બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

January, 2000

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં અભ્યાસ કર્યો હતો. તેમનું રાજકીય જીવન મદ્રાસ અને દિલ્હીમાં કેન્દ્રિત થયું હતું. તેઓ રાષ્ટ્રવાદી હોવાથી મુસ્લિમ લીગમાં જોડાયા નહોતા. તેમના શરૂના જીવનની તથા કુટુંબની માહિતી પ્રાપ્ત થતી નથી.

વીસમી સદીની શરૂઆતનાં વરસોમાં પણ ભારતીયોની ઘણા મોટા પ્રમાણમાં નિરક્ષરતા જોઈને તેમને અપાર દુ:ખ થતું હતું. તેઓ માનતા હતા કે રાજ્યની મુખ્ય ફરજ પ્રાથમિક શાળાઓ શરૂ કરીને લોકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની છે. તેઓ માનતા હતા કે નિરક્ષરતાને કારણે લોકો ગરીબ, હિંમત વગરના અને પરાવલંબી છે. સારું શિક્ષણ આપવાથી સામાજિક અનિષ્ટો દૂર કરી શકાય. સમાજ શિક્ષિત હોય તો નાગરિકો રાજ્યને વફાદાર રહે અને રાજ્યની સ્થિરતા મજબૂત બને; પરંતુ ઔદ્યોગિક વિકાસ અને લોકોનું આર્થિક કલ્યાણ કરવા માટે લોકોને તાંત્રિક શિક્ષણ આપવું જોઈએ એમ તેઓ માનતા હતા. 19મી સદીમાં પણ ભારતના ઔદ્યોગિક પછાતપણાથી તેઓ ચિંતિત હતા.

તેઓ 1894માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા અને તે સંસ્થાના ઉત્સાહી સભ્ય બન્યા. પોતાનાં સર્વ પ્રવચનોમાં તેઓ કહેતા કે મુસ્લિમો અને હિંદુઓએ ભાઈઓની માફક રહેવું જોઈએ. ધર્મને કારણે તેમણે અલગ થવું નહિ, પરન્તુ પરસ્પર સહકારથી રહેવું જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એકતા લાવીને દેશને મજબૂત બનાવવાનો છે. 1913માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેઓ ગોપાળ કૃષ્ણ ગોખલેના અનુયાયી હોવાથી મવાળ વિચારસરણીના હતા. તેઓ ક્રાંતિકારી ચળવળના સમર્થક નહોતા અને રાજકીય સ્વતંત્રતાનો તેમનો ખ્યાલ બ્રિટિશ સામ્રાજ્યમાંથી અલગ થવાનો નહોતો. તેમને બ્રિટિશ સરકારના ન્યાયી વહેવારમાં વિશ્વાસ હતો. તેથી બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને સ્વરાજ મેળવવાનું આખરી ધ્યેય તત્કાલીન ભારતીય નેતાઓ સહિત સૈયદ મુહમ્મદનું હતું. વિદેશોમાં ભારતીયો પ્રત્યેના ભેદભાવથી તેઓ ઉશ્કેરાઈ જતા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે બ્રિટિશ સરકારે તુર્કી સામ્રાજ્યના કરેલા વિઘટન અને ખલીફાને દૂર કરવાના પગલાની તેમણે સખત ટીકા કરી હતી.

તેઓ આમજનતાના ઉત્કર્ષમાં માનતા હતા. 1903માં મદ્રાસ મહાજન સભાના પ્રમુખપદે તેમની વરણી થઈ. મદ્રાસના પ્રથમ મુસ્લિમ શરીફ તરીકે 1896માં તેમની નિમણૂક થઈ હતી. મદ્રાસની ધારાકીય સમિતિના સભ્ય તરીકે 1900માં અને મધ્યસ્થ ધારાકીય સમિતિના સભ્યપદે 1905માં તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ સરકાર દ્વારા ધારાકીય સમિતિમાં કરવામાં આવતી નિમણૂકો અને પરોક્ષ ચૂંટણીને બદલે લોકમત દ્વારા પ્રતિનિધિઓ ચૂંટવાના હિમાયતી હતા. તેમને 1897માં બ્રિટિશ સરકાર તરફથી ‘નવાબ’નો ઇલકાબ મળ્યો હતો.

જયકુમાર ર. શુક્લ