માળામાં 25થી 32 દિવસ રહી પછીથી ઉડ્ડયન કરે છે. આ નાની જાતો પ્રજનનકાળ દરમિયાન બકબક (chattering) એવો અવાજ કરે છે.

ઘણા નાના બાજને અંગ્રેજીમાં ‘kestrel’ કહે છે. કેસ્ટ્રેલ મોટાભાગે લાલ-તપખીરિયા રંગનાં હોય છે, જ્યારે પૂંછડી રંગે રાખોડી હોય છે. તેની પાંખ લાલ-તપખીરિયા રંગની હોય છે. બાજની લંબાઈ 20થી 40 સેમી. જેટલી હોય છે. સામાન્ય કેસ્ટ્રેલ(common kestrel)નું શાસ્ત્રીય નામ છે Falcon finnunculus. તે યુરોપ, એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. અમેરિકન કેસ્ટ્રેલ Falcon sparverius ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકાનું સામાન્ય વતની છે. લેસર કેસ્ટ્રેલ – Falcon naumanni – મધ્ય યુરોપ અને મધ્ય સમુદ્રની આસપાસ જોવા મળે છે. તેઓ મકાન, વૃક્ષો તેમજ ડુંગરની ટોચે માળો બાંધે છે અને ઉંદર તેમજ નાના કીટકોનો શિકાર કરે છે. ઘણીવાર આ પક્ષીઓને રાજમાર્ગોની બંને બાજુએ આવેલ ઘાસમાં શિકાર કરતાં જોઈ શકાય છે.

ફાલ્કૉનિફૉર્મિસ શ્રેણીનું ઍસિપિટ્રિડે કુળનું અંગ્રેજીમાં hawk નામે નિર્દેશાતું પક્ષી પણ બાજ તરીકે જાણીતું છે. તેની 64 જેટલી પ્રજાતિઓ અને 217 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ગૉસ હૉક નામે ઓળખાતાં પક્ષીઓની માદા 60 સેમી. જેટલી લાંબી, જ્યારે નર 50 સેમી. લાંબા કદના હોય છે. તેઓ મજબૂત બાંધાના અને અત્યંત ચપળ હોય છે. તે કાગડા જેવાં મોટાં પક્ષી તેમજ પ્રમાણમાં નાના કદનાં ખિસકોલી જેવાં સસ્તનોનો શિકાર કરે છે. ગૉસ હૉકની અનેક જાતિઓ નોંધાયેલી છે; દા.ત., શ્વેત હૉક (Accipiter novachollandiae), ગાતું હૉક [chattering hawk (Melierax sp.)] વગેરે. ચકલી હૉક(sparrow hawk)ની પાંખ નાની અને પૂંછડી લાંબી હોય છે. ખાસ કરીને ગાઢ જંગલમાં ભક્ષ્યની શોધ માટે સુકાન તરીકે વાળવામાં પૂંછડી ઉપયોગી નીવડે છે. યુરોપના ચકલી હૉકનું શાસ્ત્રીય નામ Accipiter nisus છે. તે 30થી 70 સેમી. લાંબું અને વજનમાં 100થી 2,000 ગ્રામ જેટલું હોય છે. તેની ઉપરની સપાટી પરનાં પીંછાં ભૂખરાં કે શ્યામ, જ્યારે નીચેની સપાટી પરનાં પીંછાં સફેદ અથવા લાલાશ પડતા પટાવાળાં હોય છે. આમ તો ચકલી હૉક દુનિયામાં સર્વત્ર ફેલાયેલું છે. માદા સંવનનકાળ દરમિયાન 3થી 5 ઈંડાં મૂકે છે અને તેના સેવનની અવધિ 4થી 5 અઠવાડિયાંની હોય છે. બચ્ચાં માળામાં 5થી 6 અઠવાડિયાંનો સમય પસાર કરીને પુખ્ત બને છે.

ભારતમાં વસતા બાજમાં પેરેગ્રાઇન બાજ, ગૉસ હૉક, ચકલી હૉક, શ્યામ કલગી બાજ, કેસ્ટ્રેલ, લાલ માથાવાળા મેર્લિન, શિકરા, લાલ પગવાળા બાજ વગેરેનો સમાવેશ થાય છે.

નયન કે. જૈન