બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર

January, 2000

બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર : બાજરી ગુજરાતનો એક મહત્વનો ધાન્યપાક છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં તે બાજરો નામે ઓળખાય છે. ભૌગોલિક રીતે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં બાજરી મુખ્યત્વે ખરીફ ઋતુમાં લેવાતો અગત્યનો પાક છે. જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઉનાળુ બાજરી પણ લેવામાં આવે છે. ગુજરાતમાં બાજરી એકંદરે 12 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વવાય છે અને તેનું સરેરાશ ઉત્પાદન 12 લાખ ટન જેટલું મળે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો માટે બાજરીની કડબ પશુચારા તરીકે પણ અગત્ય ધરાવે છે.

ગુજરાતમાં બાજરી અંગેની સંશોધન-કામગીરી વિસ્તૃત અને સુવ્યવસ્થિત રીતે થાય તે હેતુસર જામનગર ખાતે મુખ્ય બાજરા સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્ર બાજરી પર વિવિધલક્ષી સંશોધનની કામગીરી કરે છે. તેનાં પ્રાદેશિક પેટા ચકાસણી–કેન્દ્રો સરદાર કૃષિનગર, મહુવા, કોઠારા અને આણંદ ખાતે સ્થપાયેલ છે. આ કેન્દ્ર પર સૂકા અને અર્ધસૂકા વિસ્તારને અનુકૂળ, ભેજની અછતની પરિસ્થિતિમાં ટકી શકે તેવી, વધુ ઉત્પાદન આપતી, વહેલી પાકતી જાતો/સંકર જાતો વિકસાવવાની સંશોધન–કામગીરીને અગ્રિમતા આપવામાં આવી રહેલ છે.

જાતોના વિકાસમાં ઉત્પાદકતા ઉપરાંત દાણા અને ચારાની ગુણવત્તા તથા રોગ-જીવાત-પ્રતિકારકતાને પણ મહત્વ અપાય છે. વળી ક્ષેત્રવિદ્યા, પાક-સંરક્ષણ તરકીબો અને અન્ય આનુષંગિક બાબતોનાં પણ ઘનિષ્ઠ સંશોધનો થાય છે. આ માટે સંશોધન-ક્ષેત્રે નવીનીકરણ અને આધુનિકીકરણની પ્રક્રિયા નિરંતર ચાલુ રહી છે. તેના પરિણામે થતી પ્રગતિ દ્વારા ગુજરાત રાજ્યને અગ્રિમ હરોળમાં મૂકવામાં આ બાજરા સંશોધન કેન્દ્ર સતત કાર્યરત છે.

બાજરાની સંકર જાતોના વાવેતર માટે ભલામણ કરવામાં બાજરા સંશોધન કેન્દ્ર અગ્રેસર રહ્યું છે. આ કેન્દ્ર પરથી આજ સુધીમાં બાજરીની દસ જાતો, ક્ષેત્રવિજ્ઞાનની 38 અને પાક-સંરક્ષણની 12 એમ બધી મળી કુલ 60 જેટલી ખેડૂતોને ઉપયોગી ભલામણો કરવામાં આવી છે. આવી વધુ ઉત્પાદન-તાંત્રિકીનો ખેડૂતો દ્વારા થતા સઘન ઉપયોગને કારણે હાલ બાજરીના ઉત્પાદનમાં ગુજરાતનું દેશમાં આગવું સ્થાન છે.

મનુભાઈ પટેલ